Sunday, May 9, 2010

હેપ્પી મધર્સ ડે

આજે હું પહેલી વખત મધર્સ ડે ઉજવી રહી છું. બધાની જેમ મને પણ મારી મમ્મી બહુ વ્હાલી છે. હું તો તેને જોતા વેંત ઓળખી જાઉ છું અને હસવા માંડુ છું. આજના દિવસની પોસ્ટમાં મુકવા માટે મેં છેલ્લા કેટલાક દિવસોથી મારી મમ્મી અને નાની સાથેના ફોટા સાચવીને રાખ્યા હતા. આ પોસ્ટ સાથે તે મુકું છું.

કોઇએ ખરૂ જ કહ્યું છે ને કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતો નથી આથી તેણે માનું સર્જન કર્યું છે. એક સંતાનને જન્મ આપતા સમયે પણ માતા કેટલી તકલીફ ઉઠાવે છે. આપણે ત્યાં તો કહેવતો પણ પ્રચલીત છે ને કે, "મા તે મા બીજા બધા વગડાના વા" અને "માતા વિના સુનો સંસાર, ગોળ વિના મોળો કંસાર".

આજે હું 86 દિવસની થઇ ગઇ છું અને હવે મને અંધારા અને અજવાળા વચ્ચેનો ફર્ક સારી રીતે ખબર પડે છે અંધારૂ તો મને જરા પણ ગમતુ નથી. અને પંખા સિવાય મને જરા પણ ચાલતું નથી. જેવો પંખો જેવો બંધ થાય કે તરત જ હું રડવાનું શરૂ કરી દઉં છું અને મમ્મી તરત જ દોડતી મારી પાસે પહોંચી જાય છે.

હાલ વિભા માસી અને ખુશી દીદી પણ અહીં મામાના ઘરે આવ્યા છે. ખુશી દીદી અને વાસુ મામા વચ્ચે મને રમાડવા માટે ક્યારેક મીઠા ઝઘડાઓ થતા રહે છે. હવે હું એક અઠવાડીયામાં નાનાના ઘરેથી દાદાના ઘરે જવાની છું અને મમ્મી તો ધીમે ધીમે મારો સામાન પણ પેક કરવા માંડી છે. અને નાના-નાની અને ભરતમામા અને બા મારી ગેરહાજરીમાં સમય કેમ વિતાવશે તેની ચિંતા કરતાં જોવા મળી રહ્યા છે.

આ પોસ્ટની સાથે આજના દિવસના સંદર્ભમાં કેટલાક ગીતો પણ મુકુ છું તમને જોવા અને સાંભળવા ગમશે. તમે આ ગીતો સાંભળો હું ચાલી મધર્સ ડે ઉજવવા.

- તમારી જિત્વા









No comments:

Post a Comment