Tuesday, March 17, 2015

મારી ફેવરીટ કાર

આમ તો મને કાર બાબતે બહુ ખબર નથી પડતી પરંતુ ખબર નહીં કેમ મારા માટે કાર એટલે ઇનોવા અને ઇનોવા એટલે કાર. રસ્તા પર જ્યારે પણ ઇનોવા જોવા મળે ત્યારે હું પપ્પા અને મમ્મીનું ધ્યાન ઇનોવા તરફ દોર્યા વગર રહી શકતી નથી.

હું પપ્પાને એવું પણ કહું છું કે પપ્પા હું મોટી થઇને રેડ કલરની (મારો મન ગમતા કલર પીંકની નજીકનો કલર) કાર લઇશ.

મારી પસંદગી તમને કેવી લાગી મને જરૂરથી જણાવશો.

- તમારી જિત્વા 

Thursday, February 5, 2015

મોદી ના કહે છે તો પણ...



ગઇકાલે રાત્રે હું, પપ્પા અને મમ્મી રાત્રે ડી માર્ટમાં ગયા હતા. જ્યાં હું અને પપ્પા થોડા વહેલા બહાર આવી ગયા અને પાર્કીંગમાં ઉભા ઉભા મમ્મીની રાહ જોતા હતા ત્યાં મારી નજર ચારે તરફ પડેલા પ્લાસ્ટીક અને કાગળ પર પડી.

ટીવી પર મેં મોદીને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવાનો આગ્રહ કરતાં જોયા હોવાથી મેં પપ્પાને પુછ્યું...પપ્પા મોદી ના પાડે છે તો પણ કેમ લોકો માનતા નથી અને જ્યાં ત્યાં કચરો ફેંકે છે ?

મારો આ પ્રશ્ન સાંભળીને પપ્પાને પણ આશ્વર્ય થયું કે તને કેમ ખબર કે મોદી કચરો ફેંકવાની ના પાડે છે ?જવાબમાં મેં જણાવ્યું કે હું કંઇ થોડી ટીવી પર હંમેશા કાર્ટુન જ જોઉ છું. તમે જ્યારે ન્યુઝ જોતા હો ત્યારે એડવર્ટાઇઝ આવે છે ને મોદીની તે હું પણ જોઉં છું.

- તમારી જિત્વા

Wednesday, January 28, 2015

પપ્પા પાપ એટલે શું ?


આજે હું અને પપ્પા સાંજે ટીવી જોતા હતા ત્યારે મેં પપ્પાને એક ગંભીર પ્રશ્ન પુછી નાખ્યો કે પપ્પા પાપ એટલે શું ?

મારો પ્રશ્ન સાંભળીને તો થોડીવાર માટે પપ્પા પણ વિચારતા થઇ ગયા. વિચાર્યા બાદ તેઓએ મને સમજાય તે રીતે જવાબ આપ્યો કે ભગવાનને ન ગમે તેવું કામ કરીએ એ પાપ. મેં પપ્પાને વળતો પ્રશ્ન પુછ્યો કે તો તો આપણે નીચે પડેલા ફુલ ભગવાનને ચઢાવીએ તે પણ પાપ જ કહેવાય ને ? કારણ કે ભગવાનને તો તે પણ ન જ ગમે ને ?

પપ્પા મારા પ્રશ્નો વચ્ચે અટવાતા લાગ્યા એટલામાં મમ્મી અમારી વાતમાં વચ્ચે આવી અને અમારી ચર્ચા અધુરી રહી.

તમારી દ્રષ્ટિએ પાપ એટલે શું ? મને જરૂર જણાવશો. ચાલો ત્યારે હવે મારે સુવાનો ટાઇમ થઇ ગયો છે.

- તમારી જિત્વા

Tuesday, December 30, 2014

મેરી ક્રિસમસ એન્ડ હેપ્પી ન્યુ યર




ક્રિસમસ બાદ હું સ્કુલે ગઇ ત્યારે સાન્તાએ મને "એંગ્રીબર્ડ કોઇન બેંક" ગીફ્ટ તરીકે આપી હતી અને ટીચરે  સાન્તાનું આ માસ્ક. હાલમાં હું સાન્તાનું આ માસ્ક પહેરીને ઘરમાં ફરું છું. અને મમ્મી- પપ્પાને ડરાવી દઉં છું. તેમને ખોટા ખોટા ડરતા જોઇને હું સાચ્ચે સાચ્ચી આનંદમાં આવી જાઉં છું.

