Thursday, December 26, 2013

આજે મેં રેકોર્ડ તોડ્યો

કેમ...!!! પોસ્ટનું ટાઇટલ વાંચીને વિચારમાં પડી ગયા ને કે આ છોકરીએ વળી ક્યો રેકોર્ડ તોડી નાખ્યો ? હાસ્તો વળી આજે ક્રિસમસના દિવસે હું પ્રથમ વખત મામાના ઘરે રોકાવા માટે ગઇ અને કંઇપણ માથાકુટ વગર રાત રોકાણી અને તે પણ એકલી. 

હવે તમે જ કહો જન્મથી લઇને અત્યાર સુધી મેં મમ્મીને ક્યારેય એકલી મુકી નથી. અને આજે પ્રથમ વખત મમ્મી વગર હું એકલી રહી, આ વાત કોઇ રેકોર્ડથી ઓછી થોડી છે.

અરે હા આ રેકોર્ડની વાતમાં આજે તમને હેપ્પી ક્રિસમસ કહેવાનું તો રહી જ ગયું.  તો તમને બધાને હેપ્પી ક્રિસમસ...મેરી ક્રિસમસ.

- તમારી જિત્વા

Sunday, December 22, 2013

Decathlon Storeની મુલાકાતે 
આજે રવિવાર હતો અને દરેક રવીવારે પપ્પા-મમ્મી મને બપોર પછી કોઇ જગ્યાએ લઇ જાય છે. આજે તેઓ મને લઇ ગયા હતા એપલ વુડ્સ પાસે નવા ખુલેલા Decathlon Storeની મુલાકાતે. 

શરૂઆતમાં તો મને બહુ નવું નવું લાગ્યું પરંતુ થોડો સમય વીતતાં જ મને અહીં ગમવા માંડ્યું. અહીંમેં મનભરીને સાઇકલ સવારી કરી અને અહીંથી મેં એક બોલની ખરીદી પણ કરી. હું જ્યારે મોલની બહાર નીકળી ત્યારે અંધારૂ થઇ ગયું હતું. 

- તમારી જિત્વા

Friday, December 20, 2013

હવે જુઓ ટીવી

પપ્પા ટીવી જોઇ રહ્યા હતા ત્યારે મારે તેમને કોઇ વાત કહેવી હતી. પરંતુ તેઓ મારી વાતમાં ધ્યાન આપવા કરતાં ટીવીમાં વધુ ધ્યાન આપી રહ્યા હતા તેવું મને લાગ્યું. પરંતુ હું એમ તે કંઇ થોડી પાછી પડું હું ટીવી આગળ ઉભી રહી ગઇ અને પપ્પાએ ફરજીયાતપણે મારી વાત સાંભળવી પડી.

તમારી વાત કોઇ ન સાંભળતું હોય તે લાગે ત્યારે તમે પણ આ તરકીબ અજમાવજો. ચાલો ત્યારે...હું તો ચાલી રમવા.

- તમારી જિત્વા

Thursday, December 12, 2013

યે દુનિયા એક સર્કસ હૈ...આજે હું પહેલી વખત સર્કસ જોવા ગઇ હતી. મારા માટે તો આ બધુ જ નવું નવું હતું. મોટો બધો તંબુ, વિવિધ પશુ પક્ષીઓ, ચમકતા કપડા પહેરેલા કલાકારો, મ્યુઝીક વગેરે...વગેરે...

હું તો સર્કસ શરૂ થાય તે પહેલા જ ચેરમાં ગોઠવાઇ ગઇ અને પછી શરૂ થયા એક પછી એક કાર્યક્રમો કે જેને મેં મનભરીને માણ્યા. મારે હિંચકા વાળો ખેલ ખાસ જોવો હતો પરંતુ તે શરૂ થાય તે પહેલા હું સુઇ ગઇ અને મમ્મીના અનેક પ્રયત્નો છતાં હું ઉઠી નહીં અંતે મારે આ ખેલ ફોટાઓમાં જ જોવો પડ્યો. 

- તમારી જિત્વા

 

Saturday, November 30, 2013

મારો પાસપોર્ટ સાઇઝ ફોટો

હવે થોડા મહિનાઓમાં મારો નર્સરીનો અભ્યાસ પુરો થવામાં છે અને હાલ પપ્પા-મમ્મી જૂનિયર કે.જી. માં મારા એડમીશન લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સ્કુલનું ફોર્મ ભરતા સમયે તેમાં ફોટો પણ ચોંટાડવો જરૂરી છે આથી હું અને મમ્મી ફોટો પડાવવા ગયા.

પણ એમ સહેલાયથી તે હું થોડી ફોટો પાડવા દઉં. મમ્મીએ અને ફોટોગ્રાફર અંકલે બહુ સમજાવી ફોસલાવી ત્યારે ધરાર ધરાર કોઇએ બેસાડી હોય તેવા હાવભાવ સાથે મેં આવો ફોટો પડાવ્યો.

