Wednesday, September 28, 2011

બા મને વાર્તા કરો ને ???






હમણાં બા આવ્યા છે મને રમાડવા અને એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે. બા ના આગમન સાથે જ મને તો મજા પડી જાય, કારણ કે બા મને બહાર આંટો મારવા લઇ જાય અને મને હાલરડાં પણ સંભળાવે.

આજકાલ સવાર સવારમાં બા જ્યારે તેના ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતાં હોય ત્યારે હું પહોંચી જાવ તેમની પાસે અને મારી સાંકેતીક ભાષામાં બુક બતાવીને તેમને કહું કે બા મને વાર્તા કરો ને ?

મારી જીદને માન આપીને બા તેમનું વાંચવાનું પડતું મુકીને મને પુસ્તકમાંથી કાનાની અને યશોદા માતાની વાર્તા કરે અને ચિત્ર દ્વારા મને સમજાવે પણ. આ વાર્તા સાંભળ્યા બાદ મને કેવી મજા આવતી હશે તે તમે આ ફોટામાં જોઇ શકો છો.

- તમારી જિત્વા

Sunday, September 25, 2011

ડોટર્સ ડેની ગિફ્ટ






આજે સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવીવાર એટલે કે ડોટર્સ ડે છે. (જો કે ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે મે મહિનાનો બીજો રવિવાર એટલે કે 8 મેના રોજ ડોટર્સ ડે હતો.) આજે ડોટર્સ ડે નિમિતે પપ્પા મારા માટે ગિફ્ટ લાવ્યા હતી અને ગિફ્ટ પણ કેવી કે જેની હું છેલ્લા થોડા સમયથી અપેક્ષા રાખતી હતી.

પપ્પા ડોટર્સ ડે ના આગલા દિવસે જ મારા માટે એબીસીડી અને નંબર્સની પિક્ચર સાથેની બુક લાવ્યા છે. મને તો પપ્પાએ આપેલી આ ગિફ્ટ એટલી ગમીકે હું તો એક-બે દિવસ તેને સાથે લઇને જ ઉંધતી હતી.

આ ફોટાઓમાં પણ તમે જુઓ ગિફ્ટ મળ્યાનો આનંદ તમે મારા ચહેરા પર જોઇ શકો છો.


- તમારી જિત્વા

Wednesday, September 21, 2011

આ હાર મને કેવો લાગે ?




આજે મમ્મીના હાથમાં આ હાર જોતા જ મને તે ગમી ગયો. અને તેમાં પણ મમ્મીએ તે મારા ગળામાં પહેરાવી દીધો પછી તો જોઇએ જ શું ?

આ હાર પહેર્યા બાદ મેં તો ફક્ત નાચવાનું જ બાકી રાખ્યું. તમે જ આ ફોટાઓ જોઇને કહો આ હાર મને કેવો લાગે ?

- તમારી જિત્વા

Tuesday, September 20, 2011

લેપટોપ કામનું કે ખોખું











મામા આજે નવું લેપટોપ લાવ્યા, આથી તેઓ લેપટોપના ફંક્શન સમજવામાં પડ્યા હતા પરંતુ મને લેપટોપ કરતાં પણ વધુ રસ પડ્યો તેના ખોખામાં. લેપટોપનું ખોખું ખોલીને મેં તેમાં બેસવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં મને પુરતી સફળતા ન મળી આથી છેવટે હું તેના પર ઉભી રહી અને ખોખાની મજબુતી ચકાસી.

આનંદ તો આપણી અંદર પડેલો હોય છે જો શોધતા આવડે તો....લેપટોપના ખોખામાં પણ તે મળી આવે ખરી વાત ને ???

- તમારી જિત્વા

Monday, September 12, 2011

નવરાત્રી પહેલાની તૈયારી

હવે નવરાત્રી શરૂ થવાની થોડી જ વાર છે. ચારે તરફ ડાંડીયા રાસના ક્લાસ શરૂ થઇ ગયા છે અને ટીવી પર અવનવા ગરબા જોવા મળી રહ્યા છે. મેં પણ નવરાત્રીની પ્રેક્ટીસ શરૂ કરી દીધી છે. આજે ટીવી પર ગરબો આવતો હતો કે મુંબઇથી ગાડી આવી રે....આ ગરબો સાંભળીને હું એટલી ખુશ થઇ ગઇ કે જેની તમે કલ્પના ના કરી શકો.

મારી ખુશીનો અંદાજ લગાવવા માટે તમારે આ વીડીયો જોવો રહ્યો. પહેલા વીડીયોમાં મારો અવાજ છે જ્યારે બીજા વીડીયોમાં ગરબો સાથેનો મારો ડાન્સ. જોઇને કહેજો કે નવરાત્રીની મારી તૈયારીમાં કોઇ કમી તો નથી રહી જતી ને ?



Video with Original sound




Video with Soundtrack




- તમારી જિત્વા

Saturday, September 10, 2011

મારી નવી જગ્યા




આજકાલ ઘરમાં બેસવા માટે મેં એક નવી જગ્યા શોધી કાઢી છે અને એ છે ડ્રેસીંગ ટેબલ. મારી ચેર પર બેસવાની મને હવે બહુ મજા નથી ત્યારે આ નવી જગ્યાએ બેસવાથી મને થોડા રોમાંચ જેવું લાગે છે. 

તેમાં પણ પપ્પા કે મમ્મી એવું કહે કે બેટા ત્યાં ન બેસાય ત્યારે તો મને બહુ મજા આવે અને હું બાદશાહી ઠાઠમાં બેસીને તેમની સામે જોઉ છુ. અહીં બેસવાના મારી દ્ર્ષ્ટ્રીએ બે ફાયદા છે એક તો મારી સાહસવૃતિ સંતોષાય છે અને બીજુ કંઇ સર્જનાત્મક કર્યાનો આનંદ પણ મળે છે.

- તમારી જિત્વા

Friday, September 9, 2011

લાવો તમને તૈયાર કરી દઉં ?




મેકઅપ કરવો તો કોને કરવો ન ગમે ? મને પણ મેકઅપ કરવો બહુ ગમે છે. મમ્મીના મોંથી મેં એક વાક્ય બહુ સાંભળ્યું છે લાવ તને તૈયાર કરી દઉં.

આજે રાત્રે પપ્પા જમીને ટીવી જોવા બેઠા હતા ત્યારે મને થયું લાવ પપ્પાને તૈયાર કરી દઉં. હું તો ડ્રેસીંગ ટેબલમાંથી પફ અને પાવડર લાવી અને પપ્પાના ખોળામાં બેસીને માંડી પપ્પાને તૈયાર કરવા. આ ફોટાઓમાં જુઓ મેં પપ્પાને કેવા સરસ તૈયાર કરી દીધા.

- તમારી જિત્વા

Saturday, September 3, 2011

મોર્ડન આર્ટ

હાલના દિવસોમાં હું મારી કલાના વ્યાપને વધારી રહી છું. અત્યાર સુધી અનેકવીધ વિષયો પર હાથ અજમાવ્યા બાદ હાલમાં હું ચિત્રકલામાં ધ્યાન આપી રહી છું. મેં હાલમાં દોરેલા ચિત્રકલાના કેટલાક નમુનાઓ આ પોસ્ટમાં મુક્યા છે.



આગળ ઉપર પણ પપ્પા-મમ્મીની નજર ચુકાવીને કલાના વ્યાપને વધારવાનો અવસર મળશે તો તમને હજુ કેટલાક ચિત્રો કે હાલમાં લોકો જેને મોર્ડન આર્ટ તરીકે ઓળખે છે તે જોવા મળશે.

આ પહેલા પણ મેં ચોકલેટ દ્વારા ચિત્રો દોરવાનો પ્રયત્ન કરેલો જુઓ પોસ્ટ : ચોકલેટ દ્વારા ચિત્રકારી

તમને મારી આ ચિત્રકલા કેવી લાગી તે મને જરૂર જણાવજો જેથી મારી અંદર રહેલા કલાકારને પ્રોત્સાહન મળી રહે.

- તમારી જિત્વા

( નોંધ : દિવાલો પર મારી આ કલા જોયા પછી  તકેદારીના ભાગરૂપે પપ્પા-મમ્મી પેન, સ્કેચપેન, પેન્સીલ જેવી વસ્તુઓ મારી પહોંચની બહાર રાખે છે. )


Friday, September 2, 2011

હેપ્પી બર્થ ડે પપ્પા



કાલે પપ્પાનો જન્મ દિવસ હતો. પપ્પાના જન્મદિવસ નિમિતે રાત્રે હું, પપ્પા અને મમ્મી સંકલ્પમાં ગયા હતા જ્યાં અમે દક્ષિણ ભારતીય ફૂડની મજા માણી. મૈસુર મસાલા ઢોસો તો મને તીખો લાગ્યો પરંતુ સાદો ઢોસો અને ઇડલી ખાવાની મને તો મજા પડી ગઇ.

ફોટામાં તમે જુઓ આ વ્હાઇટ ડ્રેસમાં હું કેટલી ક્યુટ લાગુ છું નહીં.

- તમારી જિત્વા