Saturday, September 18, 2010

આનંદો...આનંદો....બે દાંત આવી ગયા


આનંદો...આનંદો...મારા નીચલા પેઢામાં વચ્ચેના બે દાંત આવી ગયા છે. અત્યારે અન્ય બાળકોની જેમ મને શરદી કે ઝાડા થયા નથી કે અન્ય કોઇ તકલીફ પણ વર્તાય રહી નથી. પરંતુ આજકાલ પેઢામાં આવતી મીઠી ખંજવાળના કારણે હું દરેક વસ્તુ મોં માં નાખવાનો પ્રયાસ કરૂ છું અને તેમાં પણ જો કોઇની આંગળી આવી ગઇ તો કચકચાવીને દબાવવાનો પ્રયાસ કરૂ છું.

હું આશા રાખું છું કે અન્ય દાંત પણ વહેલાસર અને કષ્ટ વગર આવી જશે જેથી હું જલ્દી જલ્દી દરેક વસ્તુ ખાઇ શકું.

- તમારી જિત્વા

નીશુભાઇ સાથે ઢીસુમ ઢીસુમ...


તમને ખબર છે દરરોજ મને નીશુભાઇ રમાડવા આવે છે. અને હું પણ ક્યારેક નિશુભાઇના ઘરે રમવા જાવ છું. આમતો હું મમ્મી અને પપ્પા સીવાય કોઇની પાસે જતી નથી પરંતુ નીશુભાઇ અને તેના મમ્મી તેમાં અપવાદ છે.

આ ફોટાઓ નિશુભાઇના ઘરે હું રમવા ગઇ હતી ત્યારના છે. જુઓ અહીં મેં સિંહ જેવો અવાજ કરીને નીશુભાઇને કેવા ડરાવી દીધા હતા. અહીં હું નીશુભાઇના રમકડાઓથી રમવા સીવાય ઘોડાની સવારીનો પણ આનંદ માણું છું.

- તમારી જિત્વા

વ્હાલી જિત્વાને...


પપ્પા નેટ પર સર્ફીંગ કરતા હતા ત્યારે ટહુકો ડોટ કોમ પરથી યોસેફ મેકવાનની આ સરસ મજાની કવિતા વાંચવા મળી. તમને ખબર છે હું તમારી સાથે દરેક વાત શેર કરૂ છું તો પછી આ કવિતા કેમ નહીં. તો વાંચો આ સરસ મજાની કવિતા.

દીકરીને...

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;

ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક
ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

કેમ કવિતા વાંચવાની મજા આવી ને ? પિતા અને પુત્રી વચ્ચેના સબંધને વાચા આપતી આ સુંદર કવિતા પણ તમને જરૂર ગમશે.

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

Saturday, September 11, 2010

મને બેસતા આવડી ગયું
અત્યાર સુધી મને બેસતા નહોંતુ આવડતું પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસોથી મને બેસતા આવડી ગયું છે. હવે ઓશીકા કે તકીયાના ટેકા વગર હું બેસી શકું છું છતાં હું પડી ન જાવ માટે મમ્મી-પપ્પા તકેદારીના ભાગરૂપે મારી પાછળ ગાદી રાખી દે છે.

આમ તો બહુ વાંધો નથી આવતો પરંતુ ક્યારેક કોઇ રમકડું દુર જતું રહ્યું હોય ત્યારે તેને પકડવાના ચક્કરમાં ક્યારેક બેલેન્સ ગુમાવી દેવાય છે. પરંતુ હું જે રીતે બેસતા શીખી ગઇ તે રીતે બેલેન્સ જાળવતા પણ શીખી જઇશ. તમે આ બ્લોગ વાંચો હું ચાલી બેલેન્સ કેમ જાળવવું તે શીખવા.

- તમારી જિત્વા

ગણેશચર્તુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આજે સમગ્ર દેશમાં ગણેશચર્તુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમને બધાને પણ નાનકડી જિત્વા તરફથી ગણેશચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

અને તમારા દરેક કાર્યોમાં ગણેશજી આર્શીવાદ વરસાવતા રહે અને તમારા કાર્યો વચ્ચે આવતા વિધ્નોને હરતા રહે એવી આશા સાથે પ્રસ્તુત છે ગજાનનની આ સરસ મજાની સ્તુતી.

સરસ્વતી સ્વર દિજિયે
ગણપતી દિજિયે જ્ઞાન
બજરંજી બલ દિજિયે
સદગુરુ દિજિયે સાન

પ્રથમ પહેલા પૂજા તમારી
મંગળ મુર્તિવાળા ગજાનન

કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ પહેલા….

પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારા
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાયુ દયાવાળા
પ્રથમ પહેલા….

સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભયભંજન રખવાળા
સર્વ સફળતા તમથકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા

અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
પ્રથમ પહેલા….

જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળા
પ્રથમ પહેલા….

(સૌજન્ય : ટહૂકો.કોમ)

આ પોસ્ટ સાથે ગણપતિજીના સુંદર મજાના ગીતો પણ મુકું છું તમે તે સાંભળો હું ચાલી લાડુ ખાવા.

- તમારી જિત્વા

Saturday, September 4, 2010

મારી પહેલી સાતમ-આઠમ


આ મારી પહેલી સાતમ આઠમ હતી. આ વખતે સાતમ આઠમ કરવા માટે અદા, મોટી મમ્મી, પુષ્ટી દીદી અને નેત્રા દીદી અમદાવાદ આવ્યા હતા. મેં તેમને લાંબા સમયે જોયાને આથી પહેલા એક-બે દિવસ તો હું તેમની પાસે ગઇ જ નહોંતી પરંતુ પછી અદા અને મોટી મમ્મી સાથે હું કેવી રમતી હતી તે તમે આ ફોટામાં જોઇ શકો છો.

એટલું જ નહીં પુષ્ટી દીદી અને નેત્રા દીદી સાથે રમવાની મને બહુ જ મજા આવી ગઇ મેં તેમની સાથે આ સ્ટાઇલીશ ફોટો પણ પડાવ્યો. હું નાની હોવાથી બંને દીદી સાથે હું કાંકરીયા, સાયન્સ સીટી વગેરે સ્થળોએ તેમજ ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા તો ન જઇ શકી પરંતુ એક દીવસ તેમની સાથે રીલાયન્સ મોલમાં ગઇ હતી. પરિવારના સભ્યો સાથે હોવાના કારણે હું મારી પહેલી સાતમ-આઠમ ખુબજ સરસ રીતે ઉજવી શકી.

- તમારી જિત્વા