Monday, April 26, 2010

મારી રોજીંદી દિનચર્યા


તમને થતું હશે કે 2 મહિના અને 14 દિવસની આ છોકરી આખો દીવસ શું કરતી હશે? ખરૂને? તો આજે તમને જણાવું મારી દિનચર્યા વિશે. આજે હું તમને મારા સવારે ઉઠવાથી માંડીને રાત્રે સુવા સુધીનો ઘટનાક્રમ કહીશ. તો શરૂઆત કરીએ સવારથી...

હું સવારે આઠ વાગ્યા આસપાસ ઉઠું છું. હાલ મારે બ્રશ વગેરે તો કરવાનું હોતું નથી. આથી ઉઠતા વેંત રમવા માંડુ છું મને સવારે રમવું વધુ ગમે છે. આ સવારનો સમય મને બહુ ગમે છે. થોડી વાર રમ્યા બાદ પેટપૂજા કરૂ છું અને બાદમાં નાની માલીશ કરી નવડાવે છે. આટલી પ્રવૃતિ કરી લઉં ત્યાં ફરી આંખો ઘેરાવા માંડે છે.

આથી ફરી મમ્મી ઘોડીયામાં સુવડાવી દે છે. સવારે જ્યારે હું ઘોડીયામાં હોઉં ત્યારે નાના મને હિંચકાવે છે. અહીં તમને એક ખાનગી વાત કહું, "આમ તો જરૂર નથી હોતી પરંતુ હું ઉઠી જઇશ તેવા ભય હેઠળ નાના સતત મને હિંચકાવતા રહે છે"

હવે નાના આટલું સરસ હિંચકાવતા હોય તો પછી ઉઠવાનું મન ના થાય તે સ્વાભાવિક છે. આથી એક દોઢ કલાકના આરામ બાદ હું ઉઠું છું અને થોડી પેટપૂજા કર્યા બાદ રમવાનું. એટલું જ નહીં બપોરે નાના જ્યારે ન્યૂઝ જોતા હોય ત્યારે હું પણ થોડી વાર ટીવી જોઇ લઉં છું.

બપોરે એક - બે વાગ્યે ફરી ઊંઘી જાવ તે છેક બે - ત્રણ કલાક બાદ પાંચ વાગ્યા આસપાસ ઉઠું છે. બપોરે તો ક્યારેક ત્રણ કલાક સળંગ પણ ઊંઘ ખેંચી કાઢું છું. બપોરની ઊંઘ પુરી થાય પછી પેટપૂજા કરીને રમું છું ત્યાં છ, સાડા છ વાગી જાય છે. આ સમયે જો બહાર ઠંડક થઇ ગઇ હોય તો નાની મને થોડી વાર બહાર લઇને બેસે છે.

સાંજે સાત - આઠ વાગ્યાથી લઇને રાતના અગ્યાર, બાર વાગ્યા સુધી મારો મુકામ હોય છે. ભરતમામાના ઘરે. આ સમય દરમ્યાન તેમના કંપાઉન્ડમાં આવેલો હિંચકોએ મારૂ સિંહાસન હોય છે અને મારી સામે બધા ખાટલા અને ખુરશીમાં બેઠા હોય છે. આ હિંચકા ઉપર મામાએ એક વ્હાઇટ લેમ્પ લગાવ્યો છે. આ લેમ્પમાં મને ઘણો પસંદ છે આથી હું વારંવાર તેના તરફ જોયા કરુ છું.

આ હિંચકા પરજ હું થોડી વાર ઊંઘ ખેંચી લઉં અને થોડી વાર રમી લઉં છું. અને સાંજે જ્યારે હું સુતી હોઉં ત્યારે મમ્મી અહીંથી મને ઘરે લઇ જાય છે. આમ મારો આખો દીવસ રમવામાં અને ઊંઘ કરવામાં વિતી જાય છે. આ પોસ્ટની સાથે મારો તાજેતરનો એક વીડીયો પણ છે.

- તમારી જિત્વા

No comments:

Post a Comment