આ મેં પડાવેલો સૌ પ્રથમ પાસપોર્ટ સાઇઝ ફોટો છે. કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો.

- તમારી જિત્વા

Sunday, November 10, 2013

શૈશવના આંગણે રમતાંએક સ્નેહીના દિકરીના લગ્નની કંકોત્રી ઘરે આવી છે જેમાં એક સરસ મજાની કવિતા લખેલી છે. "શૈશવના આંગણે રમતાં કલરવ એના, સાંભળ્યા હતાં મેં હજી હમણાં" દિકરી રમતાં રમતાં ક્યારે મોટી થઇ જાય છે તેની ખબર પડતી નથી. અને જોત જોતામાં તો તેના લગ્નની ઘડી આવી પહોંચે છે.

હજુ ગઇકાલે ઘરના આંગણામાં રમતી અને કાલી ઘેલી ભાષામાં બોલતી દિકરી સાસરે જતાં સમયે ગળામાં ભરાયેલા ડૂમાં સાથે ફક્ત આવજો કહે ત્યારે મા-બાપ અને પરિવારજનો વળતાં જવાબમાં કંઇ બોલી શકતાં નથી, પરંતુ મા-બાપાની આંખોમાં આવેલા આસુ ઘણું બધું કહી જાય છે.

વિદાયના પ્રસંગને અનુરૂપ આવું જ એક બીજું પણ ગીત છે.

વિદાયની વેળા


એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે, ઊઠી આનંદની ભરતી
હરખે હૈયું ચડ્યું હિલોળે, આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૧પા પા પગલી ભરતાં ભરતાં, દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે
પડી ફાળ અંતરમાં એકદિ, માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૨આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે, ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૩ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૪સખીઓ જોતી સજ્જડ નેત્રે, કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા
જો ભાળે તાત મુજ આંસુ, હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૫આશા એકજ ઉજળા કરજે, ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના
“કેદાર” કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે

વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૬ 

કેવી લાગી આ કવિતા ? આપનો અભિપ્રાય જરૂર આપશો...

- તમારી જિત્વા

Friday, November 1, 2013

શુભ દિપાવલી

આપ સૌને દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભકામના. દિવાળીનો આ પાવન પર્વ આપ અને આપના પરિવારજનો માટે આર્થિક, સામાજિક, રાજકીય રીતે ફાયદાકારક રહે અને આપના જીવનમાં સુખનો સરવાળો અને દુ:ખની બાદબાકી થાય તેવી દિલી શુભેચ્છા.


હું આવતીકાલે સવારે વતન જૂનાગઢ દિવાળી કરવા જવાની છું. હમણાં થોડા સમય ત્યાંજ  વિતાવીશ અને પાછી આવી આપની સાથે ઢગલાબંધ વાતો શેર કરીશ. ત્યાં સુધી બાય...બાય...

- તમારી જિત્વા

Thursday, October 31, 2013

ઇમોશનલ બેબી

એવું કહેવાય છે કે, તાનસેન મલ્હાર રાગની બદોલત વરસાદ વરસાવી શકતા હતા. આ શક્તિ છે સંગીતની. અહીં જુઓ આ 10 મહીનાનો ટેણીયો પણ જાણે સંગીતને સમજતો હોય તેમ સંગીતની સાથે સાથે તેના ચહેરાના હાવભાવ પણ કેવા બદલાય છે. કેમ ગમ્યોને આ વીડીયો...!!!

 - તમારી જિત્વા

મમ્મી મારા હોઠ જામી ગયાહાલ શિયાળાની ધીમા પગલે શરૂઆત થઇ ગઇ છે. સવારે અને સાંજે ગુલાબી ઠંડી મહેસુસ થઇ રહી છે. શિયાળાને કારણે હું સવારે ઉઠુ ત્યારે મારા હોઠો પર પણ તેની અસર જોવા મળી રહી છે.

ઋતુઓની શરીર પર થતી અસરથી અજાણ એવી હું સવારે જ્યારે ઉઠી ત્યારે મને લાગ્યું કે હોઠ સુકાઇ ગયા છે. આથી મેં મમ્મીને કહ્યું કે જો મમ્મી મારા હોઠ જામી ગયા.

મારી વાત સાંભળી અને મમ્મી પણ હસી પડી અને તેણે મને આવું શા કારણે થાય છે તે મને સમજાવ્યું. હવે મને સમજાયું કે હોઠ જામી ગયા તેમ નહીં પરંતુ હોઠ સુકાઇ ગયા તેમ કહેવાય.

