Showing posts with label Kavita. Show all posts
Showing posts with label Kavita. Show all posts

Saturday, January 28, 2012

દિકરી બીજું શું લખું...

પપ્પાના હાથમાં કાલે એક કંકોત્રી આવી. આ સરસ મજાની કંકોત્રીમાં એક સરસ મજાની કવિતા હતી. સાસરે જતી દિકરી માટે એક પિતાએ લખેલી કવિતા. કવિતાના રચિયતા વિશે તો માહિતી નથી મળી શકી પરંતુ આ કવિતા તો તમારી સાથે મારે શેર કરવી જ રહી. તો વાંચો આ કવિતા...


દીકરી બીજું શું લખું...

દીકરી તારા સૌભાગ્યનું કંકુ આજ ઘોળી લાવ્યો છું, વિદ્યાતાએ જે લખ્યું હતું તે સરનામું શોધી લાવ્યો છું.
છે તું મારા કાળજાનો કટકો, વેગળી કરી નથી ક્યારેય,તારી અમારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું.
દીકરી તારુ પાનેતર આજ ખરીદીને આવ્યો છું,સ્વપ્ન મારા જે હતા તે પાલવમાં બાંધી લાવ્યો છું.
પારકી થાપણ તું છે,ક્યાં સુધી બીજાની સંભાળુ,તારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા આવ્યો છું.
સંસાર તારો સ્વર્ગ બને એ જ આશિષ બન્ને કુળને,લુછો આંસુ દીકરી,ખુશીનો અવસર લાવ્યો છું.
મારી લાડકી ઢિંગલી માટે,રણઝણ ઝાંઝર લાવ્યો છું હૃદય મારૂં રડે છે,પણ મુખ પર સ્મિત લાવ્યો છું.
પહાડ જેવા બાપ પણ રડી પડે છે દીકરીની વિદાયથી,આંગણું મારુ સુનુ થશે,હું વિવશ બનીને આવ્યો છું.
પ્રથમ મા ઉમિયા બોલીને પ્રવેશ કરજે,તારા ઘર સંસારમાં,લાડકી મારી ખૂબ સુખી થજે.
જયશ્રી કૃષ્ણ કહેવા આવ્યો છું.


કવિતા વાંચીને આંખનો ખુણો ભીનો થઇ ગયો ને ? થાય, પ્રસંગ જ એવો છે ને કે આંખનો ખુણો ભીનો ન થાય તો આંખ છે કે કાચ તે તપાસવું પડે.

કંઇ વાંધો નહીં, તમારા ધ્યાનમાં પણ આવું કંઇ આવે તો મારી સાથે શેર કરતાં રહેજો અને હા કવિતા કેવી લાગી તે જણાવવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા

Saturday, April 30, 2011

એક પિતાએ પુત્રી માટે લખેલી કવિતા


આજે પપ્પા ફેસબુક ફંફોસી રહ્યા હતા ત્યારે અચાનક આ એક કવિતા મળી આવી. આ કવિતા કાવ્યા માટે તેના પપ્પા નિપુણ ચોકસીએ લખી હતી. અને જ્યારે એક પપ્પા તેની પુત્રીની ડિમાન્ડને ધ્યાને રાખીને કંઇ લખે ત્યારે તે હટકે જ હોય ને? આ કવિતા વાંચીને તમે પણ આ વાત માની જશો.

ઓ ખિલખિલ કરતી ખિસકોલી...
મારા ઘરમાં ખિલતી પુષ્પકળી...

ઓ ચીં ચીં કરતી ચકલી...
મારા દિલમાં ભરતી પગલી...

ઓ હવામાં ઉડતી હંસલી...
મારા ઘરમાં જાણે રૂપની ઢગલી..

ઓ કૂ કૂ કરતી મીઠડી કોયલ..
ગીત મઝાના ગાતી હરપળ...

ઓ રુમઝુમ રુમઝુમ કરતી મ્યાંઉડી...
તારી પગલી તો છે કંકુ- ઢગલી...

ઓ ફૂલોમાં રમતી ફૂલપરી...
મારા સ્વાસોમાં મહેંકતી ધૂપસળી..

ઓ હસતી રમતી લાડકડી...
મારા હ્રદય-સંગીતની સૂરાવલી....

-નિપુણ ચોકસી

તમે મને જણાવજો કે તમને આ કવિતા કેવી લાગી.
- તમારી જિત્વા

Saturday, November 13, 2010

Say Sorry, My Son!




આજે ફરી એક વખત મારે તમારી સાથે રઇશ મણીયારની એક કવિતા શેર કરવી છે. આ કવિતા અત્યારની વર્તમાન શીક્ષણ પદ્ધતિ પર કટાક્ષ સમાન છે.

અત્યારનું શિક્ષણ ફક્ત પુસ્તકીયુ શીક્ષણ બનીને રહી ગયું છે અને ભણતરના ભાર તળે બાળકોના બાળપણનો અને મૌલિકતાનો ભોગ લેવાય છે તેવું પ્રતીત થઇ રહ્યું છે.

વાલીઓ તેમની હુંસાતુંસીમાં ક્યાંકને ક્યાંક બાળકોના બાળપણને ગળેટુંપો આપી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Say Sorry, My Son!

Say Sorry, My Son! Say Sorry…
Say Sorry, My Son! Say Sorry…
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોયે આ નોટ તારી કોરી…
Say Sorry, My Son! Say Sorry…

ઘસી-ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી..
યાદદાસ્ત માટે શંખપુષ્પીની
કાંઇ બાટલીઓ પેટમાં ભરી.

કેમે કરી યાદ ના રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી…
Say Sorry, My Son! Say Sorry…

પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.

મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી…
Say Sorry, My Son! Say Sorry…

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવડાવું,
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચોખીચ ઢાસું.

ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…
Say Sorry, My Son! Say Sorry…

- રઇશ મનીઆર

(સૌજન્ય : ટહૂકો ડોટ કોમ)

કેમ તમને ગમીને આ કવિતા ? મારા માટે સારૂ છે કારણ કે મારે તો હજૂ સ્કુલે જવાની ઘણી વાર છે. આ કવિતા વિશે તમારો અભિપ્રાય આપવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા

Saturday, September 18, 2010

વ્હાલી જિત્વાને...










પપ્પા નેટ પર સર્ફીંગ કરતા હતા ત્યારે ટહુકો ડોટ કોમ પરથી યોસેફ મેકવાનની આ સરસ મજાની કવિતા વાંચવા મળી. તમને ખબર છે હું તમારી સાથે દરેક વાત શેર કરૂ છું તો પછી આ કવિતા કેમ નહીં. તો વાંચો આ સરસ મજાની કવિતા.

દીકરીને...

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;

ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક
ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

કેમ કવિતા વાંચવાની મજા આવી ને ? પિતા અને પુત્રી વચ્ચેના સબંધને વાચા આપતી આ સુંદર કવિતા પણ તમને જરૂર ગમશે.

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …