Tuesday, December 30, 2014

મેરી ક્રિસમસ એન્ડ હેપ્પી ન્યુ યર
ક્રિસમસ બાદ હું સ્કુલે ગઇ ત્યારે સાન્તાએ મને "એંગ્રીબર્ડ કોઇન બેંક" ગીફ્ટ તરીકે આપી હતી અને ટીચરે  સાન્તાનું આ માસ્ક. હાલમાં હું સાન્તાનું આ માસ્ક પહેરીને ઘરમાં ફરું છું. અને મમ્મી- પપ્પાને ડરાવી દઉં છું. તેમને ખોટા ખોટા ડરતા જોઇને હું સાચ્ચે સાચ્ચી આનંદમાં આવી જાઉં છું.

આ માસ્કને લઇને પણ મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતો જેમ કે આમાં કલર કેમ લગાવવામાં આવે, આ કેમાંથી બને આને કઇ જગ્યાએ બનાવવામાં આવે વગેરે વગેરે....જો કે હાલ પુરતા મને મોટા ભાગના પ્રશ્નોના જવાબ મળી ગયા છે.


- તમારી જિત્વા

Monday, December 8, 2014

શતરંજ કે ખીલાડી


છેલ્લા ઘણા દિવસથી હું પપ્પાને કહેતી હતી કે મને ચેસ લાવી આપો. આમ તો ચેસમાં મને કંઇ ખબર પડતી નથી પરંતુ એટલી ખબર પડે કે બ્લેક એન્ડ વ્હાઇટ ખાનામાં રાજા, વજીર, ઉંટ, હાથી, ઘોડો અને પાયદળને ગોઢવવાના હોય.

આજે પપ્પાએ ચેસ લાવીને મને સરપ્રાઇઝ આપી. બોક્ષ જોઇને હું તો રાજી રાજી થઇ ગઇ અને ખોલીને જોયું ત્યાં તો આશ્વર્યચકીત કારણે કે છેલ્લા ઘણા દિવસોથી હું જે વસ્તુ માગતી હતી તે જ આવી.

હવે મારે ચેસ રમતા શીખવું છે. બોલો શીખવાડશો મને...

- તમારી જિત્વા

Monday, November 24, 2014

હું તમને નહીં જવા દઉંઅત્યાર સુધી મને કોઇ ઘરમાંથી બહાર જાય ત્યારે બહુ લાગી આવતું નહીં પરંતુ હવે મને આ બધી ખબર પડે છે.  અને હવે કદાચ મને માનવીય સબંધોનું મુલ્ય સમજાય રહ્યું છે.


હાલ છેલ્લા ઘણા દિવસોથી બા અને દાદા અહીં આવ્યા હતા. મને તેમની સાથે રમવાની બહુ મજા આવતી હતી. સવારે પપ્પા સ્કુલે મુકી જાય અને દાદા સ્કુલેથી લેવા આવતા હતા. દિવસો જાણે આનંદથી પસાર થતા હતા તેવામાં બા એ કહ્યું કે મારે જૂનાગઢ જવાનું છે . મેં તેમને કહ્યું કે ના તમારે નથી જવાનું દાદાને જવું હોય તો ભલે જાય તમારે રોકાવાનું છે.

બા એ મને સમજાવી કે મારે થોડું કામ છે તે પતાવી ને હું ફરી આવી જઇશ અને આ જો હું મારી સાડીઓ પણ અહીં મુકીને જાઉં છું.  છતાં સોમવારે સાંજે તેમને જતા રોકવા મેં બહુ કોશીશ કરી અને તેમની બેગ અને ચંપલને છુપાવા લાગી.

હવે ઘીમે ઘીમે બા અને દાદાને જવાનો સમય નજીક આવી રહ્યો હતો આથી મેં તો પોક મુકીને રડવાનું ચાલુ કર્યું મને બહુ સમજાવામાં આવી અને અંતે રડતી આંખે હું બા અને દાદાને મુકવા પણ ગઇ. બા અને દાદાને મુકીને હું ઘરે આવી ત્યારે ઘર એકદમ સુમસામ લાગ્યું અને ફરી હું બેડ પર બેસી ગઇ અને જેવી પપ્પાએ મને બોલાવી કે ફરી મને રડવું આવી ગયું. ફરી મને મનાવવામાં  પપ્પા - મમ્મીને બહુ વાર લાગી.  હવે હું રાહ જોઇ રહી છું કે બા અને દાદા ફરી ક્યારે આવે.

- તમારી જિત્વા

Friday, November 21, 2014

લાવો બા વાસણ કરાવુંહાલ દિવાળી કરવા માટે હું વતનમાં આવી છું. અહીં મને પુષ્ટિ દીદી અને નેત્રા દીદીની ખોટ તો સાલે છે પરંતુ બા ની સાથે હું રમ્યા કરૂ છું. આખો દીવસ હું બાની પાછળ અને પાછળ આંટા માર્યા કરૂ અને તે જે કરે તે હું પણ કરૂ.

જમ્યા બાદ બા વાસણ કરવા બેઠા તો હું પણ પાટલો લઇને બાજુમાં બેસી ગઇ કે લાવો બા તમને વાસણ કરાવું. મારી આ બાળ સહજ ચેષ્ટાથી બા પણ હસવા માંડ્યા.

- તમારી જિત્વા

Thursday, November 6, 2014

દેવદિવાળીની ઉજવણી


 
ભાભુ, પુષ્ટિદીદી અને નેત્રાદીદી હૈદ્રાબાદ ગયા હતા અને ત્યાંથી સીધા અમદાવાદ આવ્યા હતા. અહીં અમને ત્રણેને રમવાની ખુબ મજા આવતી હતી. દેવદિવાળીના દિવસે અમે ત્રણેએ સાથે મળીને ફટાકડા ફોડ્યા આ ફોટાઓ ત્યારના છે.

