Thursday, July 28, 2011

પરંપરાગત પાઘડી અને હું




રાત્રે જમ્યા બાદ હું પપ્પા પાસે રમતી હતી ત્યારે પપ્પાએ મમ્મીની ચુંદડીમાંથી મારા માથા પર પાધડી બાંધી આપી. શરૂઆતમાં તો મને શું થઇ રહ્યું છે તેની ખબર ના પડી પરંતુ બાદમાં પાઘડી પહેરવાનું મને પણ ગમ્યું.

પરંતુ મને પાઘડી પહેરવા કરતાં પણ તેને ખોલવામાં વધુ આનંદ આવતો હતો.

- તમારી જિત્વા

Sunday, July 24, 2011

ચોકલેટ દ્વારા ચિત્રકારી



ધ્યાનથી જુઓ આ ફોટાઓને ....કદાચ તમને આ સામાન્ય ડાધાઓ હોય તેમ લાગતું હશે પરંતુ હકિકતે આ મારા દ્વારા દિવાલ પર કરવામાં આવેલી ચિત્રકારી છે. આ ચિત્રકારી કરવા માટે મે અન્ય કોઇ વસ્તુના બદલે ચોકલેટનો ઉપયોગ કર્યો છે.

અત્યાર સુધી તમે અવનવા માધ્યમ દ્વારા થયેલી ચિત્રકારી જોઇ હશે પરંતુ ચોકલેટ દ્વારા થયેલી આ ચિત્રકારી તમે કદાચ પહેલી વખત જોઇ રહ્યા હશો ખરૂ ને ?
અને હા આ ચિત્ર તમને કેવું લાગ્યું તે જણાવવાનું ન ભુલતા હો ?

- તમારી જિત્વા

Tuesday, July 19, 2011

અલગ અલગ રીતે એક નામ

તમે ક્યારેય વિચાર્યું છે કે તમારૂ નામ અલગ અલગ ભાષામાં કેવી રીતે લખાય. શું કહ્યું નહીં ? કંઇ વાંધો નહીં જુઓ મારૂ નામ "જિત્વા" બાર કોડ લેન્ગવેજ, બ્રેઇલ લેન્ગવેજ, મરીન ફ્લેગ લેન્ગવેજ, સાઇન લેન્ગવેજ અને ન્યુમરોલોજીમાં અલગ અલગ રીતે આ રીતે લખી શકાય.

ન્યુમરોલોજી


મરીન ફ્લેગ લેન્ગવેજ

બ્રેઇલ લેન્ગવેજ

બાર કોડ લેન્ગવેજ


સાઇન લેન્ગવેજ


કેમ મજા આવીને કંઇક અલગ જાણીને ? તો હવે તમે પણ શોધી પાડો કે તમારૂ નામ આ ભાષામાં કેવી રીતે લખી શકાય.

- તમારી જિત્વા

Sunday, July 10, 2011

મુઝે ભી લાઇક કરો ના

મારા માટે ગોળ રોટલી તે વિશ્વની આઠમી અજાયબી સમાન ઘટના છે. મમ્મી જ્યારે રોટલી બનાવતી હોય ત્યારે પ્લેટફોર્મ પર બેસીને હું તે કેવી રીતે રોટલી ગોળ કેવી રીતે બને છે તે જોતી હોઉં છું.

હાલ હું નિરીક્ષણનો તબક્કો પુરો કરીને હવે પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવા માટે મથી રહી છું. જેમાં મને મમ્મી અને મારા રમકડાનો પાટલો વેલણ મદદ કરી રહ્યા છે.

આ ફોટાઓમાં તમે જુઓ હું કેવી સરસ રીતે મમ્મીની નકલ કરી રહી છું. મારાથી મમ્મી જેવી ગોળ રોટલી તો ના થઇ પરંતુ મારા પ્રયત્નને તો તમારે બીરદાવવો જ રહ્યો.













હવે નીચે આપેલો આ ફોટો જુઓ જે પપ્પાને ફેસબુક પરથી મળ્યો હતો. આ ફોટામાં મારા કરતાં નાની છોકરી રોટલી વણતી હોય છે અને કહેતી હોય છે કે મુઝે ભી લાઇક કરો ના.


- તમારી જિત્વા

Wednesday, July 6, 2011

ઢીંગા સાથે ઢિસુમ...ઢિસુમ...



આ ઢિંગલો બંટુ મામાએ મને ગિફ્ટ આપ્યો છે. આ ઢિંગલો રમવા સિવાય બેસવા માટે પણ કામ આવે છે. પરંતુ હું તો આ ઢિંગલાનો બેસવા કરતા ઢિસુમ...ઢિસુમ...કરવામાં વધુ ઉપયોગ કરૂ છું.

આ ફોટાઓમાં તમે જુઓ ઢિંગા સાથેની મારી ધમાલ.

- તમારી જિત્વા

Sunday, July 3, 2011

થેપલાનું સુદર્શન ચક્ર





ભગવાન કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું આથી તેમને ચક્રધર કહેવામાં આવતા હતા. કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધમાં ભગવાને તેમનો ઉપયોગ કર્યો હતો. આમાંથી પ્રેરણા મેળવીને ગઇકાલે રાત્રે જમતા જમતા મેં પણ થેપલામાંથી એક સુદર્શન ચક્ર બનાવ્યું હતું, પરંતુ મારા સુદર્શન ચક્રએ કૃષ્ણ ભગવાનના ચક્ર જેવું કામ ન આપ્યું.

આથી મને થોડીવારમાં જ સમજાય ગયું કે આ ચક્રને ભગવાન સાચવે તે જ બરાબર આપણા માટે આ બધુ નકામું એક તો બરાબર ચાલે પણ નહીં અને વળી વડીલોનો ઠપકો પણ સાંભળવો પડે તે નફામાં.

- તમારી જિત્વા