Monday, July 19, 2010

એક પ્રયત્ન બેસવાનોઆજકાલ હું બેસવાનો પ્રયત્ન કરવામાં લાગી છું હવે છ મહિના પુરા થવામાં છે ત્યારે હવે બેસતા તો શીખવું પડશે ને ?

આથી જ જયારે મમ્મી મને બેસાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે મને બહુ મજા આવે છે. આ ફોટામાં તમે બેસતા શીખતા મને કેટલો આનંદ થાય છે તે મારા ચહેરા પર જોઈ શકો છો.

- તમારી જિત્વા

Thursday, July 15, 2010

ઊંઘ દરમ્યાન ચિંતનહું ઊંઘતી વખતે પણ કેટલા ઊંડા વિચારોમાં હોઉં છું તે તમે આ ફોટામાં જોઈ શકો છો. એટલુ જ નહિં કયારેક ગંભીર ચિંતન કરતી વખતે તમારી જેમ મારે પણ માથા પર હાથ મુકવો પડે છે.

હું પણ શું કરું વિચાર કંઈ અમથો અમથો થોડો થાય ?

- તમારી જિત્વા

Monday, July 12, 2010

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે


ગુજરાતી કવિ હરીન્દ્ર દવેની એક રચના છે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે. કાનુડાના તોફાનથી થાકીને યશોદા માતા તેને વૃક્ષ સાથે બાંધી દે છે.

કાનુડો તો તોફાન કરતો હતો એટલે તેની મમ્મીએ તેને દોરીથી બાંધી દીધો હતો પણ હું તો ખુદ આ દોરી વચ્ચે બંધાઈ ગઈ હતી.

તમને વિગતે વાત કરું તો હું ઘોડિયા પાસે રમતી હતી ત્યારે અચાનક મારું ધ્યાન ઘોડિયાની દોરી પર ગયું અને તેને પકડવા હું પણ ઘોડિયા નીચે પહોંચી ગઈ. પણ દોરી પકડવાની મથામણમાં હું કેવી ફસાઈ ગઈ હતી તે તમે આ ફોટોમાં જોઈ શકો છો.

હવે તમે હરીન્દ્ર દવેની આ રચના વાંચો તમને પણ એ વાંચવાની મજા પડશે.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે


કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે
જેવાઆંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે
જેવાંઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

- તમારી જિત્વા

Sunday, July 11, 2010

ઓમ નમઃ શિવાય


આજે રવિવાર હતો અને વાતાવરણ પણ સારું હતું આથી હું બપોર પછી પપ્પા અને મમ્મી સાથે શિવ મંદિરે શિવજી ના દર્શન કરવા ગઈ હતી. આમ તો આ શિવ મંદિર પર હું પહેલી વખત આવી હતી પણ મને અહી બહુ મજા આવી.

આજુ બાજુની હરિયાળીને હું તો જોતી જ રહી ગઈ. અહી મેં મમ્મી સાથે ફોટો પણ પડાવ્યો તમે આ ફોટો જુઓ હું ચાલી રમવા.

- તમારી જિત્વા

Saturday, July 10, 2010

દૂધ એક સંપૂર્ણ આહારઆજે મમ્મી જયારે મને દૂધ પીવડાવતી હતી ત્યારે મેં જાતે જ દૂધ પીવાનો પ્રયત્ન કર્યો અને મમ્મીના હાથમાંથી બોટલ લઈને હું જાતે જ દૂધ પીવા લાગી હતી. કેમ કે વાર લાગે તે થોડું ચાલે ?

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે મારા પ્રયત્નમાં હું કેટલી સફળ રહી. તમે આ પોસ્ટ વાંચો હું ચાલી દૂધ પીવા.

- તમારી જિત્વા

Wednesday, July 7, 2010

ઢીંગલીને મારી હાલા રે...મારી પાસે એક ઢીંગલો છે તેના વિશે તો મેં તમને વાત કહી હતી આજે હું તમને મારી ઢીંગલી વિશે વાત કરવાની છું.

