Tuesday, July 31, 2012

એ સારૂ...!!!

આજકાલ મને કોઇપણ કંઇ જવાબ આપે તેના પ્રત્યુતરમાં "એ સારૂ" કહેવાની આદત પડી ગઇ છે. આ શબ્દ હું નિશિલ અને વૈદિકાના મમ્મી આશા આન્ટી પાસેથી શીખી છું.

આમ તો આવું કોઇએ મને શીખવાડ્યું નથી પરંતુ તેમને બોલતા સાંભળીને મેં પણ જાણે અજાણે તેમનું અનુસરણ શરૂ કરી દીધું છે. તેઓને મેં ઘણી વખત કોઇ વાતના જવાબમાં આવું બોલતા સાંભળ્યા છે.

શરૂઆતમાં મેં  "એ સારૂ" કહેવાની શરૂઆત કરી ત્યારે બધાને બહુ નવાઇ લાગતી હતી પરંતુ હવે બધા ટેવાઇ ગયા છે.

આમ પણ મારે પ્લે હાઉસમાં જવાની હજુ થોડા મહીનાઓની વાર છે ત્યારે મારે શબ્દભંડોળ વધારવું જરૂરી થઇ જાય છે.

- તમારી જિત્વા

Friday, July 27, 2012

લેન્ગવેજ લોચા

ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. આપણા દેશમાં અનેકવિધ ભાષાઓ બોલાય છે અને બોલીઓની વાત કરીએ તો એવું કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય. મારી ભાષામાં અનેકવીધ બોલીઓનો સમન્વય જોવા મળે છે.

મોટા ભાગે હું સુરેખામાસીને ત્યાં રમવા જાવ છું અને તેઓ મહેસાણી બોલીમાં વાત કરે છે જ્યારે નીશુંભાઇ અને તેના મમ્મી આશા આન્ટી સુરતીબોલીમાં વાત કરે છે. જ્યારે મારા ઘરે કાઠિયાવાડી બોલી બોલાય આથી મેં કાઠિયાવાડી બોલીની સાથે કેટલાક શબ્દો મહેસાણી અને સુરતીબોલીના પણ અપનાવ્યા છે.

આ સિવાય મને આજકાલ એવી ટેવ પડી છે કે હું દરેક જગ્યાએ 'છે' ની જગ્યાએ 'સે'નો ઉપયોગ કરૂ છું. જેમ કે  ટાટા જાવું સે, જમવું સે વગેરે...વગેરે....આ બાબતે મને વારંવાર ટોકવા છતાં હજું મારી બોલીમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.

- તમારી જિત્વા

Tuesday, July 24, 2012

મારૂ ટુથ બ્રશ

મારે હવે દાંત આવી ગયા છે આથી તેની માવજત પણ જરૂરી છે. દાંતોની માવજત માટે પપ્પા-મમ્મી મારા માટે આ ટુથબ્રશ લાવ્યા છે. હજુ જો કે મેં તેનો ઉપયોગ ચાલુ કર્યો નથી પરંતુ લીધેલું હોય તો ક્યારેક કામ લાગે ને ?
- તમારી જિત્વા

એક વાર્તા: પપ્પા મારો હાથ પકડો

હું વાર્તાને "રાજા" કહું છું અને રોજ રાત્રે "રાજા" સાંભળ્યા વગર હું સુતી નથી. મારી વાર્તામાં ગમે ત્યાંથી પણ રાજાતો આવવો જ જોઇએ તેવું મારૂ માનવું છે. મમ્મી અને પપ્પા પણ હવે મારી આ માન્યતાને માન આપીને વાર્તામાં ગમે ત્યાં રાજાને ફીટ કરી દે છે. 


આજે મારે તમને એક વાર્તા કહેવી છે. આ વાર્તામાં એક પિતા અને પુત્રીના સબંધની વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.


એક બાળકી અને એના પિતા નદીના પુલ પરથી પસાર થઇ રહ્યા હતા. પુલ હતો લાકડાનો અને વાળી સાંકડો. પુલની નીચેથી પાણીનો ઘસમસતો પ્રવાહ વહી રહ્યો હતો.
પિતાને મનમાં દર હતો કે બાળકી નાની છે અને બેધ્યાન થઇ જશે તો ન બનવાનું બની જશે. આથી એને એની બાળકીને કહ્યું: "બેટા, તું મારો હાથ પકડી રાખ, જેથી તું નદીમાં પડી ન જાય."

બાળકી કહે: "ન પપ્પા, તમે મારો હાથ પકડો"

" તું મારો હાથ પકડ એના બદલે હું તારો હાથ પકડું એનાથી શું ફેર પડવાનો છે? "

બાળકી કહે: " મારા બદલે તમે મારો હાથ પકડો એનાથી બહુ મોટો ફેર પડી જાય છે. જો હું તમારો હાથ પકડું અને અનાયાસે કઈક અજુગતું બની જાય તો વધારે શક્યતા છે કે હું તમારો હાથ છોડી દુ. બીજી બાજુ, તમે મારો હાથ પકડ્યો હોય તો મને ગળા સુધી ખાતરી છે કે ગમે તેવી વિકટ પરીસ્થીતીમાય તમે કદી મારો હાથ છોડવાના નથી."


તમને આ વાર્તા કેવી લાગી તે મને જરૂર જણાવજો.


- તમારી જિત્વા  

Sunday, July 22, 2012

જુઓ મારા ચંપલ કમ સેન્ડલ

આજે પપ્પા મમ્મી સાથે કૈલાસ મામાના ઘરે બોડકદેવ ગઇ હતી અને ત્યાંથી બધા બહાર ગયા હતા ત્યારે મમ્મીએ મને આ નવા ચંપલ કમ સેન્ડલ લઇ આપ્યા હતા.

આ ચંપલ મને એટલા ગમ્યા કે તેને સાથે લઇને જ હું ઉંધી ગઇ હતી. અત્યારે તો પસંદગીની બાબત હું મમ્મી ઉપર જ છોડું છું ત્યારે મમ્મીની પસંદગી કેવી છે તે જરૂર જણાવજો.

બસ હવે ચંપલમાં તો બીજુ શું લખવું ? માટે અટકું છું અહીંથી અને હા...આ જુઓ મારા ચંપલના ફોટાઓ.  બાય...બાય....

- તમારી જિત્વા

Saturday, July 21, 2012

મને પોલીસ કરી દો ને

હાલના દિવસોમાં બીજાનું જોઇને હું પણ નેઇલપોલીશ કરતાં શીખી ગઇ છું. નેઇલ પોલીશને હું પોલીસ કહું છું અને મમ્મી પાસે દર બીજા-ત્રીજા દિવસે નેઇલ પોલીશ કરાવું છું.

એટલું જ નહીં નેઇલ પોલીશ લઇને હું સુરેખા બા પણ નેઇલ પોલીશ કરે તેવો આગ્રહ રાખુ છું. મેં મમ્મી પાસે કેટલીક નેઇલ પોલીશ પણ લેવડાવી છે.
- તમારી જિત્વા