Wednesday, February 29, 2012

મને બસ સુવા દો...

આજે તો આખો દિવસ દોડા દોડી કરીને એવી થાકી ગઇ હતી કે ન પુછો વાત, સાંજે પપ્પા જ્યારે ટીવી જોતા હતા ત્યારે તેમની સાથે રમતા રમતા ત્યાં જ તેમના ખોળામાં જ સુઇ ગઇ.


સામાન્ય રીતે મને બહુ મોડી નિંદર આવે છે અને મને સુવડાવવી તે મમ્મી માટે પણ પડકારજનક કામ છે ત્યારે આજે આ રીતે મને સુતેલી જોઇને પપ્પા અને મમ્મી બન્નેને ખુબ નવાઇ લાગી હતી.

- તમારી જિત્વા

Monday, February 13, 2012

જન્મદિવસ મારો અને બીજાનો

તારીખ મુજબ 12-02-10ના રોજ મારો જન્મ થયો હતો. આજે સવારે મને એવો પ્રશ્ન થયો કે મારી જેમ આજના દિવસે અન્ય કેટલાક નામી અનામી લોકોનો પણ જન્મદિવસ હશે ?

મેં જરા તપાસ કરી તો મને જવાબ મળ્યો કે આજના દિવસે મારી સાથે ઘણીબધા લોકોનો જન્મદિવસ છે જેમાંના કેટલાક જાણીતા લોકોની યાદી નીચે મુજબ છે.
  • મહર્ષિ દયાનંદ સરસ્વતી (12-2-1824)
  • અભિનંતા પ્રાણ  (12-2-1920) 
  • ક્રિકેટર વિશ્વનાથ (12-2-1949)
  • અબ્રાહમ લિંકન (12-2-1809)
  • ચાલ્સૅ ડાર્વિન (12-2-1809)
  • ગાયિકા શકીરા (12-2-1977)
તમે પણ ચેક કરી જુઓ તમારી સાથે અન્ય કઇ સેલિબ્રીટીનો જન્મદિવસ છે અને મને જણાવો.

- તમારી જિત્વા

Wednesday, February 1, 2012

સાચે જ દિકરી વહાલનો દરિયો



‘દીકરી ‘ શબ્દ મને લાગણીશીલ બનાવી દે છે.. કોઈ લગ્ન પ્રસંગે જાવ છું અને જ્યારે કન્યાવિદાયનો સમય આવે છે ત્યારે હૈયું લાગણીવશ બની જાય છે..’કન્યાવિદાય જોઈ શકાતી નથી.મારી વહાલસોય દીકરીની વિદાય વખતે જે હૈયું ભરાય આવ્યું , કહેવા ઘણું જ ચાહતો હતો પણ કશું કહી ન શકાયું ત્યારે કાવ્યરુપે શબ્દો સરી પડ્યાં.

“આશિષ કે દો શબ્દ કહના ચાહૂંગા, મગર કુછ ન કહ શકુ તેરી બિદાઈ પર ,
બસ મેરી આંખ પર એક નજર કર લેના, દો શબ્દ તૂં અપને આપ હી પઢ લેના.”

દીકરી સાથેની આત્મિયતા કંઈ અનોખી અને અદભૂત હોય છે.કોઈ સારું સાસરૂ મળે એવી પ્રાર્થના માત-પિતા કાયમ કરતા હોય અને જ્યારે એ જ દિકરીને સાસરે વિદાય આપતા હૈયું ભરાય જાય જાણે આપણું સર્વસ્વ કોઈ લઈ ગયું હોય એવું ભાસે! હર્ષને શોકના આંસુ ગંગા-જમના જેવા વહેવા લાગે! દીકરીનું બાળપણ યાદ આવી જાય..

“અભી ભી યાદ હૈં તેરી પ્યાર ભરી પપ્પી સે મેરે સારે દિન ખુશી સે ગુજરતે થે,
ઘર પર આતે હી અપની ગુડિયા કો દેખકર સારી થકાન દૂર હો જાતી થી.”