- તમારી જિત્વા


Monday, July 14, 2014

બિઝનેસની બારાખડી

આમ જુઓ તો કોઇપણ ગુજરાતીને ધંધો શીખવાડવો ના પડે એવું કહેવાય છે. સાંજે ગાર્ડનમાં જતા સમયે અને સ્કુલે જતા સમયે રસ્તામાં ઘણી દુકાનો ધ્યાનમાં આવે છે. તદુપરાંત પપ્પા-મમ્મી સાથે પણ ઘણી વખત નાની મોટી ખરીદી માટે જવાનું થાય છે.

આ ફોટો ધ્યાનથી જુઓ, આ મારી પેઢી છે. ટેબલને ઉલટુ કરી દેવાનું અને બની ગઇ દુકાન. મારી દુુકાનની ખાસીયત એ છે કે અહીં દરેક વસ્તુ પાંચ રૂપિયામાં મળે છે. અને દુકાનમાં પુસ્તકોથી લઇને સોડા બધુ મળે છે.

હવે એ તમારે વિચારવાનું છે કે આમાં  બધુ સમાતુ કેવી રીતે હશે ???

- તમારી જિત્વા

Sunday, July 13, 2014

શનીવારની સંગીત સંધ્યા

  

આજે હું પપ્પા-મમ્મીની સાથે ગુજરાત યુનિ. હોલમાં આયોજીત એક સંગીત સમારોહમાં ગઇ હતી.

બોલીવુડના ખ્યાતનામ સંગીતકાર કલ્યાણજી-આનંદજીમાંના આનંદજી પણ અહીં આવેલા હતા. જેની હાજરીમાં અલગ અલગ કલાકારોએ સરસ મજાના ગીતો સંભળાવ્યા.

મારા માટે તો સંગીત અને રમવાનું બંને સરખુ મહત્વનું હતુ અને મેં તો સંગીત કરતાં રમવાની વાતને પહેલું પ્રાધાન્ય આપ્યું.

- તમારી જિત્વા

Wednesday, July 2, 2014

રેડ ડે

આજે સ્કુલમાં "રેડ ડે" હતો. મારે પણ આજે રેડ ડ્રેસ પહેરીને સ્કુલે જવાનું હતુ. સ્કુલના ગેટમાં દાખલ થતાં પહેલા પપ્પાએ મારા કેટલાક ફોટાઓ પાડ્યા.રેડ ડ્રેસમાં હું કેવી લાગુ છું તે મને જરૂર જણાવજો. 

- તમારી જિત્વા

Sunday, June 29, 2014

ચકીબેન ચકીબેન

ગઇકાલે સાંજે હું, પપ્પા અને મમ્મી બહારથી આવ્યા ત્યારે કુતરૂ તેના મોંમા ચકલીનું બચ્ચુ લઇને જતુ હતુ. પપ્પાએ દોડીને કુતરાના મોં માંથી ચકલીના બચ્ચાને છોડાવ્યું.

મારા માટે તો આટલી નજીકથી ચકીબેનને જોવાનો આ પહેલો મોકો હતો. પછી તો બચ્ચાને મારા શુઝના બોક્ષમાં મુકીને તેને ઘરમાં મુકી દીધું.

બીજા દિવસે સવારે આ બચ્ચાની માતાને શોધવાની હતી. આથી પહેલા તો સલામત સ્થળે બોક્ષને ખુલ્લુ મુક્યું જેથી તેની માતાને તે અવાજ કરીને બોલાવી શકે અથવા તેની માતા તેને શોધતી આવે તો તે જોઇ શકે. ગણતરીના સમયમાં ચકીબેનની મમ્મી આવી ગઇ અને પહેલા તો તેણે તેને ચાંચમાં દાણા લઇને ખવડાવ્યા અને બાદમાં તેને ઉડવાની તાલીમ આપી. મા દીકરીનું મીલન થતાં જોઇને મને ખુબ આનંદની લાગણી થઇ.

આ સમગ્ર ઘટનાક્રમ જોવાની મને ખુબ જ મજા આવી. ચકીબેન માટે ગુજરાતીમાં એક સરસ કવિતા પણ છે.
આ કવિતા મારી આજના દિવસની પ્રવૃતિને બરાબર લાગુ પડે છે. વાંચો આ સરસ મજાની કવીતા.

 ચકીબેન ચકીબેન
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ બેસવાને પાટલો સૂવાને ખાટલો ઓઢવાને પીંછા આપીશ તને હું આપીશ તને ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ પહેરવાને સાડી મોરપીંછાવાળી ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને હું આપીશ તને ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ ચક ચક કરજો ચીં ચીં કરજો ખાવાને દાણા આપીશ તને હું આપીશ તને ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ બા નહિ બોલશે બાપુ નહિ વઢશે નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો.
- તમારી જિત્વા

Wednesday, June 25, 2014

ફ્રુટ ડે

આજે મારી સ્કુલમાં ફ્રુટ ડે હતો. મેં મેંગો કે ઓરેન્જ બે માંથી એક બનવાનું નક્કી કર્યું હતું. છેવટે ઓરેન્જ બનવાનું ફાઇનલ થયું.

હવે પ્રશ્ન એ હતો કે ઓરેન્જ બનાવવું કઇ રીતે. ફાઇનલી હું અને પપ્પા એક મોટો ફુગ્ગો લાવ્યા અને તેના પર લોટ, પાણી અને ફેવીકોલ દ્વારા એક લેયર લગાવ્યો તે સુકાઇ ગયો બાદમાં બીજો અને ત્યારબાદ ત્રીજો એમ પાંચથી છ લેયર બનાવ્યા અને ઉપર ઓરેન્જ પેપર લગાવ્યો.

ફુગ્ગા પર લગાવેલી આ સામગ્રી સંપુર્ણપણે સુકાઇ ગઇ બાદમાં ફુગ્ગાને ફોડી નાખ્યો આથી ગોળ ગોળો તૈયાર થઇ ગયો. જેને ઉપર અને નીચેથી રાઉન્ડ શેપમાં કટ કર્યો અને તેમાંથી બનાવી નાંખી ટોપી અને બંને બાજુથી હાથની જગ્યા બનાવી. લો હવે ઓરેન્જ થઇ ગયો તૈયાર.

અફસોસ કે ઓરેન્જનો હું આ એક જ ફોટો પાડી શકી. પરંતુ હા મારા આ ઓરેન્જને બધાએ ખુબ વખાણ્યુ અને મને પ્રાઇઝ પણ મળ્યું. તમારે પણ આવું ઓરેન્જ બનાવવું હોય તો જુઓ આ વિડીયો.

કેવો લાગ્યો આ પ્રયોગ ...??? તમારો અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં...

- તમારી જિત્વા 

Monday, June 23, 2014

દીકરી વિશેની કવિતાઓ

ગુજરાતી ભાષામાં ઘણા બધા બ્લોગ છે જેમાં દીકરી વિશે ઘણુ બધુ લખાયું છે. ભરત એલ. ચૌહાણે આ બધાનું સંકલન કરીને "દીકરી" નામે એક સરસ કાવ્યસંગ્રહ બનાવ્યો છે. જેમાં સરસ મજાની કવિતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાંચો તમે પણ આ કાવ્યસંગ્રહ...

આ કાવ્ય સંગ્રહ તમને કેવો લાગ્યો જણાવવાનું ભુલતા નહીં હો...!!! - તમારી જિત્વા સૌજન્ય : https://okanha.wordpress.com

દિકરા અને દિકરીમાં શું ફર્ક

માતાપિતાને તેનું સંતાન હંમેશા વ્હાલુ જ હોય પછી તે દિકરો હોય કે દિકરી. સામાન્ય રીતે એવું કહેવાય છે કે દિકરી પિતાને વધુ વ્હાલી હોય છે જ્યારે દિકરો માતાને. આજે દિકરા અને દિકરી વચ્ચેની એક સરખામણી હાથમાં આવી છે. વાંચો તમને પણ આ વાંચવું ગમશે.
-

- તમારી જિત્વા


Thursday, June 19, 2014

ચલો સ્કુલ ચલે હમ...

જોત જોતામાં વેકેશન ક્યાં જતુ રહ્યું તેની ખબર જ ના રહી અને આ જુઓ આજે સ્કુલ શરૂ પણ થઇ ગઇ. નવો ડ્રેસ, નવા શુઝ, નવી વોટર બોટલ અને નવું સ્કુલ બેગ....એક તરફ નવી સ્કુલમાં જવાનો આનંદ અને બીજી બાજુ આ બધી બાબતોનો....હરખ કેમનો કરવો અને ખુશી કેમ વ્યક્ત કરવી તેની મીઠી મુંઝવણ સાથે આજે એટલે કે 19-07-2014ના રોજ નારાયણ ગુરૂ પ્રાયમરી સ્કુલના પ્રાંગણમાં પગ મુક્યો.

આજે પહેલો દિવસ હોય પપ્પા અને મમ્મી પણ સાથે આવ્યા હતા. પહેલો દિવસ હોય આજે ફક્ત જરૂરી સુચનાઓ અને નાના ઇન્ટ્રોડક્શન સાથે સ્કુલ પુરી થઇ ગઇ.

- તમારી જિત્વા

Sunday, June 15, 2014

હેપ્પી ફાધર્સ ડે

જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે.મધર્સ એટલે કે માતાઓ વિશે તો ઘણું બધુ લખાય છે પરંતુ ઘરની મોભ જેવા ફાધર્સ વિશે આપણા સાહિત્યમાં બહુ ઓછું લખાયું છે. આજના આ દિવસે તમને બધાને હેપ્પી ફાધર્સ ડે.આજે આ દિવસ નિમિતે વાંચો આ સરસ મજાની સ્ટોરી.


આજે રવિવાર હોવાથી મેં તો આખો દિવસ મારા ફાધર સાથે વિતાવ્યો. સવારે ઉઠી ત્યારથી લઇને સાંજે સુતી ત્યાં સુધી ફાધર સાથે જ રહી. આજના દિવસને જોતા મને તો એમ લાગે છે કે ફાધર્સ ડેની ઉજવણી દરરોજ થવી જોઇએ.

- તમારી જિત્વા

Tuesday, June 10, 2014

મારૂ સ્ટડી ટેબલ
હવે મારે સ્કુલ શરૂ થવાને ગણતરીના દિવસોની વાર છે. આમ તો 12 તારીખે સ્કુલ શરૂ થવાની હતી પરંતુ અમદાવાદમાં પડી રહેલી ગરમીના કારણે હવે 19 તારીખે મારી સ્કુલ શરૂ થશે.

હવે એ તો સ્વાભાવીક છે કે સ્કુલ શરૂ થાય એટલે હોમવર્ક પણ કરવાનું થાય એ માટે નાનાએ મારા માટે આ સ્ટડી ટેબલ મોકલાવ્યું છે. જુઓ કેટલું સરસ છે મારૂ આ નાનકડુ સ્ટડી ટેબલ.

- તમારી જિત્વા

Saturday, May 17, 2014

મોદી મેનિયા

હું નરેન્દ્ર મોદી અને કેજરીવાલને સારી રીતે ઓળખી શકુ છું. અને તેમાં પણ નરેન્દ્ર મોદીને તો હું "મોદી" કહીને બોલાવું છું અને આજકાલ ટીવી ચેનલમાં આવતા તેના કાર્ટુન મારા ફેવરીટ છે. બહુમતીથી ચૂંટાયા બાદ ચેનલમાં આવતું તેનું કાર્ટુન "મેં તો પીએમ બન ગયા" મને બહુ ગમે છે. તમે પણ જૂઓ આ કાર્ટુન... તાજેતરની ચૂંટણીમાં કાર્ટુનનો જેવો ઉપયોગ થયો તેવો આ પહેલા ક્યારેય નહીં થયો હોય તે નક્કી છે. તમને આ કાર્ટુન કેવા લાગ્યા તે જરૂર જણાવજો. 
 
 - તમારી જિત્વા

Sunday, May 11, 2014

મેરે પાસ "મા" હૈ...


આજે મધર્સ ડે છે. લોકોના ફેસબુક અને વોટ્સ અપ એકાઉન્ટ "મા"  વિશેના મેસેજથી ઉભરાઇ રહ્યા  છે. એવું કહેવાય છે કે માતૃભૂમિ, માતૃભાષા અને "મા" નો કોઇ વિકલ્પ નથી. અમીર હોય કે ગરીબ દરેકના જીવનમાં "મા" નું એક સરખું મહત્વ છે.

સલીમ-જાવેદની જોડીએ પણ હિન્દી ફિલ્મોના બેહતરીન ડાયલોગમાંનો એક ડાયલોગ ફિલ્મ  "દિવાર"માં અમિતાભ અને શશીકપુર પાસે બોલાવ્યો હતો. સાંભળો આ ડાયલોગ."મા"  વિશે ઘણા પુસ્તકો પણ લખાયા છે પરંતુ જય વસાવડાએ "મા"  વિશે સરસ આર્ટીકલ લખ્યા છે.  વાંચો જય વસાવડાના હસ્તે લખાયેલો આ સરસ મજાનો આર્ટીકલ

જબ ભી કશ્તી મેરી સૈલાબ મેં આતી હૈ… 
મા દુઆ કરતી હુઈ ખ્વાબ મેં આતી હૈ! (મુનવ્વર રાણા)

શિયાળામાં હૂંફ આપતું ઊનનું સ્વેટર. ઉનાળામાં ઠંડક આપતું સાયલન્ટ એરકન્ડીશનર. ચોમાસામાં પલળવાથી બચાવતો રેઈનકોટ. ધૂઘવતા દરિયાની ભરત અને ઓટ. ઘૂળેટીના રંગ, સંકરાતની પતંગ, જન્માષ્ટમીની પૂરણપોળી, દિવાળીની રંગોળી, ઈદનો ચાંદ, ક્રિસ્મસનું ઝાડ. સોનેરી ઉષા, કેસરી સંઘ્યા. દિવસનું ચમકતું ગગન, રાતનો ખુલ્લો પવન. હોંઠો પર આવીને હાલરડું બનેલું ગીત, ચહેરા પર આવીને સંગીત બનેલું સ્મિત!

મમ્મી એટલે પાણિયારે વીંછળાતું ચોખ્ખું માટલું. ફ્રિજમાં મૂકાતો મેળવેલા દૂધનો દહીં બનાવવાનો છીબું ઢાંકેલો વાટકો. ગેસ પર લાઈટરમાંથી ઝબૂકી બ્લ્યુ ફ્‌લેઈમ બનતો તિખારો. થપ્પી વાળીને એકસરખા ગોઠવેલા નેપ્કીન. ફળિયામાં અથડાતી સાવરણાની સળીઓના ઘસાવાનો અવાજ. વાસણ માંજવાના પાઉડરથી પાણીની ડોલમાં બનતા મેઘધનુષી પરપોટાં. કોઠીએ ભરેલા કાંકરા વીણ્યા પછી એરંડિયાથી ચળકતા ઘઉં. કાચા રોટલા પર ઉઠેલા હાથના પંજાની છાપ. ભાખરી પર વેલણથી પડતા ખંજન જેવા ખાડા. કટકી-છૂંદાની તપેલી પર તાણીને બાંધેલું સફેદ કપડું, કપડે બાંધેલા નીતરેલા દહીંમાં ભળતો સાકર-એલચીનો ભૂકો. મુરબ્બાના ફીંડવા પર તજની બાજુમાં જ ચોંટેલો કેસરનો તાંતણો. ગરમ-ઘી ગોળવાળી સુખડીઓ માટે બાઉલમાં ફરતો તવેથો.

મમ્મી એટલે અગાસીએ સૂકવેલી વેફરની હસ્તપ્રત જેવી ડિઝાઈન. કબાટમાં મુકેલા કપડામાંથી આવતી પેલી નેપ્થાલીનની ગોળીની વિશિષ્ટ ગંધ. પૂજામાં પડેલી અગરબત્તીની સુગંધ સાથે જુગલબંધી કરતી પીત્તળની ટકોરી. તાંબાની લોટી જેવા રંગની માળાના ફરતા મણકા. સૂકા રૂને વાટ બનાવતા ઘીની સ્નિગ્ધતા. ન્હાતા ન્હાતા ચામડી પર સ્ક્રબિંગ કરવા ઘસાતું તૂટેલા નળિયાનું ગેરૂડું ઠીકરું. કાંડે ફરકતા લાલચટ્ટક પાટલા. કપાળે ચોંટાડાતા મખમલના સ્ટીકરવાળા ચાંદલા. બનાવટી મોતીના સાચાં શોભતા ઈયરિંગ પેટ પર ચોપડાતી પાણીમાં ‘ડોયેલી’ હિંગ. હળદરવાળા દૂધમાંથી નીકળતી ગરમ ઉષ્માભરી બાષ્પ. પારિજાતના વૃક્ષ પરથી ઢગલા મોઢે ખરતા સુગંધી પુષ્પ.
મમ્મી એટલે બજારમાં જમીનથી ત્રણ વેંત અઘ્ધર ચાલતી એક જાદૂઈ થેલી. જેમાંથી નીકળે કાકડી અને ફટાકડા, છાપું અને સાબુ. વીમાના પ્રિમિયમની માસિક પહોંચ. ઉંમરના થાકને લીધે ધૂંટણમાં આવતી મોચ. સફેદ થતાં વાળમાંથી આવતી રૂપેરી રોનક, ધૂઘરીવાળા પાલવમાંથી ઝીલાતી કદમોની ખનક. સમી સાંજે માળામાં પ્રવેશતા પંખીઓનો કલરવ. વહેલી સવારે નળામાંથી છૂટતાં પાણીનો ધઘૂડો. પાડોશમાં થતી પંચાત પછીની મુસ્કાન. ગોખલામાં ગોઠવેલી તસવીરોમાંથી છલકતા અરમાન. મહીનાના અંતે ચોળાયેલા રૂપિયાને ડબ્બામાં બંધ કરીને વસાતું ઢાંકણ. ફાટેલાં કપડાને સોય દોરાથી સીવી દેતું સાંધણ. કાળા આલ્બમમાં ચોંટાડેલા ધોળી કિનારવાળા ફોટા. ભીની માટીમાં ખૂંચી જતાં રંગબેરંગી લખોટા. એલ્યુમિનિયમના લંચ બોક્સની ક્લિપ બંધ કરવાનો ‘ઠક’ અવાજ. વાળનો અંબોડો વાળી ખૂણે બોરિયું ભરાવવાનો અંદાજ. પુસ્તકના પાનાઓમાં થતી લાલભૂરી અન્ડરલાઈન. બેન્કના રજીસ્ટરમાંની ચોકડી સામે થતી ઓળખાણની ગુજરાતી સાઈન.
મમ્મી એટલે લિપસ્ટિક વિનાના હોંઠે ગાલ-કપાલ પર ભરેલી ભીની બચ્ચીઓ. મમ્મી એટલે હાશ!

* * *
મમ્મી એટલે વીખરાયેલ કપડાને થતી કાળજીપૂર્વકની ગડીઓ. થાકેલા કપાળે ફરતો એક કરચલીવાળો એવો હાથ કે જેની રેખાઓના ડસ્ટરથી ટેન્શનથી ભરાયેલું બ્રેઈનબોર્ડ લૂછાતું જાય! સૂતેલા સંતાન પર ઓઢાડેલી અર્ધપારદર્શક ઓઢણીની આણ ભરીને દૂર રહેતા મચ્છરના ડંખ. વીજળીના અભાવે થતા બાફ વચ્ચે બાળકને પોઢાડવા એના હાથમાં ઝૂલતા પૂંઠાના પંખ. પડખે પોઢેલું શિશુ જાગી ન જાય, માટે ટીવી રિમોટ પરના મ્યૂટ બટન પર દબાતો અંગૂઠો. ચશ્મા ન મળે તો મેગ્નીફાઈંગ ગ્લાસના સહારે વંચાતી મેગેઝીન્સનો ખડકલો. ચોપડી પર ચડતાં પૂંઠા માટે ખૂણા કપતી કાતર. દાંતેથી ફોલેલી શેરડીની ગંડેરી કરવા ગાંઠા પર ભીંસાતી સૂડી.

મમ્મી એટલે પોતાના દીકરા-દીકરીની વગર પગારની વકીલ. એના માટે પપ્પા સામે છણકા કરતી દલીલ. મમ્મી એટલે કુટુંબના બધા ટાયરને જોડી રાખતી ચેસીસ. મમ્મી એટલે સંતાનોના ગુસ્સાનો આંચકો ખમી ખાતું સસ્પેન્શન. મમ્મી એટલે બારીમાં ઉભી ઉભી રસ્તાને તાક્યા કરતી અનંત પ્રતીક્ષા. મમ્મી એટલે બાળકના મુઠ્ઠીમાંથી ગમે તેટલા મોટા થયા પછી ન છૂટતી એક આંગળી. મમ્મી એટલે દાંત પડી ગયા પછી બોખું છતાં ય અનોખું લાગતું એક હાસ્ય, જેનાથી ભલભલા બેન્ક એકાઉન્ટનો ખાલીપો પૂરાઈ જાય છે! મમ્મી એટલે ઈમોશન ઈન મોશન. મમ્મી એટલે ફેરીટેલ્સની જાદૂઈ છડી. મમ્મી એટલે બાળકને તેડીને ભારે થઈ જતો હાથ, છતાં ય હળવું થઈ જતું હૈયુ. મમ્મી એટલે રાખ થઈએ ત્યાં સુધી હયાતીની સાખ પૂરતી કોખ અને કાખ. મમ્મી એટલે આપણા ચહેરા સાથે વણાઈ ગયેલા એના ચહેરાના અણસારા! મમ્મી એટલે અડધી રાત્રે ય આપણા કાનમાં ગૂંજતા એના અવાજમાં પોકારાતા આપણા નામના ભણકારા! મમ્મી એટલે સંજોગો સામેના મક્કમ પડકાર. મમ્મી એટલે કાળી રાતમાં ગૂંથેલા હેતના સિતારા!

મમ્મી એટલે ચૂરમાના લચપચતા લાડવાનો ગરમાવો. આપણી સાથે સાથે દુનિયાભરમાં ફરતો એક પડછાયો. બધા આંસુને ચૂસી લેતાં ‘સ્પોન્જ’ જેવો એક મમતાળુ ખોળો. કુટુંબની એક એવી વ્યકિત જેમાં કદાચ બદલાતી દુનિયા માટે એક અચરજભર્યુ ભોળપણ હોય છે, જે જવાન સંતાનને સિલી એન્ડ ફની લાગે છે. અને કુટુંબની એક એવી વ્યકિત જેની પાસે આ દુનિયાની બધી કોમ્પ્યુટર કિલકસ કામ ન કરે, ત્યારે ય કામ લાગે એવું શાણપણ પણ હોય છે! મમ્મી એટલે બાળકને સ્કૂલેથી તેડવા જતું એકિટવા. મમ્મી એટલે નાનકડાં ભૂલકાંને નવડાવી પાઉડર લગાડી પહેરાવાતા વા-વા! બાળકને કપાળે કરેલું કાજળનું ટપકું. બાળકની માંદગીમાં ગળે અટવાયેલું ડૂસકું. મમ્મી ઘોડિયાની દોરી. મમ્મી એટલે જેને કદી ન કહેવું પડે- સોરી!
મમ્મી એટલે થાકનું વિરામ. મમ્મી એટલે જીવતરનો આરામ. મમ્મીને હગ એટલે ઇશ્વરને પ્રણામ. આફતો સામે લડવાનો શ્રી-મંત્ર એટલે મમ્મીનું નામ. મમ્મી એટલે બાથી મોમ સુધીના શબ્દોનો સરવાળો, મમ્મી એટલે જેની ત્વચાનો રંગ કદીયે ન પડે કાળો! મમ્મી એટલે આપણા દુઃખોનું ફિલ્ટર. મમ્મી એટલે આપણા સુખોનું પોસ્ટર. મમ્મી એટલે આપણી ભૂલો પર ભભૂકતો ગુસ્સો. મમ્મી એટલે આપણી ગલતીઓને છાવરતો જુસ્સો. મમ્મી એટલે જે પર તોછડાઇના પ્રહાર ખમે એવી મજબૂત દીવાલ. મમ્મી એટલે જેની હાજરીમાં રડીએ તો એનું લોહી આપણા આંસુથી ખારૂં થઇ જશે એમ વિચારીને એને ફોસલાવીએ એવું સ્કર્ટ – સાડલા- જીન્સ- ગાઉનમાં વીંટાઇને ફરતું વ્હાલ!
મા એટલે ક્ષમા. મમ્મી એટલે ચુમ્મી.

* * *
મુકેશ જોશીના શબ્દો ઉધાર લઇએ તો ‘બાના ઘરમાં વેકેશન જયાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું… સુનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં… બાએ સહુના સપનાં તેડવા , બાને કોણ તેડે? ફાટેલા સાળુડાં સાથે કંઇક નીસાસા જીવે!..એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે… બા સાવ એકલા જીવે!’ મતલબ?

મમ્મી એટલે સ્વજનોની સ્ક્રિપ બ્લ્યુ ચિપ કરવામાં રોકાઇ જતું સેન્સેટિવ ઇન્વેસ્ટમેન્ટ. મમ્મી એટલે હિમાલયની થીજેલી ટોચ પર જલતા છાવણીના તાપણા જેવો સંઘર્ષ. મમ્મી પાસે શબ્દકોશ નથી હોતો. અને ધનકોશ પણ નથી હોતો. મમ્મી એટલે એની અવેજીમાં આપણને જે શરીરના કોષ આપી દે છે તે! કયારેક મમ્મી વહેલી પસાર થઇ જાય છે, કયારેક સંતાનો મમ્મીને એકલી મૂકીને પસાર થઇ જાય છે. સિલકમાં વધે છે, મિન્ટ જેવી મમ્મી. સાથેની ખટમઘુરી, મોમેન્ટસ. મમ્મી એટલે મોમેન્ટસની પીપરમિન્ટસ, મમ્મી એટલે વેનિલા પ્લસ બ્રાઉની પર રેડાતો હોટ એન્ડ સ્વીટ ચોકલેટ સોસ. મમ્મી એટલે મેંગો મિલ્કશેઇક. મમ્મી એટલે ધાવણનો ‘નાઇસ્ક્રીમ!’

મમ્મી એટલે પી.એ.! પરમેનન્ટ એટેચમેન્ટમાંથી બની જતી પર્સનલ આસિસ્ટન્ટ! મમ્મી એટલે જેની હાજરીથી અંતર કદી ન બીએ! મમ્મી એટલે પહેલી ટીચર. મમ્મી એટલે હાર્ટ પરનું ટીઅર! મમ્મી એટલે છાતીમાં કિલકારીઓ સાચવતી સૌંદર્યમૂર્તિ. મમ્મી એટલે સ્વૈચ્છિક શરણાગતિ. મમ્મી એટલે સંતાનો વતી લેવાતો નિર્ણય નહંિ, પણ સંતાનોને શીખવાડાતો નિર્ણય. મમ્મી એટલે સચ્ચાઇ અને સ્વચ્છતાની શિખામણ. મમ્મી એટલે બચપણમાં આપણને જડતી અને જીવનભર સાથ નીભાવતી આપણી આદતો. મમ્મી એટલે વારસામાં મળતો ઘાટ જ નહીં, વરસોવરસ ઠસોઠસ ટકતી ટેવોનો વારસો. મમ્મી એટલે પરાણે કરાવાતું ‘જેજે’ નહિ, પ્યારથી કહેવાતી સંસ્કૃતિની વાર્તાઓ! ભણેલી અને સાથે જ જીંદગીના પાઠ ગણેલી મમ્મી. એટલે ચાઇલ્ડની પહેલી રેફરન્સ લાયબ્રેરિયન!

મમ્મી એટલે સંતાનોના યોગ્ય પાત્ર સાથેના પ્રેમલગ્નને તોડતી નહિ, પણ જોડતી સાંકળ. મમ્મી એટલે સંતાનોના અપરાધ સામે આડે આવતો અવરોધ. મા પ્રાઇમ હો તો છોકરા-છોકરી ક્રાઇમ તરફ કયાંથી જાય? મમ્મી એટલે લવ અનલિમિટેડ. મમ્મી એટલે ડ્રીમ્સ ડિલાઇટેડ મમ્મી એટલે મમતાનું બંધન નહીં, મમ્મી એટલે સ્નેહથી સ્વતંત્રતા. મમ્મી એટલે આઝાદી અને આબાદી માટે જવાન ઉંમરે વાંસામાં પડતો વિશ્વાસનો ધબ્બો. મમ્મી એટલે હોમવર્કના લેસનની બહાર નીકળેલો એક વેરી ગુડનો સ્ટાર. મમ્મી એટલે આપણી બકબકને શોષી લેતું સાઉન્ડપ્રૂફ વોલપેપર. મમ્મી એટલે ઉપવાસનું વ્રત. મમ્મી એટલે ધીંગામસ્તીની રમત.

મમ્મી ફિલ્મ જોવાની કંપની. મમ્મી ફર્સ્ટ ગર્લ-ફ્રેન્ડ અપની. મમ્મી એટલે ઝગડયા પછી જેના હાથની રસોઇ ખાઇ, ફરી કજીયા કરી શકાય તે. મમ્મી એટલે આપણને તમાચો માર્યા પછી પોતે રડી પડે તે. મમ્મી એટલે બળાપો, મમ્મી એટલે ઝુરાપો. મમ્મી એટલે કપડાંની સાથે મનનો મેલ નીતારી દેતો ડેરિંગ ડિર્ટજન્ટ. મમ્મી એટલે સંતાનના તોફાન પર સીસીટીવી જેવી ચાંપતી નજર રાખતી ડેશિંગ સાર્જન્ટ. મમ્મી એટલે કરકસર. મમ્મી એટલે બાળકના મન પર છવાતી કાયમી અસર. મમ્મી એટલે બચત. મમ્મી એટલે પ્રેમ બિનશરત. મમ્મી એટલે જીદ્દી સખત, મમ્મી એટલે કરૂણા સતત.

મમ્મી એટલે જેને વર્ણવવામાં શબ્દો ખૂટી જાય એવું અઢી અક્ષરનું અજવાળું. મમ્મી એટલે બચ્ચાંઓના ભવિષ્યની ચિંતામાં સૂકાઇ જતું શરીર રૂપાળું. મમ્મી એટલે પપ્પાની પ્રિય સખી. મમ્મી એટલે પપ્પાની બૂઢાપાની ‘વ્હીલ’ નહિ પણ ‘દિલ’ચેર. મમ્મી એટલે યુવાન છોકરા- છોકરી અને પ્રૌઢ પ્રવૃત્ત પિતા વચ્ચે કોલ જોડી દેતું મોબાઇલ નેટવર્ક. મમ્મી એટલે જેની વિદાય – પછી પિતાની કરચલીઓમાંથી એકલતા ટીપે ટીપે ટપકતી રહે, એ કદી ન પુરાતી માર્ક વિનાની ખાલી જગ્યા. મમ્મી એટલે જેની ઢીલી પડેલી ચામડીમાં આપણી બધી જ ભૂલો સંતાવાની જગ્યા થઇ ગઇ હોય એવી એક ગમતી ગુફા. મમ્મી એટલે આપણા મધરાતના પગલાંની જાગતી પહેરેદારી. મમ્મી એટલે આપણા શ્વાસની પહેચાન. મમ્મી એટલે મોજની ખોજમાં જીવતરનો બોજ ઉપાડી કંતાઇને ઝળી જતી કાયા. મમ્મી એટલે વાત્સલ્યના ચહેરા પાછળ છુપાઇ જતી ઉદાસીની છાયા. મમ્મી એટલે પ્રિન્ટેડ પોસ્ટલ એડ્રેસ સાથે જોડાયેલી અદ્રશ્ય માયા.

મમ્મી એટલે જેને આવું કશું જ ખાસ કહી નથી શકાતું હોતું તે. મમ્મી એટલે જેને બધા જ લાડ માટે થેન્કસ કહો તો જે મુંઝાઇ જાય તે. મમ્મી એટલે ઘરમાં લાઇટ જતી રહે પછી પણ રહેતો ઉજાસ. મમ્મી એટલે આપણી પ્રાર્થનાનું ગર્ભગૃહ.
મમ્મી એટલે જે છુટી પડે પછી એકાદી કોઇ ડાળી કે લ્હેરખીમાં ય દુનિયાના કોઇપણ ખૂણે સ્મૃતિ બની સ્પર્શતી રહે એવી અનુભૂતિ. મમ્મી એટલે સપનામાં આવતું એક ખોવાઇ ગયેલું રમકડું. મમ્મી એટલે આવતીકાલના પાયામાં ચણાઇ ગયેલી ગઇ કાલ….

મમ્મી એટલે મધર્સ ડેના બહાને દુનિયાને દેખાડી શકાતું સંવેદનનું સુખ.
મમ્મી એટલે મમ્મી.
----------------------------------------------------------------------------------------
ફાસ્ટ ફોરવર્ડ :

મોં સૂઝણે, ગલી-ગલીએ છાણ વીણતી બા,
મને કાયમ.
રાતનાં ખરેલાં તારાં વીણતી પરી લાગી છે.
અઢળક બળતણ વેંચી-વેંચીને,
ટાંકા-ટેભા ભરી-ભરીને.
બા એ, અકબંધ રાખી છે, અમારી મુઠ્ઠીને.
રસોડાનું એક-એક વાસણ
બની ગયું છે, અક્ષયપાત્ર.
બા નાં બરક્તી હાથે.
એક તો અરીસામાં,
’ને બીજે બસ એની આંખમાં,
જોઈ શકુ છું હું બાની આંખ.

(ઇલિયાસ શેખની કવિતાના અંશો. ગઈ કાલે ફેસબુક પર એણે આખી કવિતા સ્ટેટ્સ રૂપે મૂકી છે, એક વર્ષ પહેલા લેખમાં એના આ અંશો લીધેલા )

(સૌજન્ય - http://planetjv.wordpress.com)


કેવી રહી આ પોસ્ટ ? તમારા પ્રતિભાવ આવકાર્ય.

- તમારી જિત્વા

Saturday, May 10, 2014

મારૂ લેપટોપ
આ ફોટાને ધ્યાનથી જૂઓ...તમને શું દેખાય છે ? શું કહ્યું...??? ચેર પર ગાદલી ગોઠવી હોય તેવું લાગે છે. અરે...!!! ના ના એવું નથી આ તો મારૂ લેપટોપ છે. આ લેપટોપમાં હું કામ પણ કરૂ છું.

પપ્પાને અને અન્ય લોકોને ઘણીવખત આ રીતે લેપટોપમાં કામ કરતાં જોઇને મને વિચાર આવ્યો કે મારી પાસે પણ એક લેપટોપ હોવું જોઇએ. અને જુઓ મેં બનાવી કાઢ્યું આ લેપટોપ. મારી નજરે મારૂ આ લેપટોપ દુનિયાના સારામાં સારા લેપટોપ બરાબર છે.

અરે...બાળપણની આ  જ તો મજા છે. ખરૂ ને..???

- તમારી જિત્વા 

Thursday, May 8, 2014

દિકરી અને કન્યાવિદાય

આજે તમને હેમાંગ નાયકની લખેલી એક સરસ મજાની કવિતા "દિકરી" સંભળાવવી છે અને બીજી કન્યા વિદાયને લઇને લખાયેલી અન્ય કેટલીક કવિતા અને તેની પંક્તિ

 "દિકરી" 


 "કન્યાવિદાય" 


કેવી લાગી આ કવિતાઓ જણાવવાનું ભુલતા નહીં હો...!!!

- તમારી જિત્વા
Sunday, May 4, 2014

સુનિધી ચૌહાણ લાઇવ ...

આજે સુનિધીને લાઇવ સાંભળવાની તક મળવાની હતી. ઘરની બહાર જવાની વાત હોવાથી હું ઉત્સાહીત હોઉં તે સ્વાભાવીક છે. નિયત સમયે કાર્યક્રમ શરૂ થયો અને સુનિધીએ તેના ઘણા પ્રસિધ્ધ ગીતોમાંના કેટલાક ગીતો ગાયા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ઉપક્રમે યોજાયેલા આ સફળ કાર્યક્રમને પ્રેક્ષકોએ મનભરીને માણ્યો.

ગીતોના શબ્દોમાં આમ તો મને બહુ ખબર ના પડી પરંતુ સ્ટેજનું લાઇટીંગ અને સંગીતના કારણે મને જોવું ગમ્યું. હું છેક સુધી શાંતીથી સુનિધીને સાંભળતી રહી.

ગઇકાલે ઓસમાન મીરનો કાર્યક્રમ હતો જેમાં પપ્પા ગયા હતા. તે પણ ખુબ જ સારો રહ્યો તેવું તેમના મોઢે મેં સાંભળ્યું હતુ. 

- તમારી જિત્વાSaturday, May 3, 2014

મારા સેલ્ફી

આજકાલ સેલ્ફીનું ચલણ છે. લોકો પોતાની જાતે મોબાઇલમાં પોતાનો ફોટો પાડે તેને સેલ્ફી કહેવાય. મોબાઇલ કાયમ લોકોને હાથવગો રહેતો હોવાના કારણે લોકોમાં દિનપ્રતિદિન સેલ્ફીનું ચલણ વધતું જાય છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ સેલ્ફીને લઇને ચર્ચામાં રહ્યા હતા.


સામાન્ય રીતે દિવસના અંતે પપ્પાનો મોબાઇલ મારા હાથમાં આવતો હોય છે ત્યારે હું મોબાઇલમાં મારે જે કંઇ ખાંખા ખોળા કરવાનો હોય તે કરી લઉં છું. એક દિવસ ખાંખા ખોળા કરતાં મારા હાથમાં મોબાઇલનો કેમેરો આવી ગયો અને જુઓ મેં કેટલા સરસ સેલ્ફી ખેંચી કાઢ્યા. મારા વિવિધ મુડને કેમેરામાં કેદ થતાં જોઇને મને પણ અલગ અલગ એક્સપ્રેશન આપવાનું મન થયું અને જુઓ આ મારા યાદગાર સેલ્ફી.

કેમ કેવા લાગ્યા મારા સેલ્ફી....પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં.

- તમારી જિત્વા