Friday, June 25, 2010

તમને આવું કરતાં આવડે?




હાલના દિવસોમાં મગ - ભાતનું પાણી પીવાની સાથે હું એક નવી પ્રવૃત્તિ કરી રહી છું અને તે છે પગનો અંગુઠો મોમાં મુકવાની. મને સમય મળતાની સાથે જ હું આ પ્રવૃત્તિમાં લાગી જાવ છું.

મને ખબર છે તમે પણ મારી જેવડા હસો ત્યારે તમે પણ આવું કરતાં હસો પણ પછી પ્રયત્ન કર્યો છે ? શું નહિ તો અત્યારે ટ્રાય કરી જુઓ તમને પણ મજા આવશે.

- તમારી જિત્વા

Sunday, June 20, 2010

ફાધર્સ ડે સેલિબ્રેશન


જૂન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ૨૦-૦૬-૧૦ ના દિવસે મેં પણ મારા પપ્પા સાથે ફોટો પડાવી ફાધર્સ ડે સેલીબ્રેટ કર્યો. આ વખતે હું પહેલી વખત ફાધર્સ ડેની ઉજવણી કરી રહી છું. અને હવે તો મેં નક્કી કર્યું છે કે દરેક તહેવારની ઉજવણી કરવી.

હા તો આપણે વાત કરતા હતા ફાધર્સ ડેની તો આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોને તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી હતી.

પિતા અને પુત્રી વચ્ચેનો સબંધ આ કવિતામાં પણ સારી રીતે દર્શાવવામાં આવ્યો છે.

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો

મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

(સૌજન્ય :http://tahuko.com )

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લીન્કને તેના પુત્રને સ્કૂલમાં દાખલ કર્યો એ સમયે તેમણે શિક્ષક ને ઉદેશીને એક પત્ર લખ્યો હતો તે અહી પ્રસ્તુત છે. આ પત્ર માં એક પિતા અને તેના સંતાન વચ્ચેનો પ્રેમ જોવા મળે છે.

માનનીય શિક્ષકશ્રી,

આજે મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે. થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે. હું ઇચ્છું કે તમે તેના પ્રત્યે મૃદુતા દાખવશો. આ એક એવું સાહસ છે જે તેને ખંડો ઓળંગાવી શકે. એ બધાં સાહસોમાં યુદ્ધો, દુર્ઘટનાઓ અને હતાશાઓનો સમાવેશ થઈ જાય છે. તેને તેનું જીવન જીવવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમતની જરૂર પડતી રહેવાની.

એટલે, મારા વહાલા શિક્ષક, તમે એનો હાથ ઝાલીને એને એ બધું શીખવજો જે એણે શીખવાનું હોય… પણ બની શકે તો એને એ બધું ધીરજથી શીખવજો. એને શીખવજો કે દરેક દુશ્મન સામે એક મિત્ર હોય છે. તેણે એ જાણવું પડશે કે બધા માણસો સાચા અને ન્યાયી નથી હોતા.

પરંતુ સાથેસાથે એને એ પણ જણાવજો કે દરેક કુટિલ માણસની સામે એક આદર્શવાદી વ્યક્તિ હોય જ છે, અને દરેક સ્વાર્થી રાજકારણીની સામે એક સમર્પિત નેતા હોય જ છે. સમય લાગશે એની મને જાણ છે, છતાં જો સમજાવી શકો તો બાળકને સમજાવજો કે ક્યાંકથી મળેલા પાંચ રૂપિયા કરતાં પોતે કમાયેલા એક રૂપિયાની કિંમત ઘણી વધુ હોય છે.

એને હાર સ્વીકારવાનું શીખવજો અને જીતને માણવાનું પણ શીખવજો. શક્ય હોય તો એને ઇર્ષ્યાના વમળમાંથી બહાર ખેંચજો. એને મૌન હાસ્યનું રહસ્ય સમજાવજો. વહેલી તકે એને શીખવજો કે ક્રૂર અને ઘાતકી લોકોને જીતવા સૌથી સરળ છે.

જો કરાવી શકો તો તેને પુસ્તકોની અદભુત દુનિયાનાં દર્શન કરાવજો, પણ સાથેસાથે આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યપ્રકાશમાં ગીત ગાતી મધમાખીઓ અને ડુંગરના હરિયાળા ઢોળાવ ઉપર ઊગતાં ફૂલોનાં સનાતન રહસ્ય વિષે વિચારવાની નિરાંત પણ આપજો.

શાળામાં એને શીખવજો કે છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ જવું વધુ ગૌરવભર્યું છે. ભલે બધાના મત પ્રમાણે ખોટા હોઇએ, છતાં પોતાના વિચારોમાં શ્રદ્ધા રાખવાનું એને શીખવજો. નમ્ર લોકો સાથે નમ્ર અને સખત લોકો સાથે સખત બનવાનું એને શીખવજો.

