Tuesday, March 29, 2011

છાપાનું આસન

આપણે ત્યાં એક પરંપરા રહી છે કે જમીન પર કંઇપણ પાથરીને બેસવું. ગુજરાતમાં લોકો ખાસ કરીને જમતી વખતે આસન પાથરીને બેસતા હોય છે. મેં પણ આ પરંપરામાંથી પ્રેરણા લઇને કાગળના આસન પર આરૂઢ થવાનું નક્કી કર્યું.

પરંતુ મારા માટે આસન પર બેસવું થોડું મુશ્કેલ હતું, આસન પર બેસવા માટે મારે કેટલા પ્રયત્નો કરવા પડ્યા અને કઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે તમે જુઓ આ વિડીયોમાં.કેમ ગમ્યોને તમને આ વિડીયો ? ચાલો તમે આગળની પોસ્ટ વાંચો હું તો ચાલી રમવા...

- તમારી જિત્વા

Monday, March 21, 2011

હોળી-ધૂળેટી અને ફિલ્મી ગીતો

આજે તમે એફએમ ચાલુ કરશો કે ટીવી તમને ન્યૂઝ એન્કરથી માંડીને આરજે હોળીના ગીતો સંભળાવશે. હિન્દી ફિલ્મોની એક ખાસીયત છે તેના ગીતો અને ફિલ્મોમાં હોળીના કેટલાક ગીતો એટલા તો લોકપ્રિય થયા છે કે તેના વગર તમે ફિલ્મની કલ્પના જ ન કરી શકો.

આજે જ્યારે બધા તમને હોળી-ધૂળેટીના ગીતો સંભળાવતા હોય તો પછી હું કેમ નહીં ? આ મારી પ્રથમ હોળી છે હું આજે ધુળેટી રમવાની તો નથી પરંતુ તમને ગીતો તો સંભળાવી શકુ ને ? તો માણો મજા કેટલાક સદાબહાર હોળી ગીતોની...

ફિલ્મ: નવરંગ


ફિલ્મ: કટી પતંગ


ફિલ્મ: શોલે


ફિલ્મ: સીલસીલા


ફિલ્મ: બાગબાન


ફિલ્મ: મંગલ પાંડે


ફિલ્મ: એક્શન રીપ્લે


કેમ ગમ્યાને આ ગીતો....

- તમારી જિત્વા

Saturday, March 19, 2011

હેપ્પી હોળી


આજે હોળી અને કાલે ધુળેટીનો તહેવાર છે. ત્યારે તમને બધાને મારા તરફ બધાને હેપ્પી હોલી. મારે આજે હોળીના દર્શન કરવા જવા છે જે માટે મોડું થાય છે. ચાલો ત્યારે વધુ વાતો પછી કરશું.


- તમારી જિત્વા

Friday, March 18, 2011

ખમણીનો ઉપયોગ શું થાય ?

મમ્મી ખમણી લઇને કંઇ ખમણી રહી હતી ત્યારે મને પણ આવો પશ્ન થયો હતો કે ખમણીનો ઉપયોગ શું ? આથી મેં તો જેવી તક મળી કે તરત જ ખમણી ઉઠાવી મમ્મી જેમ કરતી હતી તેમ ખમણવાનો પ્રયાસ શરૂ કરી દીધો.


જો કે સલામતીના કારણોસર મારી પાસેથી થોડીવારમાં જ ખમણી લઇ લેવામાં આવી પરંતુ ત્યાર સુધીમાં તો મારી જીજ્ઞાસાવૃતિ સંતોષાય ગઇ હતી અને મને એ સમજાય ગયું હતું કે ખમણીનો ઉપયોગ શું થાય.- તમારી જિત્વા

Wednesday, March 16, 2011

તમને દીકરીના પપ્પા થવું ગમે?
આમ તો આ પૃથ્વી પરના બધા સંબંધો નિરાળા છે .. ભાઈ-બહેન, મા-બાપને સંતાનો કે પછી બે દોસ્તો ... પણ પિતા અને પુત્રીનો સંબંધ થોડો અનોખો છે. ગમેતેવા હોય થોડા ગુસ્સાવાળા કે પછી શાંત પણ દિકરી ની વાતમા પપ્પાનુ હ્ર્દય નરમ પડી જતુ હોય છે. જે પિતાને દિકરી હશે એવા દુનિયાના કોઈપણ પિતાનુ હ્રદય લઈ લો એમા એક આ ઈચ્છાતો જગ્યા રોકીને બેઠી જ હશે કે પોતાની દિકરીના જીવનમાં પોતાનાથી વધુ વ્હાલ કરનારો ને ખ્યાલ કરનારો પુરુષ આવે.

બીજી કોઈ બાબતમા કંઈ ચલાવી ન લેનાર પપ્પા ક્યારેક દિકરીની બાબતમા ઘણુ બધુ ચલાવી લેતા હોય છે.વ્હાલસોયા પિતા હંમેશા પોતાની દિકરીને એક રાજ્કુમારીની જેમ જ ટ્રીટ કરવાનો પ્રયત્ન કરતા હોય છે ને એના બદલામાં દિકરી તો સામે શુ આપી શકે માત્ર વ્હાલ વ્હાલ ને વ્હાલ ...

એક દિકરી તરીકે મને હંમેશા થાય કે કાશ મારા હાથમાં એક જાદુની છડી હોત તો હુ મારા પપ્પાની બધી વિશ પૂરી કરી દેત.... પણ જાદુની છડી નથી તો કંઈ નહી જાદુ જેવી થોડી પંક્તિઓ જ માણી લઈએ...

પ્રિય પપ્પા, હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર..
આ નદી જેમ, હું પણ બહુ એકલી,
શી ખબર કે, હું તમને ગમું કેટલી..?

આ વીશે જીજ્ઞેશ અધ્યારૂએ પણ સરસ લખ્યું છે.

તમને દીકરીના પપ્પા થવું ગમે?
સપનું એની આંખે જોવું ગમે?

એના મનમાં ભારોભાર લાગણી રહે
એના શબ્દોમાં ઝાલરના સૂરો વહે

કળીમાંથી ફૂલ બનતું જોવું ગમે?
તમ જીવનમાં ખુશ્બુનું હોવું ગમે?

તમને દીકરો નથી? તેથી શું થયું?
દીકરી તો છે ને? ચાલો સારું થયું.

એના લાગણીના દરિયે નહાવું ગમે?
તમને જીવનના ગીતને ગાવું ગમે?

જાણે રણ વચ્ચે મીઠી એક વીરડી રહે
એની કાળજીના વાયરા સદાયે વહે

તમને કોયલનું કુંજન સાંભળવું ગમે?
ક્યાંક ખુદમાં ફરીથી ઓગળવું ગમે?

તમ મસ્તક એ ઝુકવા ન દેશે કદી,
સ્મિતનો એ દરિયો, વ્હાલપની નદી,

આંસુઓમાં સ્મિતનું ઝરવું ગમે?
તમને દીકરીના પપ્પા થવું ગમે?

- જીજ્ઞેશ અધ્યારૂ

(નોંધ : આ પોસ્ટ http://shabd-sarvani.blogspot.com/ બ્લોગમાંથી બ્લોગરની મંજુરી સાથે લેવામાં આવી છે.

- તમારી જિત્વા

Tuesday, March 15, 2011

થાય સરખામણી તો ...
આજે સવારે પપ્પાના શુઝ અને મારા શુઝ પાસે પાસે પડ્યા હતા ત્યારે મારા શુઝતો પપ્પાના શુઝ પાસે એકદમ નાનકડા દેખાતા હતા. આમ તો નાના બાળકોને બીજાના શુઝ અને ચંપલમાં પગ નાખીને ચાલવાની આદત હોય છે પરંતુ હું હજુ આવી હેબીટથી દુર છું.

