Showing posts with label Say sorry. Show all posts
Showing posts with label Say sorry. Show all posts

Saturday, November 13, 2010

Say Sorry, My Son!




આજે ફરી એક વખત મારે તમારી સાથે રઇશ મણીયારની એક કવિતા શેર કરવી છે. આ કવિતા અત્યારની વર્તમાન શીક્ષણ પદ્ધતિ પર કટાક્ષ સમાન છે.

અત્યારનું શિક્ષણ ફક્ત પુસ્તકીયુ શીક્ષણ બનીને રહી ગયું છે અને ભણતરના ભાર તળે બાળકોના બાળપણનો અને મૌલિકતાનો ભોગ લેવાય છે તેવું પ્રતીત થઇ રહ્યું છે.

વાલીઓ તેમની હુંસાતુંસીમાં ક્યાંકને ક્યાંક બાળકોના બાળપણને ગળેટુંપો આપી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Say Sorry, My Son!

Say Sorry, My Son! Say Sorry…
Say Sorry, My Son! Say Sorry…
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોયે આ નોટ તારી કોરી…
Say Sorry, My Son! Say Sorry…

ઘસી-ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી..
યાદદાસ્ત માટે શંખપુષ્પીની
કાંઇ બાટલીઓ પેટમાં ભરી.

કેમે કરી યાદ ના રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી…
Say Sorry, My Son! Say Sorry…

પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.

મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી…
Say Sorry, My Son! Say Sorry…

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવડાવું,
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચોખીચ ઢાસું.

ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…
Say Sorry, My Son! Say Sorry…

- રઇશ મનીઆર

(સૌજન્ય : ટહૂકો ડોટ કોમ)

કેમ તમને ગમીને આ કવિતા ? મારા માટે સારૂ છે કારણ કે મારે તો હજૂ સ્કુલે જવાની ઘણી વાર છે. આ કવિતા વિશે તમારો અભિપ્રાય આપવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા