Saturday, December 24, 2011

ઢીંગલી માંદી પડી



હાલ મને જરા શરદી-ઉધરસ થઇ ગયા છે. અને બે દિવસ પહેલા જરા તાવ પણ આવી ગયો હતો. જો કે આજે મને સારૂ લાગી રહ્યું છે. હું 16 તારીખથી લઇને 22 તારીખ સૂધી ની દાદા અને નાનાના ઘરે ગઇ હતી. આથી કદાચ વાતાવરણ બદલવાના કારણે પણ આવું થયું હોય તેમ પણ બને.

આજે મને ભરત ચૌહાણના બ્લોગ www.okanha.wordpress.com નામના બ્લોગ પરથી એક સરસ કવિતા મળી છે. આ કવિતા કંઇક અંશે મારી હાલની તબિયતને પણ લાગુ પડે છે.


ઢીંગલી માંદી પડી

માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.

ખાટલામાં સૂવું એને ગમતું નથી,
સખી સાથે રમવા જવાતું નથી.

માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.

દવા તો પીવી એને ગમતી નથી,
ઈન્જેક્ષન લેવા એને ગમતાં નથી.

માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.

ભેળપૂરી ને આઈસક્રીમ ખવાતો નથી,
થમ્સઅપ તો બિલકુલ પીવાતી નથી.

માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.

- તમારી જિત્વા

Wednesday, December 21, 2011

પુત્રીને અણમોલ સલાહ...



(અપની બેટી જોયા કે નામ)

યે જીવન એક રાહ નહીં
એક દોરાહા હૈ
પહલા રસ્તા
બહુત સહલ હૈ
ઈસ મેં કોઈ મોડ નહીં હૈ
યે રસ્તા
ઈસ દુનિયા સે બેજોડ નહીં હૈ
ઈસ રસ્તો પર મિલતે હૈં
રીતોં કે આંગન
ઈસ રસ્તે પર મિલતે હૈં
રિશ્તોં કે બંધન
ઈસ રસ્તે પર ચલનેવાલે
કહને કો સબ સુખ પાતે હૈં
લેકિન
ટુકડે ટુકડે હોકર
સબ રિશ્તોં મેં બંટ જાતે હૈં
અપને પલ્લે કુછ નહીં બચતા
બચતી હૈ
બેનામ સી ઉલઝન
બચતા હૈ
સાંસો કા ઇંધન
જિસમેં ઉનકી અપની હર પહચાન
ઔર ઉનકે સારે સપને
જલ બુઝતે હૈં
ઈસ રસ્તે પર ચલનેવાલે
ખુદકો ખોકર જગ પાતે હૈં
ઉપર ઉપર તો જીતે હૈં
અંદર-અંદર મર જાતે હૈ.
દૂસરા રાસ્તા
બહુત કઠિન હૈ
ઈસ રસ્તે મેં
કોઈ કિસી કે સાથ નહીં હૈ
કોઈ સહારા દેનેવાલા હાથ નહીં હૈ
ઈસ રસ્તે મેં
ઘૂપ હૈ
કોઈ છાંવ નહીં હૈ
જહાં તસલ્લી ભીખ મેં દેદે કોઈ કિસી કો
ઈસ રસ્તે મેં
ઐસા કોઈ ગાંવ નહીં હૈ
યે ઉન લોગોં કા રાસ્તા હૈ
જો ખુદ અપને તક જાતે હૈં
અપને આપકો જો પાતે હૈં
તુમ ઈસ રસ્તે પર હી ચલના.
મુઝે પતા હૈ
યે રસ્તા આસાન નહીં હૈ
લેકિન મુઝકો યે ગમ ભી હૈ
તુમકો અબ તક
કયૂં અપની પહચાન નહીં હૈ. - જાવેદ અખ્તર

જાવેદ અખ્તર ઉર્દૂ શાયર જાં નિસાર અખ્તરના પુત્ર છે, જાવેદ એક પિતા બન્યા પછી પુત્રી જોયાને ઉદ્દેશીને નઝમ લખે છે.

