Thursday, November 29, 2012

ડ્રાઇવ ઇનની મુલાકાતે




પિક્ચર જોવા જવા સિવાય મારે દરેક જગ્યાએ જવું હોય છે. હાલ ઘરે ફઇ, ફુવા અને ધૈર્યભાઇ પણ આવ્યા છે આથી બધાએ આજે ડ્રાઇવ ઇનમાં પિક્ચર જોવા જવાનું નક્કી કર્યું.

સાંજે જમવાનું અને અન્ય જરૂરી સામાન લઇ બધા ગયા ડ્રાઇવ ઇનમાં ફિલ્મ "જબ તક હૈ જાન" જોવા. પણ મેં તો ત્યાં પહોંચતા જ રડવાનું ચાલુ કરી દીધું અને 'પિક્ચર નથી જોવું' તેવી બુમો લગાવવાનું શરૂ કરી દીધું. પછી પપ્પાએ મને પિક્ચર જોવાનું પડતું મુકીને ફુડ કોર્ટ બાજુ લઇ ગયા અને મારો ડર દૂર કર્યો.

હું અને મમ્મીતો પિક્ચર પુરૂ ન થયું ત્યાં સુધી ગાડીમાં જ બેસી રહ્યા. ધૈર્યભાઇને પણ અહીં ખુબ મજા આવી.

- તમારી જિત્વા

Tuesday, November 27, 2012

મસાલા વાળું દૂધ

અત્યાર સુધી તમે મસાલા વાળી ચાનું નામ સાંભળ્યું હશે પરંતુ તમે ક્યારેય મસાલા વાળું દૂધ પીધું છે? નહીં ને ? પરંતુ હું તો દરરોજ મસાલા વાળું દૂધ પીવ છું.

બોર્નવીટાને હું મસાલો કહું છું અને તે નાખ્યા વગર હું દૂધ પીતી નથી. કોઇ મને કહે કે દૂધમાં બોર્નવીટા નાખવું છે તો મારો જવાબ "ના" માં હોય છે પરંતુ દૂધમાં મસાલો નંખાવવા માટે હું હંમેશા તત્પર હોઉં છું. આ ફોટાઓ જુઓ કેવી તલ્લીનતાથી હું મસાલા વાળું દૂધ પીવ છું.




- તમારી જિત્વા

Monday, November 26, 2012

સાયકલ સવારીની મજા

આજે હું પહેલી વખત સાઇકલમાં બેઠી હતી, શરૂઆતમાં થોડો ડર લાગ્યો પરંતુ પછી મજા આવી. આ ફોટાઓમાં જુઓ મારા ચહેરા પર ગભરામણ અને આનંદના મિશ્રીત ભાવો જોવા મળી રહ્યા છે.



- તમારી જિત્વા

Friday, November 23, 2012

પપ્પા આના કપડા ક્યાં ?

થોડા દિવસ પહેલા પપ્પા મારા માટે એક બુક લાવ્યા છે "પંચતંત્રની પંચોતેર બાળવાર્તાઓ" સાંજે પપ્પા મને ક્યારેક ક્યારેક આમાંથી મારી પસંદગીની કોઇ વાર્તા કરતાં હોય છે અને ચિત્ર મુજબ મને સમજાવતા હોય છે.

આજે પપ્પા જેઓ આ બુક લઇને બેઠા કે મેં એક વાર્તા પર આંગળી મુકીને કહ્યું કે આ વાર્તા કરો. પપ્પા જેવી વાર્તા શરૂ કરે કે મેં પપ્પાને પ્રશ્ન પુછ્યો કે "પપ્પા આના કપડા ક્યાં ?"  થોડું વિચારીને પપ્પાએ કહ્યું કે પ્રાણીઓ કપડા ના પહેરે.