આ માસ્કને લઇને પણ મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતો જેમ કે આમાં કલર કેમ લગાવવામાં આવે, આ કેમાંથી બને આને કઇ જગ્યાએ બનાવવામાં આવે વગેરે વગેરે....જો કે હાલ પુરતા મને મોટા ભાગના પ્રશ્નોના જવાબ મળી ગયા છે.


- તમારી જિત્વા

Monday, December 8, 2014

શતરંજ કે ખીલાડી


છેલ્લા ઘણા દિવસથી હું પપ્પાને કહેતી હતી કે મને ચેસ લાવી આપો. આમ તો ચેસમાં મને કંઇ ખબર પડતી નથી પરંતુ એટલી ખબર પડે કે બ્લેક એન્ડ વ્હાઇટ ખાનામાં રાજા, વજીર, ઉંટ, હાથી, ઘોડો અને પાયદળને ગોઢવવાના હોય.

આજે પપ્પાએ ચેસ લાવીને મને સરપ્રાઇઝ આપી. બોક્ષ જોઇને હું તો રાજી રાજી થઇ ગઇ અને ખોલીને જોયું ત્યાં તો આશ્વર્યચકીત કારણે કે છેલ્લા ઘણા દિવસોથી હું જે વસ્તુ માગતી હતી તે જ આવી.

હવે મારે ચેસ રમતા શીખવું છે. બોલો શીખવાડશો મને...

- તમારી જિત્વા

Monday, November 24, 2014

હું તમને નહીં જવા દઉં



અત્યાર સુધી મને કોઇ ઘરમાંથી બહાર જાય ત્યારે બહુ લાગી આવતું નહીં પરંતુ હવે મને આ બધી ખબર પડે છે.  અને હવે કદાચ મને માનવીય સબંધોનું મુલ્ય સમજાય રહ્યું છે.


હાલ છેલ્લા ઘણા દિવસોથી બા અને દાદા અહીં આવ્યા હતા. મને તેમની સાથે રમવાની બહુ મજા આવતી હતી. સવારે પપ્પા સ્કુલે મુકી જાય અને દાદા સ્કુલેથી લેવા આવતા હતા. દિવસો જાણે આનંદથી પસાર થતા હતા તેવામાં બા એ કહ્યું કે મારે જૂનાગઢ જવાનું છે . મેં તેમને કહ્યું કે ના તમારે નથી જવાનું દાદાને જવું હોય તો ભલે જાય તમારે રોકાવાનું છે.

બા એ મને સમજાવી કે મારે થોડું કામ છે તે પતાવી ને હું ફરી આવી જઇશ અને આ જો હું મારી સાડીઓ પણ અહીં મુકીને જાઉં છું.  છતાં સોમવારે સાંજે તેમને જતા રોકવા મેં બહુ કોશીશ કરી અને તેમની બેગ અને ચંપલને છુપાવા લાગી.

હવે ઘીમે ઘીમે બા અને દાદાને જવાનો સમય નજીક આવી રહ્યો હતો આથી મેં તો પોક મુકીને રડવાનું ચાલુ કર્યું મને બહુ સમજાવામાં આવી અને અંતે રડતી આંખે હું બા અને દાદાને મુકવા પણ ગઇ. બા અને દાદાને મુકીને હું ઘરે આવી ત્યારે ઘર એકદમ સુમસામ લાગ્યું અને ફરી હું બેડ પર બેસી ગઇ અને જેવી પપ્પાએ મને બોલાવી કે ફરી મને રડવું આવી ગયું. ફરી મને મનાવવામાં  પપ્પા - મમ્મીને બહુ વાર લાગી.  હવે હું રાહ જોઇ રહી છું કે બા અને દાદા ફરી ક્યારે આવે.

- તમારી જિત્વા

Friday, November 21, 2014

લાવો બા વાસણ કરાવું



હાલ દિવાળી કરવા માટે હું વતનમાં આવી છું. અહીં મને પુષ્ટિ દીદી અને નેત્રા દીદીની ખોટ તો સાલે છે પરંતુ બા ની સાથે હું રમ્યા કરૂ છું. આખો દીવસ હું બાની પાછળ અને પાછળ આંટા માર્યા કરૂ અને તે જે કરે તે હું પણ કરૂ.

જમ્યા બાદ બા વાસણ કરવા બેઠા તો હું પણ પાટલો લઇને બાજુમાં બેસી ગઇ કે લાવો બા તમને વાસણ કરાવું. મારી આ બાળ સહજ ચેષ્ટાથી બા પણ હસવા માંડ્યા.

- તમારી જિત્વા