એવું કહેવાય છે કે માણસે સરખામણીથી દૂર રહેવું જોઇએ અને દુ:ખનું મુળ સરખામણીમાં રહેલું છે. પણ મનુષ્ય સ્વભાવ છે કે સરખામણી થઇ જ જાય ખરૂને ? સરખામણીને લઇને "બેફામે" એક સરસ ગઝલ લખી જેને સ્વર આપ્યો છે લોકપ્રિય ગુજરાતી ગાયક મનહર ઉધાસે, તમે આ ગઝલ સાંભળો હું ચાલી રમવા...

- તમારી જિત્વા

Friday, March 11, 2011

નન્હા જાસુસ


આજકાલ મારી જીજ્ઞાસા વૃતિને પાંખો ફુટી નિકળી છે. દરેક વસ્તુને મારે જાતે જોવી અને તપાસવી પડે છે. આજે પપ્પા ઓફીસથી આવ્યા ત્યારે તેમનો ખીસ્સો મારી નજરે ચડી ગયો. અને પછી તો બસ પુછવું જ શું ? મેં ખિસ્સામાંના દરેક કાર્ડ અને કાગળને ફંફોસી નાખ્યા.

જો કે કાર્ડ કે કાગળમાં શું લખ્યું છે તેની તો મને ખબરના પડી પરંતુ આવું કરવાની મને મજા પડી ગઇ જે તમે ઉપરના ફોટાઓમાં જોઇ શકો છો.

- તમારી જિત્વા

Tuesday, March 8, 2011

હેપ્પી વુમન્સ ડે

સમગ્ર દુનિયામાં આજના દિવસે એટલે કે 8 માર્ચના રોજ વુમન્સ ડે મનાવવામાં આવે છે. આજે જ્યારે ચારે તરફથી મહિલાઓ પર શુભેચ્છા વરસી હોય ત્યારે હું શુભેચ્છા ન આપું તેવું બને ? વુમન્સ ડે મનાવવાની શરૂઆત રશીયાથી થઇ હતી અને હવે તેને સમગ્ર દુનિયામાં મનાવવામાં આવે છે. ભારતમાં પણ હવે આ દિવસને ખાસ રીતે મનાવવામાં આવે છે.

8 માર્ચ 1857ના દિવસે ન્યૂયોર્કમાં મહિલાઓએ ટેક્સટાઇલ ફેકટરીઓમાં આંદોલન કર્યું હતું પરંતુ પોલીસે આ આંદોલનને દબાવી દીધું હતું. બાદમાં બે વર્ષ બાદ આજ દિવસે ફરીથી મહિલાઓએ પોતાનું યુનિયન બનાવ્યું. 1908માં ન્યૂયોર્કમાં 15000 મહિલાઓએ પ્રદર્શન કરી કામના કલાકો ઘટાડવા, સારો પગાર મેળવવા અને મતદાનનો અધિકાર મેળવવાની માગ કરી.

1910માં કોપનહેગનમાં પહેલું આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન ભરાયું. જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ વિચાર જર્મનીની મહિલા આંદોલનકર્તા અને સામાજિક કાર્યકર્તા ક્લારા જેટ્કિનનો હતો.

યુરોપની મહિલાઓએ પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ 8 માર્ચ 1913ના રોજ શાંતીનો સંદેશો આપતી એક રેલી કાઢી હતી. પશ્વિમના દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 1910થી 1920 સુધી મનાવવામાં આવ્યો પરંતુ ત્યારબાદ ઉત્સાહમાં ઉણપ આવી.

1960ના દાયકામાં એક વખત ફરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જરૂરીયાત જણાઇ કે જેથી મહિલાઓનું સશક્તિકરણ થઇ શકે. અને આજે જુઓ આ દિવસના દિવસે ઘણીબધી સંસ્થાઓ મહિલાઓનું ખાસ સન્માન કરે છે.

આજે ઘરે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મમ્મીએ મહિલાઓની પહેલી પસંદ એવી પાણીપુરી બનાવી છે. ચાલો હવે મારે પાણીપુરી ખાવાનું મોડું થાય છે....

- તમારી જિત્વા