Wednesday, April 28, 2010

આજે હું છુમ્મ કરાવવા ગઇ હતી

આજે 27 તારીખ છે ને એટલે આજે મારે ડોકટર અંકલ પાસે જવાનું હતું. આજે સવારે જ હું, મમ્મી, નાની, નાના અને શ્રીકાંત મામા ડોકટર સંદીપ કથીરીયાના દવાખાને પહોંચી ગયા હતા. જ્યાં ડોકટર અંકલે મારૂ વજન કર્યું હતું. મારૂ વજન હવે પાંચ કિલોમાં ફક્ત 200 ગ્રામ જ ઓછું છે.

વજન બાદ ડોકટર અંકલે મને મગજના તાવની, ઝેરી કમળાની, ત્રીગુણી અને પોલીયોની રસી આપી. જ્યારે ડોકટરે મને ઇન્જેક્શન આપ્યું ત્યારે મેં આખા દવાખાનામાં સંભળાય તેમ મોટે મોટેથી રડવાનું શરૂ કર્યું હતું.

પરંતુ કાર જેવી થોડી ચાલી કે રડવાનું બંધ કરી હું કારના કાચમાંથી દેખાતી બહારની દુનિયા જોવામાં તલ્લીન થઇ ગઇ હતી. આ બધા દ્રશ્યો જોવા મને બહુ ગમે છે. પરંતુ હજુ હું વધુ દ્રશ્યો જોઉં પહેલા તો ઘર આવી ગયું અને હું રડી રડીને હું પણ થાકી ગઇ હતી આથી થોડીવારમાં હું સુઇ ગઇ હતી.

- તમારી જિત્વા

Monday, April 26, 2010

મારી રોજીંદી દિનચર્યા


તમને થતું હશે કે 2 મહિના અને 14 દિવસની આ છોકરી આખો દીવસ શું કરતી હશે? ખરૂને? તો આજે તમને જણાવું મારી દિનચર્યા વિશે. આજે હું તમને મારા સવારે ઉઠવાથી માંડીને રાત્રે સુવા સુધીનો ઘટનાક્રમ કહીશ. તો શરૂઆત કરીએ સવારથી...

હું સવારે આઠ વાગ્યા આસપાસ ઉઠું છું. હાલ મારે બ્રશ વગેરે તો કરવાનું હોતું નથી. આથી ઉઠતા વેંત રમવા માંડુ છું મને સવારે રમવું વધુ ગમે છે. આ સવારનો સમય મને બહુ ગમે છે. થોડી વાર રમ્યા બાદ પેટપૂજા કરૂ છું અને બાદમાં નાની માલીશ કરી નવડાવે છે. આટલી પ્રવૃતિ કરી લઉં ત્યાં ફરી આંખો ઘેરાવા માંડે છે.

આથી ફરી મમ્મી ઘોડીયામાં સુવડાવી દે છે. સવારે જ્યારે હું ઘોડીયામાં હોઉં ત્યારે નાના મને હિંચકાવે છે. અહીં તમને એક ખાનગી વાત કહું, "આમ તો જરૂર નથી હોતી પરંતુ હું ઉઠી જઇશ તેવા ભય હેઠળ નાના સતત મને હિંચકાવતા રહે છે"

હવે નાના આટલું સરસ હિંચકાવતા હોય તો પછી ઉઠવાનું મન ના થાય તે સ્વાભાવિક છે. આથી એક દોઢ કલાકના આરામ બાદ હું ઉઠું છું અને થોડી પેટપૂજા કર્યા બાદ રમવાનું. એટલું જ નહીં બપોરે નાના જ્યારે ન્યૂઝ જોતા હોય ત્યારે હું પણ થોડી વાર ટીવી જોઇ લઉં છું.

બપોરે એક - બે વાગ્યે ફરી ઊંઘી જાવ તે છેક બે - ત્રણ કલાક બાદ પાંચ વાગ્યા આસપાસ ઉઠું છે. બપોરે તો ક્યારેક ત્રણ કલાક સળંગ પણ ઊંઘ ખેંચી કાઢું છું. બપોરની ઊંઘ પુરી થાય પછી પેટપૂજા કરીને રમું છું ત્યાં છ, સાડા છ વાગી જાય છે. આ સમયે જો બહાર ઠંડક થઇ ગઇ હોય તો નાની મને થોડી વાર બહાર લઇને બેસે છે.

