Sunday, October 31, 2010

બા, અદા અને દાદા


ભાષા શિખવાના ચાર તબક્કા છે પહેલો સાંભળવું બીજો બોલવું ત્રીજો વાંચવું અને ચોથો લખવું. મેં પણ અત્યાર સુધી ઘણું સાંભળ્યું હવે હું બોલવાનો પ્રયાસ કરી રહી છું.

અત્યારે મને બા, અદા અને દાદા બોલતા આવડી ગયું છું. અને હું મારી મરજી પ્રમાણે બોલતી હોઉં છું. ખાસ કરીને બપોર અને સાંજના સમયે.

તો વળી, મમ્મી મને બપોરે ઘોડીયામાં સુવડાવે ત્યારે ક્યારેક હું મારી સાંકેતીક ભાષામાં હાલરડા પણ ગાઉં છું. અને ક્યારેક આનંદમાં હોઉં ત્યારે ચીસો પણ પાડું છું આ પણ એક પ્રકારનું પ્રત્યાયન જ છે ને ?


- તમારી જિત્વા

Thursday, October 28, 2010

ઉંઘવાની ખાસ સ્ટાઇલ



મેં હાલ ઉંઘવાની એક ખાસ સ્ટાઇલ વિકસાવી છે. મમ્મી જ્યારે મને ઘોડીયામાં સુવડાવે ત્યારે હું આડી થઇને એક હાથ ઘોડીયા બહાર કાઢું છું અને પગ ત્રાંસો કરીને ઉંઘું છું. ઉંઘ દરમ્યાન પપ્પાએ મારા ફોટા પાડ્યા છે તમને પણ એ જોવા ગમશે. તમે આ ફોટાઓ જુઓ હું ચાલી મારી ખાસ સ્ટાઇલમાં ઉંઘવા.

- તમારી જિત્વા

Wednesday, October 27, 2010

રાધે રાધે, ટાટા...ટાટા...



પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશનનો એક પ્રકાર છે સાંકેતીક પ્રત્યાયન. આજકાલ હું પણ સાંકેતીક પ્રત્યાયન કરતી થઇ ગઇ છું. મને હવે રાધે-રાધે અને ટાટા કેમ કહેવાય તેની ખબર પડી ગઇ છે.

જ્યારે પપ્પા કે મમ્મી રાધે રાધે કહે ત્યારે હું મારા નાના હાથો વડે તાલીઓ પાડીને રાધે-રાધે કરવા માંડુ છું અને કોઇ બહાર જાય અને આવજો કહે ત્યારે હું હાથ હલાવીને વેવ કરવા માંડુ છું. જો કે હજુ મને પંજો ઉંચો રાખીને હાથ હલાવતા નથી આવડતું પણ થોડા સમયમાં હું તે પણ શીખી જઇશ.

- તમારી જિત્વા

Tuesday, October 12, 2010

મારૂ પ્રિય ફળ સફરજન




An Apple A Day Really Keeps The Doctor Away તેવી એંગ્રેજીમાં કહેવત છે. આમ તો મમ્મી મને દરરોજ સફરજન ખવડાવે છે પરંતુ ક્યારેક મારી ઘીરજના રહે ત્યારે મમ્મીની નજર ચૂકવીને હું આખુ સફરજન જ ઉઠાવી લઉં છું.

જો કો હજૂ તો મારે બે જ દાંત આવ્યા હોવાથી હું ખાઇ શકતી તો નથી પરંતુ સફરજન ખાવાની કોશીશ જરૂર કરી લઉં છું. તમે આ બ્લોગની બાકીની પોસ્ટ વાંચો હું ચાલી સફરજન ખાવા.

- તમારી જિત્વા

મારો પહેલો મોબાઇલ






આજકાલ મોબાઇલ શોખ મટીને જરૂરીયાત બની ગયો છે ત્યારે પપ્પા મારા માટે પણ એક મોબાઇલ લાવ્યા છે. જો કે આ મોબાઇલ મને પપ્પાના મોબાઇલ જેટલો ગમતો નથી પરંતુ ક્યારેક રમવામાં કામ આવી જાય તો પણ ઘણું.

