Saturday, November 30, 2013

મારો પાસપોર્ટ સાઇઝ ફોટો

હવે થોડા મહિનાઓમાં મારો નર્સરીનો અભ્યાસ પુરો થવામાં છે અને હાલ પપ્પા-મમ્મી જૂનિયર કે.જી. માં મારા એડમીશન લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સ્કુલનું ફોર્મ ભરતા સમયે તેમાં ફોટો પણ ચોંટાડવો જરૂરી છે આથી હું અને મમ્મી ફોટો પડાવવા ગયા.

પણ એમ સહેલાયથી તે હું થોડી ફોટો પાડવા દઉં. મમ્મીએ અને ફોટોગ્રાફર અંકલે બહુ સમજાવી ફોસલાવી ત્યારે ધરાર ધરાર કોઇએ બેસાડી હોય તેવા હાવભાવ સાથે મેં આવો ફોટો પડાવ્યો.

આ મેં પડાવેલો સૌ પ્રથમ પાસપોર્ટ સાઇઝ ફોટો છે. કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો.

- તમારી જિત્વા

Sunday, November 10, 2013

શૈશવના આંગણે રમતાં



એક સ્નેહીના દિકરીના લગ્નની કંકોત્રી ઘરે આવી છે જેમાં એક સરસ મજાની કવિતા લખેલી છે. "શૈશવના આંગણે રમતાં કલરવ એના, સાંભળ્યા હતાં મેં હજી હમણાં" દિકરી રમતાં રમતાં ક્યારે મોટી થઇ જાય છે તેની ખબર પડતી નથી. અને જોત જોતામાં તો તેના લગ્નની ઘડી આવી પહોંચે છે.

હજુ ગઇકાલે ઘરના આંગણામાં રમતી અને કાલી ઘેલી ભાષામાં બોલતી દિકરી સાસરે જતાં સમયે ગળામાં ભરાયેલા ડૂમાં સાથે ફક્ત આવજો કહે ત્યારે મા-બાપ અને પરિવારજનો વળતાં જવાબમાં કંઇ બોલી શકતાં નથી, પરંતુ મા-બાપાની આંખોમાં આવેલા આસુ ઘણું બધું કહી જાય છે.

વિદાયના પ્રસંગને અનુરૂપ આવું જ એક બીજું પણ ગીત છે.

વિદાયની વેળા


એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે, ઊઠી આનંદની ભરતી
હરખે હૈયું ચડ્યું હિલોળે, આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૧



પા પા પગલી ભરતાં ભરતાં, દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે
પડી ફાળ અંતરમાં એકદિ, માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૨



આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે, ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૩



ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૪



સખીઓ જોતી સજ્જડ નેત્રે, કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા
જો ભાળે તાત મુજ આંસુ, હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૫



આશા એકજ ઉજળા કરજે, ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના
“કેદાર” કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે

વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે…ટેક..૬ 

કેવી લાગી આ કવિતા ? આપનો અભિપ્રાય જરૂર આપશો...

- તમારી જિત્વા

Friday, November 1, 2013

શુભ દિપાવલી

આપ સૌને દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભકામના. દિવાળીનો આ પાવન પર્વ આપ અને આપના પરિવારજનો માટે આર્થિક, સામાજિક, રાજકીય રીતે ફાયદાકારક રહે અને આપના જીવનમાં સુખનો સરવાળો અને દુ:ખની બાદબાકી થાય તેવી દિલી શુભેચ્છા.


હું આવતીકાલે સવારે વતન જૂનાગઢ દિવાળી કરવા જવાની છું. હમણાં થોડા સમય ત્યાંજ  વિતાવીશ અને પાછી આવી આપની સાથે ઢગલાબંધ વાતો શેર કરીશ. ત્યાં સુધી બાય...બાય...

- તમારી જિત્વા