Thursday, January 27, 2011

ખેલ ખુરશીનો
આજે પપ્પા મારા માટે આ ખુરશી લાવ્યા છે. આમ તો છેલ્લા ઘણા દિવસથી આજે કાલે થતું હતું પરંતુ આજે ખુરશીનું મુહૂર્ત આવી જ ગયું.

આ ખુરશીનો કલર મને ખુબ ગમ્યો અને તેના પર બેસવાની તો મને મજા પડી ગઇ. આજે બપોરે તો હું આ ખુરશી પર બેસીને જ જમી.

- તમારી જિત્વા

Tuesday, January 25, 2011

મેં જોયેલી પહેલી ફિલ્મ
આજે હું પ્રથમ વખત મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા ગઇ હતી. આમ તો હું ઘરે ટીવી પર ક્યારેક કોઇક કાર્યક્રમો જોતી હોઉં છું પરંતુ કાલે મલ્ટીપ્લેક્ષનો અનુભવ મારા માટે નવો હતો. મલ્ટીપ્લેક્ષની ઝાકમઝાળ મને આશ્વર્યચકીત કરતી હતી જેનું મેં ખાસ્સા સમય સુધી નિરીક્ષણ કર્યું હતું.

ફિલ્મ હતી કિરણ રાવ લીખીત-દિગ્દર્શિત અને આમિરખાન અને પ્રતિક બબ્બર અભિનીત "ધોબી ઘાટ". ફિલ્મ દરમ્યાન મેં શાંતિ જાળવી રાખી હતી અને મમ્મી-પપ્પાને શાંતીથી ફિલ્મ જોવા દીધી હતી. મમ્મીને ફિલ્મના ગમી પણ પપ્પાને આ ફિલ્મ ગમી હતી અને મને ગમી કે નહીં તે હું હાલ કહી શકું તેમ નથી.
ફિલ્મ પુરી થયા પછી બહાર પોસ્ટર પાસે ઉભા રહીને મેં કેટલાક ફોટા પણ પડાવ્યા હતા.
- તમારી જિત્વા

Monday, January 24, 2011

બે ટીપા જિંદગીના

આજે પોલીયો રવિવાર હતો માટે હું પપ્પા સાથે પોલીયો બુથ પર ટીપા પીવા ગઇ હતી. પપ્પા મારી સાથે પહેલી વખત પોલીયો બુથ પર આવ્યા હતા માટે થોડા મુંઝવણમાં હતા કે ટીપા કઇ રીતે પાવાના. પણ નર્સ અનુભવી હોય વાંધો ન આવ્યો તેમણે મારૂ મોં પકડીને બે ટીપા પાઇ દીધા જે મેં કંઇપણ માથાકુટ વગર પી લીધા.
ત્યાર બાદ તેમણે મેં ટીપા પી લીધા છે તેની નિશાની પેટે નર્સે માર્કર પેનથી તેમણે મારી આંગળી પર નિશાની પણ કરી દીધી હતી. મારૂ માનો તો દરેક બાળકોએ પોલીયોના ટીપા પીવા જ જોઇએ પોલીયોના બે ટીપા પોલીયો સામે રક્ષણ આપે છે અને પોલીયો સામે રક્ષણ આપે છે.
ચાલો આજે વાતને અહીં વિરામ આપીએ તમે આગળની પોસ્ટ વાંચો હું ચાલી રમવા (હવે મને ચાર પગે ચાલતા આવડી ગયું છે)
- તમારી જિત્વા

Saturday, January 15, 2011

શેરડીનો સ્વાદ
આમ તો મકરસંક્રાંતીના દિવસે તલસાંકળી, બોર, જીંજરા અને શેરડી ખાવાનો રીવાજ છે. પરંતુ મકરસંક્રાંતીના દિવસે સમયના અભાવે શેરડી ખાઇ શકાય નહોંતી આથી સંક્રાંતીના બીજા દિવસે મેં શેરડી ખાધી.

અત્યારે તો મારા મોં માં ફક્ત છ દાંત છે પરંતુ આ છ દાંત પણ છવ્વીસ જેવા પુરવાર થાય તેમ છે. સંક્રાંતના બીજા દિવસે મામા અને પપ્પા જ્યારે શેરડી ખાઇ રહ્યા હતા ત્યારે તેમની પાસેથી શેરડી લઇને હું કેવી ટેસથી શેરડી ખાઇ રહી છું તે તમે અહીં આપેલા ફોટામાં જોઇ શકો છો.

ચાલો તમે હવે આગળની પોસ્ટ વાંચો હું ચાલી શેરડી ખાવા.

- તમારી જિત્વા

જય સચ્ચિદાનંદ

આજે રવિવાર હતો અને ભરતમામા, રેશમા મામી, ભાવીશા મામી અને જેનીલ પણ આવ્યા હતા આથી અમે બધા ત્રિમંદીર ગયા હતા. હું અહીં પહેલી વખત આવી રહી હતી. અહીં ભગવાનની મોટી મોટી મુર્તિઓને તો હું જોતી જ રહી ગઇ. હું અહીં પહોંચી ત્યારે અહીં આરતી થઇ રહી હતી આથી મને તે સાંભળવાની મજા આવી.