આ મોબાઇલની ખાસીયત એ છે કે તે વન વે છે એટલે કે તે બોલે અને આપણે સાંભળવાનું. વળી આ મોબાઇલમાં કવરેજની કોઇ ઉપાધી જ નહીં અને રીચાર્જ કરાવવાની માથાકુટ નહીં. આ મોબાઇલમાં સ્વીચ દબાવતા જ ધૂમ મચાદે ધૂમ મચાદે ધૂમ, ખયકે પાન બનારસ વાલા....વગેરે ગીતો વાગવા માંડે છે. આ મોબાઇલમાં વાગતા ગીતો કરતા પણ તેમાં થતી લાઇટ મને વધુ ગમે છે.

હું ગુસ્સામાં ક્યારેક દોરી પકડીને આ મોબાઇલને પછાડુ પણ છું અને ક્યારેક મોઢામાં નાખી તેને ચાવવાનો પ્રયત્ન પણ કરૂ છું આથી આ મોબાઇલ કેટલા દિવસ ટકે તેનું નક્કી નહીં. તમને મારો આ મોબાઈલ કેવો લાગ્યો તે જરૂર જણાવજો.


- તમારી જિત્વા

Sunday, October 10, 2010

ફર....ફર.... ફરફરીયું




રવિવારે પપ્પાના કપડાની ખરીદી માટે મેગામાર્ટ ગયા હતા ત્યારે ત્યાં બહાર ફરફરીયા વેંચવાવાળો હતો. જ્યાંથી પપ્પાએ મને આ ફરફરીયું લઇ આપ્યું. પરંતુ મને દરેક વસ્તુ હાથમાં લઇને ચેક કરવાની ટેવ છેને આથી પપ્પા, મમ્મી મારાથી તેને દૂર રાખે છે. જોકે છતાં ક્યારેક તે મારા હાથમાં ઝડપાઇ જાય છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ફરફરીયું કેટલા દિવસ ટકે છે.

- તમારી જિત્વા

આવી નવલી નવરાત્રિ








માતાની શક્તિ અને ભક્તિનો તહેવાર નવરાત્રિ હું પહેલી વખત ઉજવી રહી છું. પહેલા નોરતાના દિવસે હું, મમ્મી, પપ્પા તેમજ ગિરીશકાકા, કેયુરકાકા અને તેમનો પરિવાર અને માનવના અશ્વિનફુવા અને ફઇ તેમજ પવિત્રી દીદી બધા યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજીત સ્વર્ણિમ નવરાત્રીમાં ગયા હતા.

મને તો બધુ બહુ નવું નવું લાગતું હતું. મોટા મોટા અવાજે ગવાતા ગરબા અને લોકોએ પહેરેલા રંગબેરંગી વસ્ત્રોને તો હું જોતી જ રહી ગઇ. અહીં લોકોની સંખ્યાના પ્રમાણમાં સારી એવી મોકળાશ હતી આથી મને બહુ વાંધો આવ્યો નહીં. ગરબો સાંભળતા સાંભળતા જ હું પપ્પાના ખભા પર માથુ નાખીને ઉંધી પણ ગઇ હતી.

બીજા નોરતે હું, પપ્પા, મમ્મી અને કેયુરકાકા તેમજ કિંજલકાકી ઉમિયા કેમ્પસ પર સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ દ્વારા થતા ગરબામાં ગયા હતા. અહીં મને બહુજ ગરમી થતી હતી અને મજા આવતી નહોંતી આથી મેં રડવાનું શરૂ કરી દીધું હતું. આથી હું, પપ્પા અને મમ્મી ગરબા શરૂ થાય તે પહેલા જ ઘરે જવા નીકળી ગયા હતા. નવરાત્રિને ધ્યાનમાં રાખીને મેં કેટલાક ફોટા પણ પડાવ્યા છે તમે આ ફોટા જુઓ હું ચાલી ગરબા સાંભળવા.

- તમારી જિત્વા

Tuesday, October 5, 2010

જેનિલ, ગિટાર અને ગિફ્ટ







આજે અમારા વિસ્તારમાં સવારના આઠથી પાંચ વાગ્યા સુધી લાઇટ નહોંતી કારણ કે ઇલેક્ટ્રીક લાઇનને અન્ડરગ્રાઉન્ડ કરવાનું કામ ચાલી રહ્યું છે. આથી પપ્પા ઓફીસ જતા સમયે મને અને મમ્મીને કૈલાસમામાના ઘરે મુકતા ગયા હતા આમ પણ છેલ્લા ઘણા દિવસથી ત્યાં આંટો મારવા જવાનું હતું.