દરેક પિતાને તેના વ્હાલા સંતાનોને કંઈક કહેવું હોય છે. કોઈક ઉપદેશ આપવો હોય છે. એ ટોક-ટોક કરવા માટેની નિષ્ઠુર શિખામણ નથી હોતી, એ તો પૂરેપૂરી કાળજી સાથે કહેવાયેલો જીવનનો નિચોડ હોય છે. સંઘર્ષ ભોગવીને ઝઝૂમીને આગળ આવેલો પિતા પોતાની પુત્રીને કેવી શિખામણ આપે છે તેનું આ કાવ્ય છે.

જીવન એક રસ્તો નથી. જીવન તો બે રસ્તા ઉપર ઉભેલું ‘દોરાહા’ છે. એક રસ્તો બહુ સહેલો છે, સીધો છે, સરળ છે, કોઈ વળાંક નથી. એ રસ્તા ઉપર રીત-ભાતનું આંગણું છે. એ રસ્તે ચાલનારા બધા જ પ્રકારના સુખ પામે છે પણ દરેક સંબંધમાં ટૂકડા-ટૂકડામાં વહેંચાઈ ગયેલા હોય છે.

અનેક સંબંધોના ટૂકડાઓમાં વહેંચાયેલો માણસ પોતાના ભાગમાં તો જરાય બચતો જ નથી. પોતાના ભાગ્યમાં તો બચેલી હોય છે નામ આપ્યા વગરની મૂંઝવણો, સળગતા શ્વાસો જેની ઉપર જીંદગીની બધી જ ઓળખાણો અને સપનાઓ સળગીને રાખ થઈ જતા હોય છે.

દુનિયાના આ રસ્તે ચાલનારાઓ પોતાને ખોઈને આ સંસારને અને દુનિયાને પામતા હોય છે. ઉપર-ઉપરથી જીવતા હોય છે. સાવ ઉપરછલ્લું જીવતા હોય છે. અંદરથી મરી ગયેલા હોય છે.

બીજો રસ્તો ઘણો અઘરો છે. એ રસ્તે કોઈ કોઈની સાથે હોતું નથી. કોઈ સહારો આપનાર હોતું નથી. એ રસ્તે તડકો જ હોય છે કોઈ છાંયડો નથી હોતો. આ રસ્તે કોઈ એવું ગામ હોતું નથી જે ગામમાં કોઈ તમને દિલાસામય ભીખ આપે. જાવેદ કહે છે હે દીકરી આ રસ્તો એ લોકોનો છે જે લોકો પોતાના સુધી પહોંચે છે. જે પોતે પોતાને પામી જાય છે. તું આ જ રસ્તા પર ચાલજે.

મને ખબર છે આ રસ્તો સરળ નથી પણ મને એ દુઃખ છે કે તને હજુ સુધી તું કોણ છે તેની તને ઓળખ નથી થઈ? મા-બાપ જાણતા હોય છે કે તેનું બાળક કેટલું કીંમતી છે. દુનિયાદારીમાં કોઈ હોદ્દાઓ મેળવવા કરતાં પોતાની જાતને ઓળખવી એ બહુ મોટી ઘટના છે. જીંદગીના માટે એ જ પરમસત્ય છે.

- તમારી જિત્વા

(સૌજન્ય: ગુજરાત સમાચાર (શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન')(સહયોગ : કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ)

Wednesday, December 14, 2011

મારો ક્યુઆર કોડ અને બિઝનેસ કાર્ડ

આજે મેં પણ મારો ક્યુઆર કોડ (ક્વિક રીસ્પોન્સ કોડ) બનાવી લીધો, એટલું જ નહીં મેં તો ક્યુઆર કોડ સાથેનું બિઝનેસ કાર્ડ પણ બનાવી કાઢ્યું છે. તમને વિચાર આવતો હશે કે આ છોકરીને આવો વિચાર કેમનો આવ્યો ?

હમણા હમણાથી કેટલીક જાહેરાતોમાં આ કોડ જોતી હતી જે જોઇને મને પણ નવાઇ લાગતી હતી કે આ શું છે ? આજે સમય મળ્યે મેં ગુગલગુરૂને આ પ્રશ્ન પુછી નાખ્યો અને થોડા ખાંખાખોળા કરતાં જ્ઞાનની એક નવી દીશા ખુલી ગઇ.




