Sunday, March 21, 2010
મારા નામની નામાયણ
મારો જન્મ થયો કે તરત જ મારૂ નામ શું રાખવું તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. મારી રાશી છે મકર એટલે કે ખ અને જ. પરિવારના ગોરમહારાજ ચંદુબાપાએ શારદા બા(મારા દાદી)ને કહ્યું કે જન્મ સમયના નક્ષત્રને જોતા ભ પરથી પણ નામ રાખી શકાય.
ટુંકમાં ખ, જ અને ભ પરથી મારૂ નામ પાડવાનું હતું. બધાનું કહેવું હતું કે રાશી પરથી જ નામ પાડીએ તો સારૂ આથી હવે ખ અને જ પરથી જ નામ પાડવાનું હતું તે ફાઇનલ હતું.
થોડા દિવસ ગયા નામની શોધખોળમાં એ સમય દરમ્યાન દાદા, દાદી અને નાના, નાની પાસે તો જે કોઇ નામ આવે તે તેમને ગમી જતું હતું પરંતુ કોઇ નામ પપ્પા, મમ્મીને ગમતું નહોંતું. અને આમને આમ મહિનો વિત્યો....કોઇ મને જીયા કહેતું હતું તો કોઇ જમકુ.
પપ્પા કહેતા હતા કે મારૂ નામ શોધવામાં પપ્પાના વડિલ મિત્ર બિપીનભાઇ પટેલ, અજય કાકા, ડોલીકાકી અને ડીડી કાકા, વિભા માસીએ બહુ મહેનત કરેલી.
બિપીનકાકાએ તેમના મિત્ર વર્તૃળમાં ફોન કરીને નામોની યાદી તૈયાર કરી હતી તો, ડીડી કાકા ક્યાંકથી આખી ચોપડી લાવ્યા હતા અને ઘરે આવીનો જોયું તો તેમાં મારી રાશીના પાના જ ફાટેલા હતા. તો અજયકાકા અને ડોલીકાકીએ વિવિધ વેબસાઇટો ફેંદી નાખી. અને પપ્પાએ લાઇબ્રેરીનો મોરચો સંભાળ્યો હતો.
આ મહિનાના દરમ્યાન એક દિવસ પપ્પાએ લાઇબ્રેરીમાં જઇને નામ શોધ્યું જિત્વા એટલે કે જીતીને આવેલું કે હરાવીને આવેલું આ નામના એક ઋષિ પણ હતા. ફઇ, દાદા, દાદિ, અદા, મોટી મમ્મી, નાના, નાની, મામા, પપ્પા અને મમ્મી બધાને આ નામ ગમ્યુ અને મારૂ નામ રાખવામાં આવ્યું જિત્વા.
- તમારી જિત્વા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment