Saturday, April 30, 2011

એક પિતાએ પુત્રી માટે લખેલી કવિતા


આજે પપ્પા ફેસબુક ફંફોસી રહ્યા હતા ત્યારે અચાનક આ એક કવિતા મળી આવી. આ કવિતા કાવ્યા માટે તેના પપ્પા નિપુણ ચોકસીએ લખી હતી. અને જ્યારે એક પપ્પા તેની પુત્રીની ડિમાન્ડને ધ્યાને રાખીને કંઇ લખે ત્યારે તે હટકે જ હોય ને? આ કવિતા વાંચીને તમે પણ આ વાત માની જશો.

ઓ ખિલખિલ કરતી ખિસકોલી...
મારા ઘરમાં ખિલતી પુષ્પકળી...

ઓ ચીં ચીં કરતી ચકલી...
મારા દિલમાં ભરતી પગલી...

ઓ હવામાં ઉડતી હંસલી...
મારા ઘરમાં જાણે રૂપની ઢગલી..

ઓ કૂ કૂ કરતી મીઠડી કોયલ..
ગીત મઝાના ગાતી હરપળ...

ઓ રુમઝુમ રુમઝુમ કરતી મ્યાંઉડી...
તારી પગલી તો છે કંકુ- ઢગલી...

ઓ ફૂલોમાં રમતી ફૂલપરી...
મારા સ્વાસોમાં મહેંકતી ધૂપસળી..

ઓ હસતી રમતી લાડકડી...
મારા હ્રદય-સંગીતની સૂરાવલી....

-નિપુણ ચોકસી

તમે મને જણાવજો કે તમને આ કવિતા કેવી લાગી.
- તમારી જિત્વા

Sunday, April 10, 2011

જિત્વા: નિંદ્રાદેવીના શરણે
સામાન્ય રીતે તો સવારે 9.30 વાગ્યા આસપાસ મારો દિવસ ઉગે છે. પછી નાસ્તો અને સ્નાન વગેરે પતાવી રમવાનું ફરી બપોરે જમીને સુઇ જવાનું તે છેક 4-5 વાગ્યા આસપાસ ઉઠવાનું. ઉઠીને દૂધ પીવાનું અને ફરી રમવાનું સાંજે થોડી વાર મમ્મી સાથે ટીવી જોવાનું ત્યાં 9 થી 10 વચ્ચે પપ્પા આવે અને ફરી રમવાનું અને રાત્રે 11.30 - 12.00 આસપાસ મમ્મી જ્યારે ઠપકો આપે ત્યારે ઉંધવાનું આ મારો રોજીંદો ઘટનાક્રમ છે.

પણ આજે બપોરે જરા બરાબર ઉંધ થઇ નહોંતી આથી સાંજે પપ્પાના ખોળામાં રમતા રમતા જ હું નિંદ્રા દેવીના શરણે જતી રહી. જુઓ હું નિંદરમાં હતી ત્યારે પપ્પાએ પાડેલા ફોટાઓ.

- તમારી જિત્વા

Tuesday, April 5, 2011

મેરી આવાજ સુનો


બા, મમ્મી કે પપ્પા મને સુવડાવતા સમયે હાલરડા ગાતા હોય છે. પરંતુ વારંવાર આ એકના એક હાલરડા સાંભળીને મને પણ હાલરડાં ગાતા આવડી ગયું છે. હવે તો ક્યારેક બપોરે કોઇ મને સુવડાવતું હોય ત્યારે હું પોતે જ હાલરડા ગાઇને ઉંધી જાવ છું. તો સાંભળો મારા અવાજમાં ગવાયેલું આ હાલરડું.હું ફક્ત હાલરડાં જ ગાવ છું એવું નથી ક્યારેક હું નારાજ હોવ અથવા મારે ઉંધવુ ન હોય અને મને ઉંઘાડવા માટેનો પ્રયાસ થઇ રહ્યો હોય ત્યારે હું ચીસો પણ પાડું છું. શું તમને માનવામાં નથી આવતુ તો સાંભળો મારી આ ચીસો.તો ક્યારેક હું ગર્જના કરીને બીજાને ડરાવવાનો પણ પ્રયાસ કરૂ છું. સાંભળો જિત્વાની ગર્જના.તમને મારો અવાજ,મારી ચીસ અને મારી ગર્જના કેવી લાગી તે જરૂર જણાવજો હો.

- તમારી જિત્વા

Monday, April 4, 2011

વર્લ્ડકપની ઉજવણી

એ રોમાંચક ક્ષણ યાદ કરો જ્યારે ભારતીય ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ સિક્સ મારીને 28 વર્ષ પછી ભારતને વર્લ્ડકપ અપાવ્યો. આટલા લાંબા સમયના અંતરાલ પછી મળેલા આ વિજય પછી લોકો હરખધેલા ના થાય તો જ નવાઇ?

ભારત અને શ્રીલંકા વચ્ચેના રસ્સાકસ્સી ભર્યા આ મેચમાં ભારતીય ટીમે મેળવેલા વિજય બાદ બધા નીકળી પડ્યા રસ્તાઓ પર તો પછી હું શા માટે ઘરે બેસું ? ભારતના વિજય બાદ હું પણ રાત્રે મોડે સુધી પપ્પા, મમ્મી અને અન્ય સ્નેહીજનો સાથે વસ્ત્રાપુર, આઇઆઇએમ, માનસી સર્કલ, જજીસ બંગ્લો વગેરે વિસ્તારોમાં ફરી. અહીં દરેક જગ્યાએ હાથમાં ભારતનો ત્રીરંગો લઇને લોકો જોવા મળતા હતા તો તો કેટલાક લોકો ઢોલ નગારા સાથે કારના હુડ પર બેસીને આનંદને અભિવ્યક્ત કરતા હતા.

મારા માટે આ દ્રશ્ય નવું હતું માટે હું તો આ બધુ જોતી જ રહી. ચીત્ર વિચીત્ર અવાજો અને આનંદની ચીચીયારીઓ સાંભળવાની મને પણ મજા આવી. આ પ્રસંગના ફોટાઓ પાડવાનું મારાથી ભુલાઇ ગયું છે પરંતુ અન્ય લોકોએ પાડેલા ફોટા આ પોસ્ટ સાથે મુકી રહી છું.

- તમારી જિત્વા

Friday, April 1, 2011

હું ચાલતા શીખી ગઇ

ગઇકાલે બે ઘટના બની એક તો અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા મેચમાં ભારતનો વિજય થયો અને બીજુ કે હું ચાલતા શીખી ગઇ.

ગઇકાલે સાંજે હું સુરેખાબાને ત્યાં રમવા ગઇ હતી ત્યારે સુરેખા બાએ મને ચલાવવાનો પ્રયત્ન કરતાં બધાના આશ્વર્ય વચ્ચે મેં કોઇપણ ટેકા વગર બે ચાર ડગલાઓ માંડ્યા અને પછી તો મારો આત્મવિશ્વાસ વધી ગયો હોય ઘરે આવીને પણ મેં પ્રેક્ટીસ ચાલુ રાખી. અને બે-ચાર ડગલાથી થોડું વધુ ચાલવા માંડી.

જો કે હજુ થોડો આત્મવિશ્વાસ કેળવવાનો બાકી છે પરંતુ સતત પ્રેક્ટીસના કારણે હું આ મહિનાના અંતે સંપુર્ણપણે ચાલતા શીખી જઇશ તેવું બધા માની રહ્યા છે. ચાલો ત્યારે મારે હજુ થોડી ચાલવાની પ્રેક્ટીસ કરવાની બાકી છે.

- તમારી જિત્વા