કેમ ગમ્યુંને મારૂ કાર્ડ ? હવે આ ક્યુઆર કોડ વીશેની થોડી માહિતી તમારી સાથે શેર કરી લઉં.ક્યુઆર કોડ એ તમે પુરી પાડેલી માહિતીના આધારે એક કોડ જનરેટ કરે છે. મોબાઇલમાં રહેલા ક્યુઆર કોડ રીડરની મદદથી તેને વાંચી શકાય છે અને સહેલાયથી આ કોડમાં રહેલી માહિતીને મોબાઇલમાં સેવ કરી શકાય છે.

તમારી પાસે પણ આવી કોઇ માહિતી હોય તો મને જરૂર જણાવજો હો...

Thursday, December 8, 2011

મારી અને પપ્પાની પસંદ

આજકાલ ટીવી પર ગોઇન્ડીગો એરલાઇન્સની એડ આવે છે. તેમાં શું બોલે છે તે તો કંઇ સમજાતું નથી પરંતુ તેનું મ્યુઝીક અને થીમ મજાની છે. ખરેખર આ એડ એટલી મજાની છે કે પ્રોડક્ટ પર હાવી થઇ જાય છે. એટલે કે એડ જોયા પછી એડની અસર તમારા દીલો દીમાગ પર એવી છવાય જાય કે તેમાં પ્રોડક્ટ ભુલાઇ જાય.

જો કે મેં તો વારંવાર આ એડ જોય છે માટે મને ખબર છે કે આ ગોઇન્ડિગો એરલાઇન્સની એડ છે. આ એડ મારી જેમ પપ્પાને પણ બહુ જ ગમે છે અમે બન્ને જ્યારે આ એડ આવે ત્યારે જોવાનું ચુકતા નથી. હું તો આ એડ આવતાની સાથે જ ડાન્સ કરવા લાગુ છું. પરંતુ કેવો ડાન્સ કરૂ છું તે ફરી ક્યારેક.

- તમારી જિત્વા

Saturday, December 3, 2011

મમ્મી V/S. અમ્મા

એવું કહેવાય છે કે એક ચિત્ર 100 શબ્દોની ગરજ સારે છે. માટે આજે બીજુ કંઇ નથી કહેવું પરંતુ પોસ્ટ સાથે આ એક ફોટો મુકું છું જે ઘણું બધુ કહી જાય છે.



- તમારી જિત્વા

Friday, December 2, 2011

જાદુઇ બોલ

આ પોસ્ટ સાથે આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ તમને એવું લાગશે કે બોલ ગોળ ગોળ ફરી રહ્યા છે. પરંતુ હવે તમે કોઇ એક બોલ પર ધ્યાન કેન્દ્રીત કરો તમને લાગશે કે ના બોલ તો તેની જગ્યાએ સ્થીર જ છે. હકિકતે બોલ તેની જગ્યાએ સ્થીર જ છે તમને તે ફરતો લાગે છે તે તમારો દ્રષ્ટિભ્રમ છે.

કેમ મજા પડી ગઇ ને... ! તમારી પાસે પણ આવું કંઇ હોય તો મને મોકલાવજો, અને હા આ જાદુઇ બોલ તમને કેવો લાગ્યો તે જણાવવાનું ભુલતા નહીં હો ?

- તમારી જિત્વા

Saturday, November 19, 2011

પર્સ ખભામાં લટકાવાય કે ગળામાં ?

આજે જેવા બહારથી ઘરમાં આવ્યા કે મમ્મીનું પર્સ મારા હાથમાં આવી ગયું. મેં તો પર્સને ગળામાં લટકાવીને  ફરી "ટાટા" જવાની તૈયારી કરવા માંડી. પણ, બહાર એમને એમ થો઼ડું જવાય ? તે માટે સામાન તો સાથે જોઇએ ને ?