સાંજે સાત - આઠ વાગ્યાથી લઇને રાતના અગ્યાર, બાર વાગ્યા સુધી મારો મુકામ હોય છે. ભરતમામાના ઘરે. આ સમય દરમ્યાન તેમના કંપાઉન્ડમાં આવેલો હિંચકોએ મારૂ સિંહાસન હોય છે અને મારી સામે બધા ખાટલા અને ખુરશીમાં બેઠા હોય છે. આ હિંચકા ઉપર મામાએ એક વ્હાઇટ લેમ્પ લગાવ્યો છે. આ લેમ્પમાં મને ઘણો પસંદ છે આથી હું વારંવાર તેના તરફ જોયા કરુ છું.

આ હિંચકા પરજ હું થોડી વાર ઊંઘ ખેંચી લઉં અને થોડી વાર રમી લઉં છું. અને સાંજે જ્યારે હું સુતી હોઉં ત્યારે મમ્મી અહીંથી મને ઘરે લઇ જાય છે. આમ મારો આખો દીવસ રમવામાં અને ઊંઘ કરવામાં વિતી જાય છે. આ પોસ્ટની સાથે મારો તાજેતરનો એક વીડીયો પણ છે.

- તમારી જિત્વા

Monday, April 19, 2010

મામાનું ઘર કેટલે ?


અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે. બધા બાળકો તેમના મામાના ઘરે પહોંચી ગયા હશે અથવા જવા માટે તલપાપડ હશે. પરંતુ હું તો જન્મ થયો ત્યારથી લઇને અત્યાર સુધી મામાના ઘરે જ છું. અને હમણાં તો મામા પણ અહીં જ છે પછી તો કહેવું જ શું ?

મને એ સમજાતું નથી કે મોટાભાગે ઘર નાના બનાવે તો પછી મામાનું ઘર કેમ કહેવાય ? મને તો જવાબ નથી મળતો તમને આનો જવાબ મળે તો મને કહેજો.

ખરૂ કહું તો આ મામાઓ બહુ મજાના માણસ હોય છે હો...કારણ કે બે મા બરાબર એક મામા થાય અને આપણી બધી જીદ કે માગણીઓ તેના દ્વારા પુરી થાય. મારે પણ એક મામા છે જેનું નામ શ્રીકાંત છે. સરસ નામ છે ને ? હોય જ ને મામા કોના ? હા..હા..હા...

જુઓ મામાને લગતું આ એક સરસ મજાનું બાળ ગીત છે જે મને તો ગમે જ છે તમને જરૂર ગમશે.

"મામાનું ઘર કેટલે,
દીવા બળે એટલે,
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા.

મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી,
મોળી મીઠાઈ ભાવે નહિ,
રમકડાં તો લાવે નહિ."

તમને એક ખાનગી વાત કહું મારે હજુ મામી છે જ નહીં પરંતુ હું એવી જ મામી શોધીશ જે મારા માટે મીઠી મીઠાઇ લાવે કે જે મને ભાવે અને ખુબ બધા રમકડાં પણ લાવે ખરૂને ?

આગામી પોસ્ટમાં મારે તમને ઘરના બધા સભ્યોનો પરિચય પણ કરાવવો છે જેમાં આ મામાનો ફોટો પણ મુકીશ પરંતુ અત્યારે તો આટલું જ અને હા તમને પેલા પ્રશ્નનો જવાબ મળે તો મને કહેવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા

Sunday, April 18, 2010

મારી કેટલીક નવી પ્રવૃતિઓ

તમને ખબર છે હવે તો હું પડખું ફેરવતા શીખી ગઇ છું. પરંતુ હજુ હાથ વચ્ચે આવે છે આથી આખું ગોથીકલું નથી ખવાતું પરંતુ પ્રયત્નો ચાલુ છે આથી થોડા દિવસમાં તે પણ શીખી જઇશ.