 - તમારી જિત્વા

Friday, October 25, 2013

મારા નામોનું લિસ્ટ


હાલ ઘરમાં દિવાળીની સાફ સફાઇ  ચાલી રહી છે. સાફ સફાઇ દરમ્યાન મારા હાથમાં એક લિસ્ટ આવ્યું જેમાં પપ્પાએ મહેનતપૂર્વક મારું નામ પડ્યા પૂર્વે નામોની સૂચિ બનાવી હતી. (મારા નામની નામાયણ બાબતે પહેલાની પોસ્ટમાં હું લખી ચૂકી છું)

તમે પણ જૂઓ આ નામની યાદી અને હાલનું મારૂ નામ કેટલી મહેનત પછી મળ્યું છે તે પણ જુઓ.

- તમારી જિત્વા

Friday, October 4, 2013

મારી પીગી બેન્ક

If saving money is wrong, I don't want to be right ! - William Shatner. 

કેવું લાગ્યું આ ક્વોટ ? સારૂ ને  ? માટે જ મેં તો અત્યારથી જ બચત કરવાની શરૂઆત કરી દીધી છે. પપ્પા-મમ્મી સાથે હું ગઇકાલે મોલમાં ગઇ હતી ત્યાંથી હું મારા માટે આ પીગી બેન્ક લાવી છું.

હવે પછી મને મળતી દરેક ગીફ્ટ હું આ બેન્કમાં ડીપોઝીટ કરૂ છું. આનાથી મને બે ફાયદા થયા એક તો મને બચત કરવાની ટેવ પડશે અને પૈસા જ્યાં ત્યાં મુકાઇ જતાં હતા તે અટકશે.

- તમારી જિત્વા


દિકરી મારી લાડકવાયી

મારે આજે તમને સંભળવવી છે ગુજરાતી ભાષાના શીરમોર ગાયક અને બે દિકરીના પિતા એવા મનહર ઉધાસના કંઠે ગવાયેલ આ હાલરડું.


હું બુકફેરમાં મનહર ઉધાસને સાંભળવા ગઇ હતી ત્યારે પણ તેઓએ આ સરસ મજાનું હાલરડું ગાયું હતું.

- તમારી જિત્વા

Tuesday, October 1, 2013

નવરાત્રીની તૈયારી

હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ મેં તો અત્યારથી જ નવરાત્રીની શરૂઆત કરી દીધી છે. આજે રાત્રે મમ્મી મારી ચણીયા ચોળીને ગોઠવી હતી ત્યારે મેં તેને પહેરીને ચેક કરી લીધી અને પપ્પા પાસે આ સરસમજાનાં ફોટાઓ પણ પડાવ્યા.


નવરાત્રીની તૈયારી કંઇ એમને એમ થોડી થાય માટે મેં ચણીયાચોળી પહેરીને ગરબાની પ્રેક્ટીસ પણ કરી જુઓ આ વીડીયો.

 

આ ફોટાઓ અને વીડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો હો.

- તમારી જિત્વા


Sunday, September 22, 2013

દીકરીદિનની સૌને વધાઈ !આજે 22મી સપ્ટેમ્બર એટકે કે ડોટર્સ ડે છે. આજના દિવસને અનુરૂપ બે કવિતાઓ તમારી સાથે શેર કરવી છે. આશા છે તમને ગમશે.

1,    ''જ્યારે વિધાતાએ દીકરી સરજી....''

વિધાતાએ દીકરી ઘડી ને ત્યારે ખૂબ ખાંતે 
કસબી હાથેથી એણે કરી શી કમાલ 

રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું,
ખજાનો ખુટાડી કરું મલકને ન્યાલ.

દેવીયું કનેથી માગી લીધો મલકાટ
અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર,

ચપટીક રજ લીધી નખેતર તણી,
અને દીકરીને આંખે ભર્યા દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં,
તજ ને લવિંગ વળી ભેળવ્યા જરીક.

સૂરજનાં ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધાં.
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ

હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું,
હર્યુંભર્યું હેત નર્યું નીતર્યું આ સુખ!

અનુ.. મકરન્દ દવે    2,          "દિકરી"

આળસ મરડીને ઉઠતી જાગતી, 
બા-બાપુજીને રોજ પગે લાગતી.

બા ગાલે કાળું ટપકું કરતી,
કારણ કે એ નમણી લાગતી.

કાલુંધેલું બોલતી ફરતી,
ઝરણાં જેવી રમતી કુદતી.

તોફાનમસ્તી ખૂબ એ કરતી,
રિસાઇ દાદાની ગોદમાં સંતાતી.

વરસાદમાં એ ખૂબજ ના'તી,
કોરી થઇને ઘરે એ જાતી.

વહાલથી બાને બક્કા ભરતી,
ખોળામાં બેસીને વાર્તા સાંભળતી.

ઘર આખાને એકતાંતણે બાંધતી,

દીકરા કરતા સવાઇ દીકરી થાતી.

તમને આ કવિતાઓ કેવી લાગી તે ચોક્કસ જણાવજો હો...હું ચાલી મારી ફ્રેન્ડ વેદીકા સાથે રમવા.

- તમારી જિત્વા