Monday, November 22, 2010

થાબડીનો સ્વાદ




મને પપ્પાની જેમ મીઠું બહુ ભાવે છે. મમ્મી મને રોજ બપોરે દાળભાત, રાત્રે ખીચડી અને દૂધ ખવડાવે છે. અને વચ્ચેના સમયે સફરજન. પરંતુ ક્યારેક ચેન્જ તો જોઇએ કે નહીં ?

હાલના સમયમાં હું નાનાના ઘરે છું અને મામા બહારથી થાબડી લાવ્યા હતા માટે આજે મેં આ થાબડી આરોગવાનું નક્કી કર્યું.

મને તો આ થાબડીનો સ્વાદ બહુ ગમ્યો અને મમ્મીએ થાબડી ખવડાવવાનું બંધ ન કર્યું ત્યાં સુધી મેં થાબડી આરોગવાનું ચાલુ રાખ્યું હતું. અહીં આપેલા ફોટાઓમાં પણ તમે મારા ચહેરા પરનો આનંદ જોઇ શકો છો.

- તમારી જિત્વા

Wednesday, November 17, 2010

Live From Mama's House



હાલના દિવસોમાં હું મામાના ઘરે છું. ખુશી દીદીને પણ હાલ દિવાળીની રજાઓ હોવાથી તે પણ વિભા માસી સાથે અહીં આંટો દેવા આવ્યા છે. આજકાલ વાસુમામા અને ખુશી દીદી વચ્ચે મને રમાડવાને લઇને ક્યારેક મીઠો ઝઘડો પણ થાય છે.

શરૂઆતમાં તો હું કોઇની પાસે જતી નહોંતી પરંતુ હવે હું બધા પાસે જાવ છું અને નાના અને મામા સાથે તો બહાર આંટો મારવા પણ જાવ છું. અહીં મને હિંચકા પર હિંચકવાની પણ બહુ મજા આવે છે. નાની અને ભરતમામા મને હિંચકા પર ઝુલાવે છે.

અહીં બાળરોગ નિષ્ણાત પાસે મારે એક રોગપ્રતિકારક રસી મુકાવવાની હતી તે પણ હું શનિવારે મુકાવી આવી છું. અહીં મારૂ વજન પણ કરવામાં આવ્યું હતું. હવે આઠ કિલોમાં ફક્ત 200 ગ્રામ વજન ઓછું છે.

એક ખાનગી વાત કહું તો મમ્મીનું અંગતપણે એવું માનવું છે કે હમણાથી મારી દિવસની ઊંઘ ઓછી થઇ ગઇ છે. અને મારા તોફાન પહેલા કરતાં વધી ગયા છે.

અરે હા, તમને એક અગત્યની વાત કહેવાની છે કે મારે ઉપરના પણ બે દાંત આવી ગયા છે આમ હવે મારા મોઢામાં બે નીચેના અને બે ઉપરના મળીને કુલ ચાર દાંત છે. ચાલો તમે આગળની પોસ્ટ વાંચો હું ચાલી નાની પાસે હિંચકા ખાવા....

- તમારી જિત્વા

Saturday, November 13, 2010

Say Sorry, My Son!




આજે ફરી એક વખત મારે તમારી સાથે રઇશ મણીયારની એક કવિતા શેર કરવી છે. આ કવિતા અત્યારની વર્તમાન શીક્ષણ પદ્ધતિ પર કટાક્ષ સમાન છે.

અત્યારનું શિક્ષણ ફક્ત પુસ્તકીયુ શીક્ષણ બનીને રહી ગયું છે અને ભણતરના ભાર તળે બાળકોના બાળપણનો અને મૌલિકતાનો ભોગ લેવાય છે તેવું પ્રતીત થઇ રહ્યું છે.

વાલીઓ તેમની હુંસાતુંસીમાં ક્યાંકને ક્યાંક બાળકોના બાળપણને ગળેટુંપો આપી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Say Sorry, My Son!

Say Sorry, My Son! Say Sorry…
Say Sorry, My Son! Say Sorry…
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોયે આ નોટ તારી કોરી…
Say Sorry, My Son! Say Sorry…

ઘસી-ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી..
યાદદાસ્ત માટે શંખપુષ્પીની
કાંઇ બાટલીઓ પેટમાં ભરી.

કેમે કરી યાદ ના રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી…
Say Sorry, My Son! Say Sorry…

પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.

મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી…
Say Sorry, My Son! Say Sorry…

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવડાવું,
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચોખીચ ઢાસું.

ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…
Say Sorry, My Son! Say Sorry…

- રઇશ મનીઆર

(સૌજન્ય : ટહૂકો ડોટ કોમ)

કેમ તમને ગમીને આ કવિતા ? મારા માટે સારૂ છે કારણ કે મારે તો હજૂ સ્કુલે જવાની ઘણી વાર છે. આ કવિતા વિશે તમારો અભિપ્રાય આપવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા

Sunday, November 7, 2010

હેપ્પી દિપાવલી & હેપ્પી ન્યૂ યર




પ્રકાશનું પર્વ દિપાવલી આપના જીવનમાં આનંદનો પ્રકાશ રેલાવે અને આપને આર્થિક, સામાજિક, રાજકીય રીતે લાભદાયી નીવડે અને આગામી વર્ષ આપના મનના મનોરથો સાકાર થાય તેવી શુભેચ્છા. આજના આ શુભ દિવસે વડીલોના આર્શિવાદ હંમેશા મને મળતા રહે તેવી અપેક્ષા.

હું હાલ દાદાના ઘરે દિવાળી મનાવી રહી છું. આ મારી પહેલી દિવાળી છે અને હું પહેલી વખત ફટાકડાઓના અવાજો સાંભળું છું પરંતુ મારા અને પરિવારજનો માટે આનંદની વાત એ છે કે ફટાકડાઓનો અવાજ મને ડરાવતો નથી.

હાલના દિવસોમાં હું જ્યારે બહાર નિકળું છું ત્યારે રંગબેરંગી રોશની અને દિવળાઓનો ઝગમગાટ મારા મનમાં કુતુહલ જન્માવે છે. દિવાળીનો બીજો દિવસ એટલે કે નવા વર્ષના દિવસે હું પપ્પા, મમ્મી સાથે ભાવના માસી, અમુ મામા અને દિપક મામાના ઘરે પણ ગઇ હતી. અને ભાઇબીજના દિવસે મામા આવ્યા હતા તેમની સાથે જ નાનાના ઘરે જતી રહી હતી.

- તમારી જિત્વા

Monday, November 1, 2010

દિવાળીની ખરીદી


આ મારી પહેલી દીવાળી છે અને આ તહેવારમાં બધાની જેમ હું પણ પપ્પા, મમ્મી સાથે ઇસ્કોન મોલમાં ખરીદી માટે ગઇ હતી. આ દિવાળી પર મેં લાલ રંગની જર્સી અને અન્ય કેટલાક કપડા લીધા છે. મારી જર્સી સાથે ટોપી પણ છે (જે પહેરવી મને ગમતી નથી).

મારી ખરીદીના ફોટા પાડવાનું હું ભુલી ગઇ છું પરંતુ ખરીદી દરમ્યાન મારા ચહેરા પર કેવો આનંદ હતો તે તમે આ ફોટામાં જોઇ શકશો.

દિવાળી મનાવવા હું દાદા અને અદા પાસે અને બાદમાં નાનાના ઘરે જવાની છું. દિવાળીનો આ તહેવાર આપ સૌના જીવનમાં સુખ શાંતી લાવે અને તમારા મનના બધા મનોરથો આગામી વર્ષમાં સાકાર થાય તેવી શુભેચ્છા.

- તમારી જિત્વા

હાંક....છી


ગભરાતા નહીં હો ? આ તો આજકાલ મને શરદી અને ઉધરસ થઇ ગયા છે તેની અસર છે. તમને ખબર છે છેલ્લા થોડા દિવસથી મને શરદી અને ઉધરસ થઇ ગયા છે. ડોકટર અંકલનું કહેવું છે કે આ વાયરલ છે અને અત્યારે ડબલ ઋતુ અને ઘૂળના કારણે આ પ્રકારની શરદી ઉધરસ બહુ જોવા મળે છે.
જોકે દવા અને નેસલ ડ્રોપ લીધા બાદ હવે મને સારૂ છે હવે ઉધરસ પણ મટી ગઇ છે અને શરદી પણ હળવી થઇ ગઇ છે. અમદાવાદ આવ્યા બાદ મારે પહેલી વખત મારે દવા લેવી પડી છે.
જોકે હવે ઓલ ઇઝ વેલ છે અને બારસના રોજ દિવાળી વેકેશન માટે હું દાદા-દાદી પાસે જૂનાગઢ જવા નિકળવાની છું. તમને એડવાન્સમાં હેપ્પી દિપાવલી અને હેપ્પી ન્યૂ યર.
- તમારી જિત્વા