મેં સામાનના ભાગરૂપે મારા રમકડાઓ પર્સમાં નાખવા માંડ્યા અને જુઓ હવે હું તૈયાર થઇ ગઇ છું "ટાટા" જવા માટે.








- તમારી જિત્વા

Friday, November 18, 2011

પપ્પા, ભુ આપોને....




કાલે રાત્રે પપ્પા ઓફીસથી આવ્યા ત્યાર હું ઘરમાં રમતી હતી જેવો મેં વ્હીકલનો અવાજ સાંભળ્યો કે હું ઉભી થઇ ગઇ અને "પપ્પા" બોલી. અને પછી તો પુછવું જ શું પપ્પાએ મને વ્હાલથી તેડી લીધી અને એમના આગ્રહ બાદ હું ફરી એક-બે વખત આ શબ્દ બોલી.

"પપ્પા" આ એ શબ્દ છે જે, પપ્પા મારા જન્મથી મારા મોંથી સાંભળવા માગતા હતા. પપ્પાના ઘરે આવ્યા પછી તો હું તેમની સાથે કિચનમાં ગઇ અને મારે પાણી પીવું હતું તો મેં તેમને કહ્યું પણ ખરૂ કે... "પપ્પા, ભુ આપોને".

હવે, મને પપ્પા, મમ્મા અને મામા બોલતા આવ઼ડી ગયું છે. અને બાકી તો જ્યારે મારો મુડ હોય અને મને ટાઇમ મળે ત્યારે બોલવાની પ્રેક્ટીશ કરતી રહું છું. આશા રાખું છું કે તમારી જેમ હું પણ ટુંક સમયમાં બોલતા શીખી જઇશ.

- તમારી જિત્વા

Saturday, October 8, 2011

મને ગમતી જાહેરખબરો

આજે કોઇપણ વસ્તુ વેચવા કે બ્રાન્ડીંગ માટે જાહેરાત કરવી જરૂરી છે. છાપામાં અને ટીવી પર આજે સંખ્યાબંધ જાહેરાતો આવે છે. છાપાની જાહેરાતોમાં તો ફોટા સીવાય મારા માટે કંઇ અગત્યનું હોતું નથી સીવાય કે બોર્નવીટા કે ચોકલેટ જોવા મળે તો હું પપ્પા-મમ્મીને તે બતાવતી હોઉં છું.

ટીવી પર આવતી જાહેરાતોમાં કેટલીક જાહેરાતો મારી પંસદગીની છે અને ટીવીની નજીક હોંઉ ત્યારે તે જોવાનું હું ચુકતી નથી. અને જ્યાં સુધી આ જાહેરાત પુરી ન થાય ત્યાં સુધી હું ટીવી સામેથી દૂર ખસતી નથી. આ પોસ્ટ સાથે આ જાહેરાતોનું લિસ્ટ પણ આપ્યું છે જુઓ કદાચ કોઇ જાહેરાત તમને પણ ગમતી હોય...







તમને પણ આ જાહેરખબરો ગમી કે નહીં...? તમારો પ્રતિભાવ જરૂર આપજો હો...?

- તમારી જિત્વા

Thursday, October 6, 2011

મને સિંઘમ જોવા દો...




અજય દેવગન અભિનીત રોહિત શેટ્ટીની આ ફિલ્મ આજકાલ ભારે ચર્ચામાં છે. જ્યાં જુઓ ત્યાં તેના ગીતો વાગતા હોય અને એની વાતો થતી હોય છે. આજે ઘરે મામા પણ લેપટોપ પર "સિંધમ" જોઇ રહ્યા હતા ત્યારે મેં પણ આ ફિલ્મ જોવાની તક ઝડપી લીધી.

અહીં "સિંધમ" ફિલ્મ જેટલી જ મહત્વની તે જોવાની મારી સ્ટાઇલ છે.

- તમારી જિત્વા

Wednesday, September 28, 2011

બા મને વાર્તા કરો ને ???






હમણાં બા આવ્યા છે મને રમાડવા અને એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે. બા ના આગમન સાથે જ મને તો મજા પડી જાય, કારણ કે બા મને બહાર આંટો મારવા લઇ જાય અને મને હાલરડાં પણ સંભળાવે.

