Saturday, December 25, 2010

દાંતોની કેટલીક કસરતો




જેમ આપણા શરીરને કસરતની જરૂર રહે છે તેમ દાંતને પણ કસરતની જરૂર ખરી કે નહીં ? આજકાલ મારા દાંત આવી રહ્યા છે. ઉપરના પેઢામાં ચાર દાંત આવ્યા છે અને નીચેના પેઢામાં બે દાતુંડી આવી છે. અહીં નીચેના દાંતને દાંતુડી કહેવા પાછળનું કારણ એ છે કે તે ઉપરના દાંતની સરખામણીમાં નાના અને ધાર વાળા છે.

હાલના સમયમાં મારા મોમાં દાંત આવે છે એટલે પેઢામાં ખંજવાળ આવે છે અને હું ગમે તે વસ્તુ મોં માં નાખવાનો પ્રયત્ન કરૂ છું પછી તે રમકડું હોય કે છાપું. અને ક્યારેક દાંતો પણ કચકચાવું છું.

આમ તો પપ્પા, મમ્મી સામાન્ય રીતે આવું કરવા દેતા નથી પરંતુ તેઓની નજર ચુકાવીને હું ક્યારેક આવી શરારત કરી લઉં છું. આ ફોટામાં તમે મારી શરારતને જોઇ શકો છો.

અત્યારે આ હાલત છે તો પછી ખીલા દાંત આવે ત્યારે કેવી તકલીફ થતી હશે. મેં તો એવું સાંભળ્યું છે કે ખીલા બહુ ભારે હોય છે. આમ તો દાંત

સરળતાથી આવે માટે સાવચેતીના ભાગ રૂપે મમ્મીએ મને ગળામાં દાંતનો પારો પહેરાવી રાખ્યો છે. ચાલો હવે ત્યારે એ ખીલા આવે ત્યારની વાત ત્યારે અત્યારે તેની ચિંતા શા માટે કરવી ?

- તમારી જિત્વા

Friday, December 24, 2010

છાપામાં શું આવે ?




પપ્પા સવારે છાપુ લઇને બેઠા હોય છે ત્યારે આ પ્રશ્ન મારા મગજમાં આવતો હોય છે કે આ મોટા મોટા પાનામાં શું આવતું હશે. સામાન્ય રીતે પપ્પા-મમ્મી છાપુ મારા હાથમાં આવવા દેતા નથી પરંતુ આજે મોકો જોઇને મેં મારા પ્રશ્નનું સમાધાન કરી નાખ્યું.
છાપામાં મને કંઇ વાંચતા તો નથી આવડતું પરંતુ તેમાં છપાયેલા રંગબેરંગી ફોટાઓ મને ગમે છે અને તેને ફાડવાની મને મજા આવે છે. જ્યારે પણ છાપુ મારા હાથમાં આવે છે ત્યારે હું તેના ટુકડે ટુકડા કરી નાખું છું.

- તમારી જિત્વા

Thursday, December 23, 2010

પ્રયાસ પગ પર ઉભા રહેવાનો



હું બેસતા તો શીખી ગઇ છું અને હવે હું ઉભા રહેવાનું શીખી રહી છું અને મારા આ પ્રયાસમાં બા મારા માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે.

દિવાલ વગેરેના ટેકાથી હવે થોડું ઉભા તો રહેવાય છે પરંતુ હજુ સંતુલન જળવાતું નથી. અને જ્યારે પણ સંતુલન જાળવવાના પ્રયાસમાં જ્યારે મને થોડી પણ સફળતા મળે છે ત્યારે મારા ચહેરા પર આનંદ પથરાય જાય છે. ચાલો તમે હવે આગળની પોસ્ટ વાંચો હું થોડો ઉભા રહેવાનો પ્રયાસ કરી લઉં.

- તમારી જિત્વા

Tuesday, December 21, 2010

આમળું ખાટું હોય કે કડવું?





આવો પ્રશ્ન એક દિવસ મને પણ થયો જ્યારે મમ્મી તેને સમારી રહી હતી. આથી હંમેશાની ટેવ મુજબ મેં ઝપટ મારીને તેને ઝુંટવી લીધું અને નાખ્યું સીધું મોં માં. મારી આ આદતથી કંટાળેલી મમ્મીએ પણ મને રોકવાનો પ્રયાસ ન કર્યો.

મેં જેવું આમળું મોં માં નાખ્યું કે તરત જ તેના ખાટા સ્વાદના કારણે મારૂ મોં બગડી ગયું અને મારી કેવી હાલત થઇ છે તે તમે આ ફોટાઓમાં જોઇ શકો છો.

હવે મને ખબર પડી કે આમળું ખાટું હોય છે અને દરેક વસ્તુ ચાખવાનો પ્રયાસ ન કરવો કેમ કે ક્યારેક આપણે તકલીફમાં પણ મુકાઇ જઇએ તેવું પણ બને ખરૂ ને ?

- તમારી જિત્વા

Monday, December 13, 2010

અમદાવાદમાં રી એન્ટ્રી



હું દિવાળી કરવા માટે વતનમાં જૂનાગઢ ગઇ હતી અને ત્યારબાદ મમ્મીની એક્ઝામ હોવાથી મારે ત્યાં રોકાવું પડ્યું હતું. હવે ત્યાંના બધા કામો પુરા થઇ ગયા હોવાથી હું, મમ્મી અને શારદા બા 12 ડિસેમ્બરના રોજ અમદાવાદ આવી ગયા છીએ.

રાત્રે ઠંડી વધુ પડતી હોવાથી અમે દિવસે જ પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. અમે સાંજે 5.30 વાગ્યા આસપાસ અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે પપ્પા અને અશ્વિન અંકલ અમને રીસીવ કરવા આવ્યા હતા.

ઘણા દિવસોથી પપ્પાને જોયા નહોંતા આથી હું શરૂઆતમાં તો તેમનાથી શરમાતી હતી અને તેમની પાસે જતી નહોંતી પરંતુ ઘર સુધી પહોંચતા પહોંચતા તો હું હંમેશાની જેમ તેમના ખોળામાં જઇ બેઠી હતી.

હાલના દિવસોમાં શારદા બા પણ મારી સાથે છે તેથી મને મજા આવી રહી છે કારણ કે બા મને ઘોડીયામાં હિંચકાવવાની સાથે બહાર ફરવા અને તડકો

ખાવા પણ લઇ જાય છે આથી બા સાથે મારી દોસ્તી પાક્કી થઇ ગઇ છે. આમ તો મમ્મી એક્ઝામ આપવા જતી હતી ત્યારે પણ હું બા પાસે જ રહેતી હતી.

હું તમને ઘણા બધા દિવસો પછી મળી નહીં.....? હા મારે પણ તમારી સાથે ખુબ બધી વાતો કરવાની છે પરંતુ અત્યારે બસ આટલું જ..

- તમારી જિત્વા