તમે ફોટામાં જે જોઈ રહ્યા છો તે ઢીંગલી વાસુ મામા મારા માટે સોમનાથથી લાવ્યા છે. આજે હું તમને ઢીંગલીને લગતા કેટલાક બાલગીતો પણ પોસ્ટ કરું છું, કદાચ તમને પણ આ ગીતો ગમશે.
હાલા હાલા હાલા રે
ઢીંગલીને મારી હાલા રે

વાદળનું તો પારણું બાંધ્યું,
ને તારાની હીંચકા દોરી
ચાંદામામા લાડ લડાવે
પરીરાણી ગાય લોરી

હાલા હાલા હાલા રે
ઢીંગલીને મારી હાલા રે
સૂઇ જા મારાં ઢીંગલી બેનાં,
રાત હવે પડવાની

નાની નાની આંખો મીંચી
નીંદર લે મજાની

હાલા હાલા હાલા રે
ઢીંગલીને મારી હાલા રે

નીંદરીયે પોઢીને તમે
પવન પાંખે ઉડજો
પંખીઓના મીઠાં મીઠાં
ગીતો તમે સુણજો

હાલા હાલા હાલા રે
ઢીંગલીને મારી હાલા રે
( સૌજન્ય : http://www.krutesh.info/)

ઢીંગલી મેં તો બનાવી

ઢીંગલી મેં તો બનાવી મજાની
તૈયાર એને હવે કરવાની

ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

એનું ઝબલું સીવડાવવા
દરજી પાસે જાઉં
દરજીભાઈ દરજીભાઈ
ઝબલું સીવી દ્યો
લાલ પીળા ઓઢણામાં
આભલાં જડી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

એનાં ઝાંઝર બનાવવા
સોની પાસે જાઉં
સોનીભાઈ સોનીભાઈ
ઝાંઝર બનાવી દ્યો
મોતીની માળા ને
બંગડી ઘડી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

એની મોજડી સીવડાવવા
મોચી પાસે જાઉં
મોચીભાઈ મોચીભાઈ
મોજડી સીવી દ્યો
લાલ લાલ મખમલની
મોજડી સીવી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

એને સુંદર બનાવવા
મમ્મી પાસે જાઉં
મમ્મી મમ્મી પાઉડર
લગાવી દ્યો
આંખે આંજણ ગાલે લાલી
લગાવી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

એનો ગજરો ગૂંથાવવા
માળી પાસે જાઉં
માળી દાદા માળી દાદા
ગજરો બનાવી દ્યો
મોગરા ગુલાબનો
ગજરો બનાવી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

એને હોંશિયાર બનાવવા
બેન પાસે જાઉં
બેન ઓ બેન એને લખતાં
શિખડાવી દ્યો
એક બે ત્રણ ચાર કરતાં
શિખડાવી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

તૈયાર એને હવે કરવાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
(સૌજન્ય : http://www.mavjibhai.com/)

આજ મારી ઢીંગલી

માંદી પડી રે માંદી પડી
આજ મારી ઢીંગલી માંદી પડી

ખાધું નથી એણે પીધું નથી
આજ મારી ઢીંગલી માંદી પડી

બોલાવું ડૉક્ટર હમણાં ભઈ
શું થયું એને સમજ પડે કંઈ

જા જા જલદી કરજે ગાડી
ક્યાંયે ન થોભજે એકે ઘડી

ડૉક્ટર આવ્યા જોઈ નાડી
ગભરાશો ન જરી શરદી લાગી

કેવી મજા રે આપણે કરી
આ રે રમત રમશું કાલે ફરી
(સૌજન્ય : http://www.mavjibhai.com/)
- તમારી જિત્વા

Sunday, July 4, 2010

ઢીંગલા સાથે ધીંગામસ્તીહું ઢીંગલા સાથે ફક્ત રમતી જ નથી હું તેની સાથે ધીંગા મસ્તી પણ કરું છું. આ વિડીયોમાં તમે ઢીંગલા સાથેની મારી ધીંગા મસ્તી જોઈ શકો છો.

તમે આ વિડીયો જુઓ હું ચાલી ધીંગા મસ્તી કરવા.

- તમારી જિત્વા

Saturday, July 3, 2010

જય શ્રી કૃષ્ણ

આજે હું પહેલી વખત બા, દાદા, પપ્પા અને મમ્મી સાથે બોપલ ૪૪૪માં આવેલી હવેલી પર ગોવર્ધનનાથજીના દર્શન કરવા ગઈ હતી.

અહી મેં મારા જન્મ બાદ ના ૨-૩ દિવસો બાદ કરતાં પહેલી વખત બહારનું દૂધ પીધું હતું. મને તો અહી ખુબ મજા પડી ગઈ હતી. હવેલી માં મેં બા સાથે ફોટો પણ પડાવ્યો હતો.

- તમારી જિત્વા