દર્શન કર્યા બાદ અમે રેસ્ટોરન્ટમાં ગયા જ્યાં અમે દહીંપુરી, પાણીપુરી અને કેક મંગાવ્યા હતા જેમાંથી મેં તો ફક્ત કેકનો સ્વાદ માણ્યો. નાસ્તો કર્યા બાદ અમે ગાર્ડનમાં ગયા જ્યાં બાળકો માટે વિવિધ રાઇડ્સ મુકવામાં આવેલી છે. પપ્પાએ મને ઘોડા પર બેસાડી પરંતુ મને બહુ મજા આવી નહીં અને હિંચકામાં તો હું દરરોજ બેસુ છું આથી તેમાં બેસવાનો તો સવાલ જ નથી રહેતો.

અહીં મેં મમ્મી સાથે ફોટો પણ પડાવ્યો હતો. અમારે તો હજુ અડાલજની વાવ જોવા પણ જવું હતું પરંતુ અંધારૂ થઇ ગયું હોવાથી પછી પોગ્રામ કેન્સલ કર્યો.

- તમારી જિત્વા

મકરસંક્રાંતીની ઉજવણી

મકરસંક્રાંતી કરવા હું, પપ્પા, મમ્મી અને શ્રીકાંતમામા કૈલાસ મામાના ઘરે ગયા હતા ત્યાં ભરતમામા અને રેશમા મામી પણ આવ્યા હતા. પતંગ સાથેનો આ મારો પહેલો પરીચય હતો. બધાની જેમ હું પણ અગાસી પર ગઇ હતી અને લોકોને ચીચીયારીઓ કરતા અને પતંગ ચગાવતા જોઇ મને બહુ આશ્વર્ય થતું હતું.

મેં પણ બધાની જેમ ગોગલ્સ પહેર્યા હતા. પરંતુ મને તે બહુ પસંદ પડ્યા નહીં આથી તરત મેં તેને ઉતારી નાખ્યા હતા. અગાસી પર તડકો લાગવા માંડતા થોડીવારમાં જ હું નીચે આવી ગઇ હતી.

અહીં જેનીલ સાથે રમવાની મને બહુ મજા આવી હતી. બપોરે અહીં ઉંધ ખેંચ્યા બાદ છેક રાત્રે મામાના ઘરેથી જમીને અમે ઘરે આવ્યા હતા. આમ મારી પહેલી મકરસંક્રાંતી એટલે કે ઉતરાયણ પુરી થઇ.

- તમારી જિત્વા

Sunday, January 2, 2011

ધૈર્યભાઇ સાથે ધમાલ

આજકાલ ધૈર્યભાઇને ક્રિસમસનું વેકેશન છે અને તેઓ મને રમાડવા અહીં આવ્યા છે. ધૈર્યભાઇના આવવાથી મને તો મજા પડી ગઇ છે. ધૈર્યભાઇની પીઠ પર હું ઘોડો ઘોડો થાવ છું અને તેમાં પણ ધૈર્યભાઇ જ્યારે મને ચકરડી ફેરવે છે ત્યારે તૌ મને ખુબ જ મજા આવે છે.

ધૈર્યભાઇને ટીવી જોવાનો બહુ શોખ છે તે સવારે ટીવી જોતા જોતા મને હિંચકાવે પણ છે આથી સવારે હું કોઇપણ પ્રકારના ખલેલ વગર ઊંધ કરી શકું છું. બા અને ધૈર્યભાઇના કારણે મારો દિવસ ક્યાં જતો રહે છે તે ખબર જ નથી પડતી. આ ફોટાઓમાં તમે ધૈર્યભાઇ સાથેની ધમાલ જોઇ શકો છો.

- તમારી જિત્વા

બોલેરો કેમ્પરની સફર...
ગઇકાલે સાંજે પપ્પા, ગીરીશઅંકલ, દિલીપફુવા અને ભુપતભાઇ ઓફીસ માટે બોલેરો કેમ્પર લેવા ગયા હતા. સાંજે પપ્પા ગાડી લઇને ઘરે આવ્યા ત્યારે તો મોડું થઇ ગયું હતું પરંતુ સવારમાં બા અને ધૈર્ય ભાઇ સાથે મેં બોલેરોને ચાંદલો અને દિવો કર્યો અને બધાને સાકર પણ ખવડાવી. એટલું જ નહીં હું તો તેમાં બેસીને ગીરીરાજજીની હવેલીએ પણ જઇ આવી.

બોલેરોમાં બેસવાની મને તો એવી મજા પડી ગઇ કે ન પુછો વાત....પરંતુ જ્યારે તેમાંથી ઉતરવાનો સમય થયો ત્યારે બા એ માંડ માંડ મને સમજાવીને નીચે ઉતારી.

- તમારી જિત્વા