Showing posts with label Mama. Show all posts
Showing posts with label Mama. Show all posts

Wednesday, November 17, 2010

Live From Mama's House



હાલના દિવસોમાં હું મામાના ઘરે છું. ખુશી દીદીને પણ હાલ દિવાળીની રજાઓ હોવાથી તે પણ વિભા માસી સાથે અહીં આંટો દેવા આવ્યા છે. આજકાલ વાસુમામા અને ખુશી દીદી વચ્ચે મને રમાડવાને લઇને ક્યારેક મીઠો ઝઘડો પણ થાય છે.

શરૂઆતમાં તો હું કોઇની પાસે જતી નહોંતી પરંતુ હવે હું બધા પાસે જાવ છું અને નાના અને મામા સાથે તો બહાર આંટો મારવા પણ જાવ છું. અહીં મને હિંચકા પર હિંચકવાની પણ બહુ મજા આવે છે. નાની અને ભરતમામા મને હિંચકા પર ઝુલાવે છે.

અહીં બાળરોગ નિષ્ણાત પાસે મારે એક રોગપ્રતિકારક રસી મુકાવવાની હતી તે પણ હું શનિવારે મુકાવી આવી છું. અહીં મારૂ વજન પણ કરવામાં આવ્યું હતું. હવે આઠ કિલોમાં ફક્ત 200 ગ્રામ વજન ઓછું છે.

એક ખાનગી વાત કહું તો મમ્મીનું અંગતપણે એવું માનવું છે કે હમણાથી મારી દિવસની ઊંઘ ઓછી થઇ ગઇ છે. અને મારા તોફાન પહેલા કરતાં વધી ગયા છે.

અરે હા, તમને એક અગત્યની વાત કહેવાની છે કે મારે ઉપરના પણ બે દાંત આવી ગયા છે આમ હવે મારા મોઢામાં બે નીચેના અને બે ઉપરના મળીને કુલ ચાર દાંત છે. ચાલો તમે આગળની પોસ્ટ વાંચો હું ચાલી નાની પાસે હિંચકા ખાવા....

- તમારી જિત્વા

Monday, April 19, 2010

મામાનું ઘર કેટલે ?


અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે. બધા બાળકો તેમના મામાના ઘરે પહોંચી ગયા હશે અથવા જવા માટે તલપાપડ હશે. પરંતુ હું તો જન્મ થયો ત્યારથી લઇને અત્યાર સુધી મામાના ઘરે જ છું. અને હમણાં તો મામા પણ અહીં જ છે પછી તો કહેવું જ શું ?

મને એ સમજાતું નથી કે મોટાભાગે ઘર નાના બનાવે તો પછી મામાનું ઘર કેમ કહેવાય ? મને તો જવાબ નથી મળતો તમને આનો જવાબ મળે તો મને કહેજો.

ખરૂ કહું તો આ મામાઓ બહુ મજાના માણસ હોય છે હો...કારણ કે બે મા બરાબર એક મામા થાય અને આપણી બધી જીદ કે માગણીઓ તેના દ્વારા પુરી થાય. મારે પણ એક મામા છે જેનું નામ શ્રીકાંત છે. સરસ નામ છે ને ? હોય જ ને મામા કોના ? હા..હા..હા...

જુઓ મામાને લગતું આ એક સરસ મજાનું બાળ ગીત છે જે મને તો ગમે જ છે તમને જરૂર ગમશે.

"મામાનું ઘર કેટલે,
દીવા બળે એટલે,
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા.

મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી,
મોળી મીઠાઈ ભાવે નહિ,
રમકડાં તો લાવે નહિ."

તમને એક ખાનગી વાત કહું મારે હજુ મામી છે જ નહીં પરંતુ હું એવી જ મામી શોધીશ જે મારા માટે મીઠી મીઠાઇ લાવે કે જે મને ભાવે અને ખુબ બધા રમકડાં પણ લાવે ખરૂને ?

આગામી પોસ્ટમાં મારે તમને ઘરના બધા સભ્યોનો પરિચય પણ કરાવવો છે જેમાં આ મામાનો ફોટો પણ મુકીશ પરંતુ અત્યારે તો આટલું જ અને હા તમને પેલા પ્રશ્નનો જવાબ મળે તો મને કહેવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા