Sunday, March 28, 2010

મારી પહેલી નગરયાત્રા




આજે મારે કેટલીક રસીઓ લેવાની હોવાથી હું તો સવારે જ વહેલી ઉઠી ગઇ હતી અને નાનીએ મને નવડાવીને નવા કપડા પહેરાવીને તૈયાર કરી દીધી હતી. ઘરની બહાર ભરતમામા કાર લઇને અમારી રાહ જોઇ રહ્યા હતા આથી હું, મમ્મી અને નાની ઝટપટ તૈયાર થઇને કારમાં ગોઠવાઇ ગયા હતા. હું મમ્મી સાથે આગળની સીટ પર બેઠી હતી.

આજે હું બીજી વખત દવાખાને જઇ રહી હતી. અને આ નગરદર્શનનો અનુભવ પણ મારા માટે નવો હતો. અત્યાર સુધી ઘર અને ચાર દિવાલો જોવા ટેવાયેલી મારી આંખો માટે આ બધા દ્રશ્યો નવા હતા. મને અલગ અલગ લોકો, પ્રાણીઓ, વાહનો, દુકાનો, રસ્તાઓ જોવાની ખુબ મજા પડી ગઇ હતી. કારની આગળની સીટમાં બેઠી બેઠી ટગર ટગર હું આ દુનિયાને નિહાળી રહી હતી.

પરંતુ થોડી વારમાં જ અમે કેશોદમાં આવેલા બાળ રોગ નિષ્ણાત ડો. સંદીપ કથીરીયાના દવાખાના પર પહોંચી ગયા. થોડી વાર વેઇટીંગ રૂમમાં પસાર કરી ત્યાં વારો પણ આવી ગયો. ડોકટરે મારી તંદુરસ્તી તપાસી અને મને મગજના તાવની, ઝેરી કમળાની, ત્રીગુણી અને પોલીયોની રસી આપી. ઇન્જેક્શન લેતા સમયે હું મોટે મોટેથી રડી હતી.

સામાન્ય રીતે અન્ય બાળકોને આ રસી લીધા પછી તાવ આવી જતો હોય છે પરંતુ મને આવી કોઇ ખાસ તકલીફ થઇ નથી. મારી પહેલી નગરયાત્રા ખુબ આનંદદાયક રહી અને મને ખુબ મજા આવી.

- તમારી જિત્વા

No comments:

Post a Comment