ચાદર ઉથલાવતા તો હું ક્યારની શીખી ગઇ છું કારણ કે કોઇ મારૂ મોં ઢાંકી દે તે મને બહુ નથી ગમતું આથી પગ દ્વારા સાયકલ ચલાવીને હું ચાદરને મોંથી નિચે લાવી દઉં છું.

અને મારા હાથ પણ પગની જેમ સતત પ્રવૃતિમય જ હોય છે. મારા હાથ દ્વારા મારા ચહેરાને કોઇ નુકશાન ન પહોંચે આથી નાની અને મમ્મીએ મારા હાથમાં મોજા પહેરાવી દીધા છે.

આ ફોટામાં પણ તમે મેં હાથમાં પહેરેલા મોજાને જોઇ શકો છો. મોજા પહેર્યા બાદ કોઇ બોક્સર જેવી લાગું છું ને ?

નવું નવું શીખવાના પ્રયત્નો અવીરત ચાલુ જ છે અને હજુ તો ઘણું બધું શીખવાનું છે. ચાલો ત્યારે હવે હું ફરીથી લાગી જાવ કંઇક શીખવાના પ્રયત્નમાં....

- તમારી જિત્વા

Friday, April 16, 2010

પુષ્ટી દીદી, નેત્રા દીદી અને હું

આજે અદા, મોટી મમ્મી, પુષ્ટિ દીદી, નેત્રા દીદી અને ઉષા ફઇ આવ્યા હતા. નેત્રા દીદીતો મારી પાસેથી દુર ખસતા જ નહોંતા. બહાર વાસુ અને પુષ્ટિ દીદી રમતા હતાં પરંતુ નેત્રા દીદી તો બસ મારી પાસેજ બેસી રહ્યા. વારેવારે મારા માથા પર હાથ ફેરવે અને મારી હરકતોને જોયા કરે. (ઘરે કોઇ ફોન કરે તો તેમને પણ તેઓ જિત્વા શું કરે છે તેમ પુછતા રહે છે.)

ઉષા ફઇએ આજે મને પહેલી વખત જ જોઇ થોડી વાર હું તેમના ખોળામાં પણ રમી. મોટી મમ્મી સાથે તો મેં એક ફોટો પણ પડાવ્યો જે આ પોસ્ટમાં મુકી રહી છું. મને પણ હવે રમવાની ખુબ મજા આવે છે અને રમાડવા વાળી આવી દીદીઓ હોય તો તો પછી પુછવું જ શું ? પરંતુ અદાને દુકાને થોડું કામ હોવાથી બધાએ વહેલું નીકળવું પડ્યું.

નેત્રા દીદીતો મને સાથે લઇ જવા માંગતા હતા. પરંતુ વડીલોએ જિત્વા થોડા દીવસ પછી ટીંબાવાડી આવશે તેમ કહીને તેમને મનાવી લીધા હતા.
- તમારી જિત્વા

Monday, April 12, 2010

આજે હું બે મહિનાની થઇ ગઇ


આજે હું બે મહિનાની થઇ ગઇ છું. તમને કદાચ આ ફોટામાં બહુ ફેરફાર જોવા નહીં મળતો હોય પરંતુ હવે તો મારું વજન અને ઊંચાઇ બંનેમાં વધારો થયો છે. હવે મારો વજન 4.5 કિલો જેવો થયો હશે, કારણ કે છેલ્લે વજન કર્યું હતું ત્યારે 4 કિલો વજન હતું.

હવે વાત કરીએ ગયા રવિવારની.... રવિવારે ટીંબાવાડીથી બધા આવવાના હતા પરંતુ અદાને અચાનક વડોદરા જવાનું થયું હોવાથી પછી દાદી, દાદા અને પુષ્ટિ દીદી જ આવ્યા હતા. શારદાબાના ખોળામાં રમવાની મને બહુ જ મજા આવી હતી. તો પુષ્ટિ દીદી અને વાસુને પણ રમવાની અને દોડા દોડી કરવાનો જલ્સો પડી ગયો હતો.