આજકાલ સવાર સવારમાં બા જ્યારે તેના ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતાં હોય ત્યારે હું પહોંચી જાવ તેમની પાસે અને મારી સાંકેતીક ભાષામાં બુક બતાવીને તેમને કહું કે બા મને વાર્તા કરો ને ?

મારી જીદને માન આપીને બા તેમનું વાંચવાનું પડતું મુકીને મને પુસ્તકમાંથી કાનાની અને યશોદા માતાની વાર્તા કરે અને ચિત્ર દ્વારા મને સમજાવે પણ. આ વાર્તા સાંભળ્યા બાદ મને કેવી મજા આવતી હશે તે તમે આ ફોટામાં જોઇ શકો છો.

- તમારી જિત્વા

Sunday, September 25, 2011

ડોટર્સ ડેની ગિફ્ટ






આજે સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવીવાર એટલે કે ડોટર્સ ડે છે. (જો કે ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે મે મહિનાનો બીજો રવિવાર એટલે કે 8 મેના રોજ ડોટર્સ ડે હતો.) આજે ડોટર્સ ડે નિમિતે પપ્પા મારા માટે ગિફ્ટ લાવ્યા હતી અને ગિફ્ટ પણ કેવી કે જેની હું છેલ્લા થોડા સમયથી અપેક્ષા રાખતી હતી.

પપ્પા ડોટર્સ ડે ના આગલા દિવસે જ મારા માટે એબીસીડી અને નંબર્સની પિક્ચર સાથેની બુક લાવ્યા છે. મને તો પપ્પાએ આપેલી આ ગિફ્ટ એટલી ગમીકે હું તો એક-બે દિવસ તેને સાથે લઇને જ ઉંધતી હતી.

આ ફોટાઓમાં પણ તમે જુઓ ગિફ્ટ મળ્યાનો આનંદ તમે મારા ચહેરા પર જોઇ શકો છો.


- તમારી જિત્વા

Wednesday, September 21, 2011

આ હાર મને કેવો લાગે ?




આજે મમ્મીના હાથમાં આ હાર જોતા જ મને તે ગમી ગયો. અને તેમાં પણ મમ્મીએ તે મારા ગળામાં પહેરાવી દીધો પછી તો જોઇએ જ શું ?

આ હાર પહેર્યા બાદ મેં તો ફક્ત નાચવાનું જ બાકી રાખ્યું. તમે જ આ ફોટાઓ જોઇને કહો આ હાર મને કેવો લાગે ?

- તમારી જિત્વા

Tuesday, September 20, 2011

લેપટોપ કામનું કે ખોખું











મામા આજે નવું લેપટોપ લાવ્યા, આથી તેઓ લેપટોપના ફંક્શન સમજવામાં પડ્યા હતા પરંતુ મને લેપટોપ કરતાં પણ વધુ રસ પડ્યો તેના ખોખામાં. લેપટોપનું ખોખું ખોલીને મેં તેમાં બેસવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં મને પુરતી સફળતા ન મળી આથી છેવટે હું તેના પર ઉભી રહી અને ખોખાની મજબુતી ચકાસી.

આનંદ તો આપણી અંદર પડેલો હોય છે જો શોધતા આવડે તો....લેપટોપના ખોખામાં પણ તે મળી આવે ખરી વાત ને ???

- તમારી જિત્વા

Monday, September 12, 2011

નવરાત્રી પહેલાની તૈયારી

હવે નવરાત્રી શરૂ થવાની થોડી જ વાર છે. ચારે તરફ ડાંડીયા રાસના ક્લાસ શરૂ થઇ ગયા છે અને ટીવી પર અવનવા ગરબા જોવા મળી રહ્યા છે. મેં પણ નવરાત્રીની પ્રેક્ટીસ શરૂ કરી દીધી છે. આજે ટીવી પર ગરબો આવતો હતો કે મુંબઇથી ગાડી આવી રે....આ ગરબો સાંભળીને હું એટલી ખુશ થઇ ગઇ કે જેની તમે કલ્પના ના કરી શકો.

