Thursday, May 20, 2010

નાનાના ઘરેથી દાદાના ઘરે


અખાત્રીજ એટલે કે 16 -5-10 અને રવિવારના દિવસથી હું હવે નાનાના ઘરેથી દાદાના ઘરે આવી ગઇ છું. જન્મ થયો ત્યારથી હું નાનાના ઘરે જ હતી આથી આસપાસના માહોલ અને માણસોથી હું પરિચિત થઇ ગઇ હતી પરંતુ અહીં મને એક મમ્મીને બાદ કરતાં બધુ નવું નવું લાગી રહ્યું છે. આમ તો હું પ્રયત્નો કરી રહું છું કે હું નવા વાતાવરણમાં ગોઠવાઇ શકું પરંતુ થોડો સમય લાગશે.

અહીં ધૈર્યભાઇ તો પહેલાથી જ હતા અને મને લેવા માટે અદા, શારદા બા, રીટાફઇની સાથે કેશોદ પણ આવ્યા હતા. તેમાં પણ છેલ્લા બે દિવસથી તો નેત્રાદીદી અને પુષ્ટિદીદી પણ આવી ગયા છે એટલે મજા...મજા.... હાલના દિવસોમાં દરરોજ બહારથી પણ કોઇને કોઇ મને રમાડવા આવતા રહે છે.

હાલ પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે બપોર પછીનો સમય કાઢવો મારા માટે થોડો કપરો હોય છે પરંતુ સવારે બહુ વાંધો આવતો નથી. બીજી તરફ નાનાના ઘરે પણ બધાને મારી ગેરહાજરી મહેસુસ થઇ રહી છે પરંતુ હું પણ શું કરૂ હજુ તો મારે અહીંથી અમદાવાદ જવાનું છે પરંતુ થોડા દિવસો પછી જેથી ગરમી થોડી ઓછી થઇ જાય.

- તમારી જિત્વા

Sunday, May 9, 2010

હેપ્પી મધર્સ ડે

આજે હું પહેલી વખત મધર્સ ડે ઉજવી રહી છું. બધાની જેમ મને પણ મારી મમ્મી બહુ વ્હાલી છે. હું તો તેને જોતા વેંત ઓળખી જાઉ છું અને હસવા માંડુ છું. આજના દિવસની પોસ્ટમાં મુકવા માટે મેં છેલ્લા કેટલાક દિવસોથી મારી મમ્મી અને નાની સાથેના ફોટા સાચવીને રાખ્યા હતા. આ પોસ્ટ સાથે તે મુકું છું.

કોઇએ ખરૂ જ કહ્યું છે ને કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતો નથી આથી તેણે માનું સર્જન કર્યું છે. એક સંતાનને જન્મ આપતા સમયે પણ માતા કેટલી તકલીફ ઉઠાવે છે. આપણે ત્યાં તો કહેવતો પણ પ્રચલીત છે ને કે, "મા તે મા બીજા બધા વગડાના વા" અને "માતા વિના સુનો સંસાર, ગોળ વિના મોળો કંસાર".

આજે હું 86 દિવસની થઇ ગઇ છું અને હવે મને અંધારા અને અજવાળા વચ્ચેનો ફર્ક સારી રીતે ખબર પડે છે અંધારૂ તો મને જરા પણ ગમતુ નથી. અને પંખા સિવાય મને જરા પણ ચાલતું નથી. જેવો પંખો જેવો બંધ થાય કે તરત જ હું રડવાનું શરૂ કરી દઉં છું અને મમ્મી તરત જ દોડતી મારી પાસે પહોંચી જાય છે.

હાલ વિભા માસી અને ખુશી દીદી પણ અહીં મામાના ઘરે આવ્યા છે. ખુશી દીદી અને વાસુ મામા વચ્ચે મને રમાડવા માટે ક્યારેક મીઠા ઝઘડાઓ થતા રહે છે. હવે હું એક અઠવાડીયામાં નાનાના ઘરેથી દાદાના ઘરે જવાની છું અને મમ્મી તો ધીમે ધીમે મારો સામાન પણ પેક કરવા માંડી છે. અને નાના-નાની અને ભરતમામા અને બા મારી ગેરહાજરીમાં સમય કેમ વિતાવશે તેની ચિંતા કરતાં જોવા મળી રહ્યા છે.

આ પોસ્ટની સાથે આજના દિવસના સંદર્ભમાં કેટલાક ગીતો પણ મુકુ છું તમને જોવા અને સાંભળવા ગમશે. તમે આ ગીતો સાંભળો હું ચાલી મધર્સ ડે ઉજવવા.

- તમારી જિત્વા

Sunday, May 2, 2010

વિશ્વ હાસ્યદિન નિમિતે કેટલાક ખાસ ફોટાઓ

તમને ખબર જ છે કે આજે વિશ્વ હાસ્યદિન છે. મે મહિનાનો પહેલો રવિવાર સમગ્ર વિશ્વમાં હાસ્યદિન તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસને ધ્યાને રાખીને મેં પણ ચહેરા પર હાસ્ય સાથે કેટલાક ફોટાઓ પડાવ્યા છે. જોઇને કહેજો કે ફોટા કેવા લાગ્યા અને હા પ્રતિભાવ આપવાનું ભુલતા નહીં.
- તમારી જિત્વા

Saturday, May 1, 2010

ઢીંગલો મારો બોલતો નથી


બધાને દોસ્ત હોય છે મારે પણ એક દોસ્ત છે આજે હું તમને તેના વિષે જણાવું છું. આ ફોટોમાં તમે જે ઢીંગલો જોઈ રહ્યા છો તે મારો દોસ્ત છે. હું ક્યારેક-ક્યારેક તેની સાથે રમું છું. આ કલરફૂલ ઢીંગલો બોલે પણ છે કારણ કે તેના પેટમાં એક ઘૂઘરો છે.

ગુજરાતીમાં એક બાળગીત છે કે ઢીંગલો મારો બોલતો નથી ચાલતો નથી કેમ બોલવું પણ મારો આ ઢીંગલો તો બોલે પણ છે અને રીસાતો પણ નથી. કેવું સારું નહીં ?
બસ મારું એટલું જ કહેવું છે કે કોઈ કોઈથી રીસાય નહીં અને બધા સંપીને રહે. ઢીંગલા વાળું બાળગીત અહી આપું છું તમને પણ ગમશે અને તમારો ઢીંગલો રીસાય ત્યારે મનાવવામાં પણ કામ આવશે.

ઢીંગલો મારો બોલતો નથી

ખાતો નથી પીતો નથી ઢીંગલો મારો બોલતો નથી
બોલ બા બોલ એને કેમ બોલાવું?

ટબમાં બેસાડી એને નવડાવું સારા સારા કપડાં એને પહેરાવું
તોયે એ બોલતો નથી- ખાતો નથી

આકાશે ઊડતાં પંખી દેખાડું મેના પોપટ ને મોરલાં ટહકાવું
તોયે એ હસતો નથી – ખાતો નથી

સોનાનાં પારણે એને ઝૂલાવું ચાંદા સૂરજને તારલા ટપકાવું
તોયે એ નાચતો નથી – ખાતો નથી

ડ્રાઉં ડ્રાઉં કરતાં દેડકા દેખાડું પાણીમાં તરતી માછલી દેખાડું
તોયે એ હસતો નથી – ખાતો નથી
- તમારી જિત્વા