વાયરા સાથે જ્યારે બધા બદલાઇ જાય ત્યારે ટોળાશાહીમાં ભળી જવાને બદલે પોતાના માર્ગે ચાલવાનું બળ મારા બાળકને આપવાનો પ્રયત્ન કરજો. દરેકને સાંભળવાનું એને શીખવજો, પણ સાથેસાથે સત્યની ચાળણીમાંથી બધું ચાળીને પછી જે સારું હોય તેને જ સ્વીકારવાનું પણ શીખવજો.

એની પ્રતિભા અને આવડતની ઊંચામાં ઊંચી કિંમત મળે એના પ્રયાસ કરવાનું એને શીખવજો, પણ એને એ પણ શીખવજો કે પોતાનાં હૃદય અને આત્માને વેચવા ન કાઢે. શક્ય હોય તો એ ઉદાસ હોય ત્યારે એને હસવાનું શીખવજો. એને શીખવજો કે રડવામાં કોઇ શરમ નથી.

માનવતામાં જેને શ્રદ્ધા ન હોય તેને વખોડી નાંખવાનું અને અતિ નમ્રતા/વખાણથી સાવચેત રહેવાનું એને શીખવજો. એની સાથેનું વર્તન મૃદુ/કોમળ રાખજો, પણ એને લાડમાં જકડી ન રાખતા, કારણ કે અગ્નિમાં તપીને જ સોનું નીખરે છે… શુદ્ધ બને છે.

અધીર થવાની હિંમત અને ધીરજ ધરવાની સહનશીલતા એને કેળવવા દેજો. પોતાનામાં પરમ/દિવ્ય/ઉચ્ચત્મ વિશ્વાસ રાખવાનું એને કાયમ શીખવજો, જેથી માનવજાતમાં અને ઇશ્વરમાં પણ તે એવો જ વિશ્વાસ રાખતો થાય. આ ઘણું કઠિન કામ છે. જોઇએ તમે શું કરી શકો છો. એક સુંદર, નાનું વ્યક્તિત્વ છે મારું બાળક. (સૌજન્ય :http://thankibabu.wordpress.com)

- અબ્રાહમ લિંકન

- તમારી જિત્વા

Saturday, June 12, 2010

પાની પાની રે...



આજે મેં પહેલી વખત પાણી નો સ્વાદ ચાખ્યો. મને તો ખુબ જ મજા પડી ગઈ. આજે મારા માટે બેવડા આનંદ નો દિવસ છે કારણ કે આજે હું પાંચ મહિનાની થઇ ગઈ અને આજે મેં પહેલી વખત પાણીનો સ્વાદ ચાખ્યો.

પાણી પીવાની મને કેવી મજા આવી તે તમે ઉપરના ફોટોમાં જોઈ શકો છો. લોકો પાણીને અમૃત શા માટે કહે છે તે હવે મને સમજાઈ રહ્યું છે

Thursday, June 10, 2010

હું તમને કહેતા ભૂલી ગઈ


તમને થતું હશે કે આ છોકરી ક્યાં ખોવાય ગઈ ? અને આવી તે કઈ વાત છે કે જે કહેતા હું ભૂલી ગઈ. હા તો મોટી વાત એ છે કે હવે હું અમદાવાદ આવી ગઈ છું અને અહી સેટ પણ થઇ ગઈ છું. હું ૯ -૬-૧૦ ના રોજ અમદાવાદ આવી સાથે બા પણ આવ્યા છે આથી મારે વાંધો નથી.

હું તમને અમદાવાદની વાત કરું તે પહેલા થોડી જૂની વાતો કરી લઉ સૌથી પહેલા વાત કરું રસીકરણની તો ૨૮-૦૫-૨૦૧૦ ના રોજ મારે રસી લેવાની હતી આથી હું પપ્પા, મમ્મી અને પુષ્ટિદીદી કેશોદ ગયા હતા ત્યાં ડોકટર સારા છે ને માટે.
નાના પણ સીધા દવાખાના પર આવી ગયા હતા અહી રસી દેતા પહેલા મારો વજન કરવામાં આવ્યો હતો જે ૫.૬ કી.ગ્રા. થયો. અને પછી મને રસી આપવામાં આવી હું થોડી વાર માટે રડી પછી નાનાના ઘરે જઈને સુઈ ગઈ. સાંજે પાછા ટીંબાવાડી આવી ગયા હતા.

વચ્ચે હું ભાવનામાસીને ત્યાં પણ આંટો મારી આવી. ત્યાં પણ મને બહુ મજા આવી. ટીંબાવાડીમાં મને મજા આવતી હતી પુષ્ટિદીદી, નેત્રાદીદી, દાદા, બા, અદા, મોટી મમ્મી અને મમ્મી હું એક અને રમાડવા વાળા કેટલા બધા...હા ક્યારેક નેત્રા દીદી મને ઉઠાડી દેતા હતા તે ખરું પણ મને બહુ મજા આવતી હતી.