મારી ખુશીનો અંદાજ લગાવવા માટે તમારે આ વીડીયો જોવો રહ્યો. પહેલા વીડીયોમાં મારો અવાજ છે જ્યારે બીજા વીડીયોમાં ગરબો સાથેનો મારો ડાન્સ. જોઇને કહેજો કે નવરાત્રીની મારી તૈયારીમાં કોઇ કમી તો નથી રહી જતી ને ?



Video with Original sound




Video with Soundtrack




- તમારી જિત્વા

Saturday, September 10, 2011

મારી નવી જગ્યા




આજકાલ ઘરમાં બેસવા માટે મેં એક નવી જગ્યા શોધી કાઢી છે અને એ છે ડ્રેસીંગ ટેબલ. મારી ચેર પર બેસવાની મને હવે બહુ મજા નથી ત્યારે આ નવી જગ્યાએ બેસવાથી મને થોડા રોમાંચ જેવું લાગે છે. 

તેમાં પણ પપ્પા કે મમ્મી એવું કહે કે બેટા ત્યાં ન બેસાય ત્યારે તો મને બહુ મજા આવે અને હું બાદશાહી ઠાઠમાં બેસીને તેમની સામે જોઉ છુ. અહીં બેસવાના મારી દ્ર્ષ્ટ્રીએ બે ફાયદા છે એક તો મારી સાહસવૃતિ સંતોષાય છે અને બીજુ કંઇ સર્જનાત્મક કર્યાનો આનંદ પણ મળે છે.

- તમારી જિત્વા

Friday, September 9, 2011

લાવો તમને તૈયાર કરી દઉં ?




મેકઅપ કરવો તો કોને કરવો ન ગમે ? મને પણ મેકઅપ કરવો બહુ ગમે છે. મમ્મીના મોંથી મેં એક વાક્ય બહુ સાંભળ્યું છે લાવ તને તૈયાર કરી દઉં.

આજે રાત્રે પપ્પા જમીને ટીવી જોવા બેઠા હતા ત્યારે મને થયું લાવ પપ્પાને તૈયાર કરી દઉં. હું તો ડ્રેસીંગ ટેબલમાંથી પફ અને પાવડર લાવી અને પપ્પાના ખોળામાં બેસીને માંડી પપ્પાને તૈયાર કરવા. આ ફોટાઓમાં જુઓ મેં પપ્પાને કેવા સરસ તૈયાર કરી દીધા.

- તમારી જિત્વા

Saturday, September 3, 2011

મોર્ડન આર્ટ

હાલના દિવસોમાં હું મારી કલાના વ્યાપને વધારી રહી છું. અત્યાર સુધી અનેકવીધ વિષયો પર હાથ અજમાવ્યા બાદ હાલમાં હું ચિત્રકલામાં ધ્યાન આપી રહી છું. મેં હાલમાં દોરેલા ચિત્રકલાના કેટલાક નમુનાઓ આ પોસ્ટમાં મુક્યા છે.



આગળ ઉપર પણ પપ્પા-મમ્મીની નજર ચુકાવીને કલાના વ્યાપને વધારવાનો અવસર મળશે તો તમને હજુ કેટલાક ચિત્રો કે હાલમાં લોકો જેને મોર્ડન આર્ટ તરીકે ઓળખે છે તે જોવા મળશે.

આ પહેલા પણ મેં ચોકલેટ દ્વારા ચિત્રો દોરવાનો પ્રયત્ન કરેલો જુઓ પોસ્ટ : ચોકલેટ દ્વારા ચિત્રકારી

તમને મારી આ ચિત્રકલા કેવી લાગી તે મને જરૂર જણાવજો જેથી મારી અંદર રહેલા કલાકારને પ્રોત્સાહન મળી રહે.

- તમારી જિત્વા

( નોંધ : દિવાલો પર મારી આ કલા જોયા પછી  તકેદારીના ભાગરૂપે પપ્પા-મમ્મી પેન, સ્કેચપેન, પેન્સીલ જેવી વસ્તુઓ મારી પહોંચની બહાર રાખે છે. )