- તમારી જિત્વા

હેપ્પી થેન્ક્સ ગીવીંગ ડે


આજે "થેન્કસ ગીવીંગ ડે" એટલે કે "આભાર પ્રગટ દિવસ" છે. અમેરિકામાં વર્ષોથી આજના દિવસને એટલે કે નવેમ્બર મહિનાના ચોથા ગુરૂવારને "થેન્ક્સ ગીવીંગ ડે" તરીકે ઉજવવામાં આવે છે.

1863માં સિવીલ વોર દરમિયાન અમેરીકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિન્કને આજના દિવસને "થેન્ક્સ ગીવીંગ ડે" તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું, ત્યારબાદ દરેક વર્ષે આ દિવસ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવવામાં આવે છે.

આજના દિવસે અમેરીકામાં સગાવ્હાલા અને મિત્રો ભેગા મળીને એક સાથે જમવાનો લ્હાવો માણે છે અને આ સમય દરમ્યાનની રજાઓ એ આખા વર્ષમાં પ્રવાસ માટેનો સૌથી વ્યસ્ત સમય ગણાય છે.

આ તો થઇ "આભાર પ્રગટ દિવસ"ની વાત પણ હું વિચારતી હતી કે હાલના દિવસોમાં મારે કોને થેન્ક્યુ કહેવાનું બાકી છે. જવાબમાં બે નામો સામે આવ્યા ભરતમામા કે જેમણે મને આ પહેલાના વેકેશનમાં સરસ મજાની ઢિંગલી ગિફ્ટમાં આપી હતી



બીજુ નામ ઘવલ અંકલનું કે જેઓએ મને જોડકણાંની સરસમજાની સીડી ગીફ્ટ કરી અને દુબઇથી મારા માટે સરસ મજાનો કપ લઇ આવ્યા જેમાં હું હોંશભેર દરરોજ દુઘ પીઉં છું.






આ સિવાય સુરેખા બા, આશા આન્ટીને પણ થેન્ક્યું કહેવું જ રહ્યું કેમકે તેમને ત્યાં હું દરરોજ રમવા જાઉં છું. આ  સિવાય અહીં ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય અને મને યાદ ન આવતું હોય તે સૌ હમઉમ્ર દોસ્તો અને વડીલોને તહેદિલથી "THANK YOU"

- તમારી જિત્વા

Tuesday, November 20, 2012

મારી સાવરણી




હાલના દિવસોમાં હું મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરૂ છું. પછી તે કચરો કાઢવાની વાત હોય કે રોટલી બનાવવાની. મારી આ સ્કીલને જોઇને નાનીએ મારા માટે ખાસ આ નાની સાવરણી બનાવડાવી છે. આ વખતે દિવાળીમાં હું ઘરે ગઇ હતી ત્યારે તેને લઇ આવી હતી.

હાલ આ સાવરણીને લઇને હું ઉત્સાહપૂર્વક મમ્મીની આગળ આગળ કચરો કાઢતી ફરૂ છું. મારા આડોશી પાડોશીઓએ પણ મારી આ સાવરણીના ભરપેટ વખાણ કર્યા હતા.

- તમારી જિત્વા

પ્રતિબિંબ



પ્રતિબિંબ

શોધો ત્યારે જ છળે  પ્રતિબિંબ!
ભરબપ્પોરે પગ તળે પ્રતિબિંબ!

એકલતાની એ હશે ચરમસીમા
શોધો સહવાસને મળે પ્રતિબિંબ!

આ ટેક તો એને મળી વારસામાં
કિરણ વળે છે કે વળે પ્રતિબિંબ?*

હદ બહાર હંફાવે છે આત્મશ્લાઘા
ખોળે હરણ મૃગજળે પ્રતિબિંબ!

રોશની મથે ઓગાળવા શમાને
એવું  બને કે ઓગળે પ્રતિબિંબ!

(છંદવિધાન: ગાગાલગા ગાગાલગા ગાલગાગા)
courtesy :Amit Patel http://ghazalshala.blogspot.in

- તમારી જિત્વા