અત્યારે બસ આટલું જ...

- તમારી જિત્વા

Sunday, April 11, 2010

તમને ખબર છે આજે કોણ આવવાનું છે?


આજે રવિવાર છે ને આથી આજે મને રમાડવા ટીંબાવાડીથી દાદા, દાદી, અદા, મોટી મમ્મી, પુષ્ટી દીદી અને નેત્રા દીદી આવવાના છે. છેલ્લે સાત માર્ચના રોજ હું આ બધા ઘરના સભ્યોને મળી હતી ત્યાર બાદ આજે ફરી મળવાનું થશે.

આમ તો એક-બે દિવસના અંતરે તેઓ ફોન દ્વારા મારા ખબર અંતર પુછી લેતા હોય છે પરંતુ ફોનમાં રૂબરૂ જેવી મજા થોડી આવે?

મમ્મી અને નાનીતો ગઇકાલથી રવિવારે મને ક્યા કપડા પહેરાવવા તે નક્કી કરવામાં પડ્યા હતા. મારી પાસે એટલા બધા કપડા થઇ ગયા છે ને કે પસંદગી જરા મુશ્કેલ બને તે સમજી શકાય તેવી બાબત છે.

આજે તો મારે વહેલા વહેલા ઉઠીને તૈયાર થઇ જવું છે અને શારદા બા અને દાદાના ખોળામાં મન ભરીને રમવું છે. મારી પુષ્ટિ દીદી અને નેત્રા દીદી સાથે રમવા માટે હું પણ તલપાપડ છું.

ચાલો ત્યારે વધુ વાત પછી નિરાંતે કરીશું અત્યારે આટલું જ...

- તમારી જિત્વા

Sunday, April 4, 2010

હું મોટી કે મમ્મી, પપ્પા


ચાલો તમને એક પ્રશ્ન પુછું, તમે કહો જોઇએ હું મોટી કે મમ્મી, પપ્પા? તમારો જવાબ હશે પપ્પા, મમ્મી ખરૂને? પણ આ જવાબ ખોટો છે. કારણ કે જ્યારે શિવરાત્રીના દિવસે(12-2-10) જ્યારે મારો જન્મ થયો તેની સાથે જ સાથે જ પપ્પા, અને મમ્મીને આ દરજ્જો મળ્યો. હવે તમે જ કહો મારી, મમ્મીની અને પપ્પાની ઉંમર એક સરખી થઇ કે નહીં?

આવી તો બીજી ઘણી વાતો કરવાની છે પરંતુ અત્યારે તો બસ આટલું જ...

- તમારી જિત્વા

Thursday, April 1, 2010

ઉફ્ફ આ ગરમી!!!


જૂઓને આજકાલ કેવી કાળઝાળ ગરમી પડી રહી છે. હવે તો અહીં સૌરાષ્ટ્રમાં પણ અમદાવાદ જેવી ગરમી પડે છે. થોડા સમય પહેલા તો અહીં પણ તાપમાનનો પારો 43 પર પહોંચી ગયો હતો.

બધાની જેમ મને પણ ગરમી બહુ પસંદ નથી. આજકાલ ગરમીના કારણે મને બપોરે બહુ ઉંધ આવતી નથી પરંતુ વહેલી સવારે અને સાંજે હું ઉંધવાનું પસંદ કરૂ છું. આજકાલ પડી રહેલી ગરમીની અસર મારા શરીર પર પણ જોવા મળી રહી છે. મારી ગરદન અને પીઠ પર કેટલીક ફોલ્લીઓ જોવા મળી રહી છે.

હું તો ગરમીમાં બહાર નીકળવાનું પસંદ જ કરતી નથી. અને સ્નાન બાદ શરીર પર ખુબ બધો પાવડર છાંટું છું અને સાંજે જ્યારે ઠંડો પવન શરૂ થઇ જાય ત્યારે બહાર નીકળું છું. તમે પણ ગરમીની આ મૌસમમાં જરા તબીયત સાચવજો હો...

- તમારી જિત્વા