અહીં આ પહેલા પણ આવી ચૂકી છું છતાં મને નવું નવું લાગતું હતું. પરંતુ બાદમાં અહીં જેનિલભાઇના નવા નવા રમકડાંથી રમવાની મને બહુ મજા પડી. સાંજે ઘરે આવતા સમયે જેનિલભાઇએ મને તેના રમકડા ગિફ્ટ પણ આપ્યા જેમાં ઇલકટ્રીક ગિટાર અને હિંચકાનો સમાવેશ થાય છે.

મને હજુ ગિટાર વગાડતા આવડતું નથી પરંતુ તેમાંથી આવતા અવાજ અને તેની લાઇટ મને ખાસ આકર્ષિત કરે છે. જ્યારે હિંચકામાં પણ મને પહેલા એક-બે દિવસ ખુબ મજા આવી પરંતુ હવે મને તેમાં બેસવું બહુ ગમતું નથી. પરંતુ જેનિલભાઇની ગિફ્ટના કારણે વારંવાર હું તેમને યાદ કરતી રહું છું.

- તમારી જિત્વા

Sunday, October 3, 2010

બા મારી બા




તમને ખબર છે થોડા દિવસો પહેલા શારદા બા આંટો દેવા આવ્યા હતા. તેઓ જ્યારે મને હિંચકામાં બેસાડીને હિંચકો નાખતા હતા ત્યારે મને ખુબ મજા આવતી હતી. મને હિંચકાવતી વખતે બા નવા નવા હાલરડા ગાતા હતા જે સાંભળતા સાંભળતા હું ઉંઘી જતી હતી. એટલું જ નહીં તેઓ મને સાંજે ફરવા પણ લઇ જતા હતા.


- તમારી જિત્વા

Saturday, October 2, 2010

મારી દૂધની બોટલ





હવે હું મોટી થઇ ગઇ છું આથી હવે મધર્સ મિલ્ક સિવાય બહારના દૂધ પણ લેવું જોઇએ ને ? આથી જૂઓ પપ્પા મારા માટે આ મિલ્ક બોટલ લાવ્યા છે. આ બોટલમાં સીપર પણ છે અને નીપલ પણ.

મમ્મી મને બોટલમાં પાણી ભરીને મને બોટલથી પરિચીત કરાવે છે અને એક બે વખત તેણે તેમાં દૂધ ભરીને પાવાની પણ ટ્રાય કરી હતી પરંતુ મને આ બોટલમાં બહુ મજા આવતી નથી. હું જેમ જેમ મોટી થતી જાઉં છું તેમ ખાવા પીવાને લઇને મારા નખરાં વધી રહ્યા છે તેવું પપ્પાનું નિરિક્ષણ છે. તમે આ પોસ્ટ વાંચો હું ચાલી મારી વ્હાલી ખીચડી ખાવા.

- તમારી જિત્વા

Friday, October 1, 2010

વિશેષ બેઠક વ્યવસ્થા






હવે મને બેસતા આવડી ગયું છે અને બે દાંત પણ આવી ગયા છે તે તો તમને ખબર હશે પરંતુ આજે મમ્મીએ મારા માટે બનાવેલી ખાસ બેઠક વ્યવસ્થા વીશે વાત કરવાની છું.

હવે મને એકલું રહેવું ગમતું નથી અને થોડી વાર પણ મમ્મી જોવા ન મળે તો હું રળવાનું શરૂ કરી દઉં. આ સંજોગોમાં રસોઇ કેમ બનાવવી તે મમ્મી માટે સમસ્યા હતી આથી તેણે પ્લોટફોર્મ પાસે જ વાસણની ખાટલીમાં મારા માટે ખાસ બેઠક વ્યવસ્થા બનાવી કાઢી.

ફોટામાં તમે મારી ખાસ વ્યવસ્થા જોઇ શકો છો. આ વ્યવસ્થાથી હું પણ ખુશ અને મમ્મી પણ ખુશ ટુંકમાં વીન વીન સીચ્યુએશન બરાબરને.

- તમારી જિત્વા