આવાજ વહાલની અનુભૂતિ , દીકરી પ્રત્યેનો અસિમ પ્રેમ, તેમ દિકરી વિષે કવિ-લેખકો શું કહે છે તે જાણીએ..

” તમે ગમે તે કહો, પણ એક વાત સોનાના પતરા પર લખી રાખવા જેવી છે કે દીકરી એ ઘર નું અજવાળું છે, દીકરીના સ્પર્શનો જાદુ તો જુઓ! હું કાંકરનો સ્પર્શ કરું ત્યારે કેવળ કાંકરાજ રહે છે, દીકરી કાંકારાબને સહેજ અડકે કે તે તરત જીવ-વગરના કાંકર જીવતા પાંચીકા બની જાય.. -અનિલ જોશી

‘દીકરો એટલે અહં એષણા ‘નામ કરેગા રોશન’ દીકરી એટલે સ્વાર્પણની ભક્તિમય નમ્રતાની , ઓગળી જવાની તૈયારી. મારે મન તન્વી( દીકરી)એટલે પ્રભુએ(પ્રભુ એટલે મારા અહંકારની બહારનું બધુંજ જે છે વિશ્વનાં તે) એ પરમેશ્વરે -મને જે અગાધ આનંદ આપ્યો એનો ઋણભાર. -બકુલ ત્રિપાઠી

‘આપણી ભારતિય સંસ્કૃતિમાં સમર્પણ છે , ત્યાગ છે અને એવું જો ત્યાગનું પાત્ર હોય તો તે દીકરી છે . આપણે ત્યાં એમ કહેવાય છે કે પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘર જઈ દીવો કરે એને દીકરી કહેવાય . દીકરો બે કુળને તારે -બાપના કુળને મોસાળના કુળાને ;પણ દીકરી ત્રણ કુળને તારે છે-બાપના, મોસાળના અને સાસરાના.’ - ભીખુદાન ગઢવી

‘જે પતિપત્નિને સંતાનમાં એકજ પુત્રી છે એ પિતા પિતૃત્વની ચરમતમ ઊંચાઈને સ્પર્શી જતા હોય છે. પુત્રી અને એકજ પુત્રી, ગયા ભવમાં પુણ્ય કર્યા હોય એનેજ આ ભવમાં મળે છે.’ -ચંદ્રકાંત બક્ષી

‘મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી પિતાનું સ્વરૂપ છે . પુત્ર એ બાપનો હાથ છે , પરંતુ દીકરી એ બાપનું હૈયું છે અને એટલે જ બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે , એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે.’ -મોરારિ બાપુ

‘પુત્રીને માતાના રૂપમાં , ભગિનીના રૂપામાં, પત્નિના રૂપમાં, સાસુના રૂપમાં કે કોઈ પણ સ્વરૂપમાં જોતાં એક હકીકત જે સૌથી ઉપર તરી આવતી હોય તો તે એ કે તે પોતાની જાતને ચંદનની જેમ ઘસીને બીજાને સુખ, શાંતી પહોંચાડે છે.’ -ડૉ. રાજેશ કામદાર

‘પાનેતર ઓઢેલી આપણી પુત્રીઓ રચના-નેહા આપણને પગે લાગશે ને વિદાય માગશે ત્યારે…ત્યારે… કહેતાં અનિલે ડૂસકું ભર્યું, હા ત્યારે અસ્તિત્વના મીઠડા અંશને આપણે આંગણેથી વિદાય આપીને , હોઈશું તેનાથીયે વધારે બુડ્ઢા થઈ જઈશું’
એવું બોલ્યો ન બોલ્યો ને મનેય ગળે ડૂમો બાઝી ગયો. મારી બેઉની આંખોમાંથી સરસર આંસુ નીતરવાં અલાગ્યા ને અમે એક્મેકના ખભે માથું ઢાળીને ક્યાંય હૈબકતાં રહ્યાં. -રમેશ પારેખ (સૌજન્ય :રમેશ પારેખ)

આપને આ પોસ્ટ કેવી લાગી તે અંગેના આપના પ્રતિભાવ જરૂર જણાવજો. ચાલો હું ચાલી ...આવતીકાલે મારો જન્મદિવસ છે અને હજુ ધણી તૈયારીઓ કરવાની બાકી છે.

- તમારી જિત્વા

પ્રિય પપ્પા





ગુજરાતીમાં એક સાઇટ છે. http://jentilal.com જેમાં સરસ મજાના આર્ટીકલ પબ્લીશ થતાં હોય છે. 22 જાન્યુઆરીએ આ સાઇટ પર ડૉ. નિર્મિત ઓઝાનો એક આર્ટીકલ પબ્લીશ થયો છે.  આ આર્ટીકલ જ એટલો સરસ છે કે, તમારી સાથે શેર કરવો જ રહ્યો. 
પ્રિય પપ્પા,
મમ્મીને ‘તું’ કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ ‘તું’ કહીને બોલાવું છું. પણ તમને તો ‘તમે’ જ કહીશ. કારણ કે, ‘તમે’ બહુવચન છે. ‘પપ્પા’ પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે ‘પપ્પા’ નહિ, ‘પપ્પો’ કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ માં તો, તમે હંમેશા ‘પહેલો પુરૂષ બહુવચન’ જ રહેવાના.
પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારા માં રહેલું છે. મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો, ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં મારું આખું universe આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે ‘વસ્તી ગણતરી’ માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.
પપ્પા, તમારા માં આટલા બધા લોકો રહેતા હોય, તો તો પછી તમને ‘તમે’ જ કેહવું પડે ને ! મંદિર શું કહેવાય ? એ તો બહુ મોડી ખબર પડી. બાળપણ માં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘર માં જ રહે. મેં ભગવદ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો.
પપ્પા, હું નાનપણ માં મમ્મી ને પૂછતો કે ‘હું આ દુનિયા માં કેવી રીતે આવ્યો?’. ત્યારે મમ્મી મને કેહતી કે ઈશ્વરની પાસે નાના બાળકો ની દુકાન છે. એ દુકાન માં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકો માં થી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયા માં આવ્યો.
મોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી……….. હવે મને મમ્મી ની વાત સમજાય છે કે મમ્મી જે કેહતી , એ જ સાચું હતું.
પપ્પા, હું તમારી દુનિયા માં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. બાળપણ માં જન્મદિવસની ઉજવણી વખતે હું ‘મીણબત્તી’ ઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. ત્યારે હું કેટલો નાદાન હતો ? મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુ માં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મ દિવસ ને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી.
પપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી. એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક ‘પુણ્ય’ ગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, તો જન્મ કેમ નહિ ?
પપ્પા, તમે ક્યારેય કેહતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તો ય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત ‘બે મિનિટ’ વાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું.
પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસી ને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસા માં આપી છે. તમે આપેલી દ્રષ્ટિ માં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટ માં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.
પપ્પા, મને એમ હતું કે મારા જીવન ના કપરા સમય માં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહી. તમે તો, મને ઊંચકી ને, એકલા જ ચાલ્યા.
આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણ માં હતો, જયારે તમે મને હવા માં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો…… તો મને પડ્યો રહેવા દેશો નહિ.
પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુ માં બેસી ને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, ‘હું તારી સાથે છું’ એવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે ?
ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?
હું બોલાવું, તો ઈશ્વર ‘મંદિર’ માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો ‘ઓફીસ’ નું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?
પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો..
(Courtesy : Dr. Nirmit OZA, www.jaintilal.com)
આ આર્ટીકલ અને બ્લોગ પરની અન્ય પોસ્ટ બાબતે આપનો અભિપ્રાય આપશો તો મને ચોક્કસ ગમશે.
- તમારી જિત્વા