Sunday, January 29, 2012

ઝંડુ બામ પીડાહારી બામ ?


ઝંડુ બામ, ઝંડુ બામ પીડાહારી બામ...એવું જાહેરાતમાં ભલે આવતું હોય પણ મારા માટે તો આ બામ પીડાકારી સાબિત થઇ. માંડીને વાત કરૂ તો કાલે રાત્રે પપ્પાને જરા શરદી થઇ હતી અને માથું દુ:ખતું હતું આથી તેઓ કપાળ પર બામ લગાવતા હતા તે મેં જોયું.

થોડીવાર પછી તેઓ ટીવી જોતા હતા ત્યારે તેમની નજર ચુકાવીને હું બામની ડબ્બી લઇને બીજા રૂમમાં જતી રહી અને બામ મોં પર લગાવી અને બામ વાળો હાથ મારી આંખમાં પણ અડ્યો. પછી તો પુછવું જ શું ? મેં તો રડારડ કરી મુકી .

પપ્પાએ તરત જ સાદા પાણીથી મારો હાથ ધોઇ નાખ્યો અને આંખ અને મોં સાફ કરી નાખ્યા ત્યારે 10-15 મિનિટ પછી થોડી રાહત થઇ.

જો કે આવું જ મેં 26 જાન્યુઆરીના રોજ પણ કરેલું. ત્યારે પપ્પા વ્હીકલને ક્રિમ લગાવી રહ્યા હતા આથી મેં પુછ્યું આ શું? પપ્પાએ કહ્યું ક્રિમ. જવાબ સાંભળી હું ડ્રેસીંગ ટેબલના ખાનામાંથી ઇમામી ક્રિમ લાવી અને પપ્પાની જાણ બહાર બીજી તરફ જઇને ટ્યુબ ખાલી કરી વ્હિકલમાં લગાવી દીધી. પરંતુ ક્રિમ અને બામનો ફર્ક હવે મને અનુભવે સારી રીતે સમજાય ગયો છે.

- તમારી જિત્વા

No comments:

Post a Comment