Friday, November 21, 2014

લાવો બા વાસણ કરાવું



હાલ દિવાળી કરવા માટે હું વતનમાં આવી છું. અહીં મને પુષ્ટિ દીદી અને નેત્રા દીદીની ખોટ તો સાલે છે પરંતુ બા ની સાથે હું રમ્યા કરૂ છું. આખો દીવસ હું બાની પાછળ અને પાછળ આંટા માર્યા કરૂ અને તે જે કરે તે હું પણ કરૂ.

જમ્યા બાદ બા વાસણ કરવા બેઠા તો હું પણ પાટલો લઇને બાજુમાં બેસી ગઇ કે લાવો બા તમને વાસણ કરાવું. મારી આ બાળ સહજ ચેષ્ટાથી બા પણ હસવા માંડ્યા.

- તમારી જિત્વા

Thursday, November 6, 2014

દેવદિવાળીની ઉજવણી


 




ભાભુ, પુષ્ટિદીદી અને નેત્રાદીદી હૈદ્રાબાદ ગયા હતા અને ત્યાંથી સીધા અમદાવાદ આવ્યા હતા. અહીં અમને ત્રણેને રમવાની ખુબ મજા આવતી હતી. દેવદિવાળીના દિવસે અમે ત્રણેએ સાથે મળીને ફટાકડા ફોડ્યા આ ફોટાઓ ત્યારના છે.

- તમારી જિત્વા


Monday, July 14, 2014

બિઝનેસની બારાખડી

આમ જુઓ તો કોઇપણ ગુજરાતીને ધંધો શીખવાડવો ના પડે એવું કહેવાય છે. સાંજે ગાર્ડનમાં જતા સમયે અને સ્કુલે જતા સમયે રસ્તામાં ઘણી દુકાનો ધ્યાનમાં આવે છે. તદુપરાંત પપ્પા-મમ્મી સાથે પણ ઘણી વખત નાની મોટી ખરીદી માટે જવાનું થાય છે.

આ ફોટો ધ્યાનથી જુઓ, આ મારી પેઢી છે. ટેબલને ઉલટુ કરી દેવાનું અને બની ગઇ દુકાન. મારી દુુકાનની ખાસીયત એ છે કે અહીં દરેક વસ્તુ પાંચ રૂપિયામાં મળે છે. અને દુકાનમાં પુસ્તકોથી લઇને સોડા બધુ મળે છે.

હવે એ તમારે વિચારવાનું છે કે આમાં  બધુ સમાતુ કેવી રીતે હશે ???

- તમારી જિત્વા

Sunday, July 13, 2014

શનીવારની સંગીત સંધ્યા

  

આજે હું પપ્પા-મમ્મીની સાથે ગુજરાત યુનિ. હોલમાં આયોજીત એક સંગીત સમારોહમાં ગઇ હતી.

બોલીવુડના ખ્યાતનામ સંગીતકાર કલ્યાણજી-આનંદજીમાંના આનંદજી પણ અહીં આવેલા હતા. જેની હાજરીમાં અલગ અલગ કલાકારોએ સરસ મજાના ગીતો સંભળાવ્યા.

મારા માટે તો સંગીત અને રમવાનું બંને સરખુ મહત્વનું હતુ અને મેં તો સંગીત કરતાં રમવાની વાતને પહેલું પ્રાધાન્ય આપ્યું.

- તમારી જિત્વા

Wednesday, July 2, 2014

રેડ ડે

આજે સ્કુલમાં "રેડ ડે" હતો. મારે પણ આજે રેડ ડ્રેસ પહેરીને સ્કુલે જવાનું હતુ. સ્કુલના ગેટમાં દાખલ થતાં પહેલા પપ્પાએ મારા કેટલાક ફોટાઓ પાડ્યા.



રેડ ડ્રેસમાં હું કેવી લાગુ છું તે મને જરૂર જણાવજો. 

- તમારી જિત્વા

Sunday, June 29, 2014

ચકીબેન ચકીબેન

ગઇકાલે સાંજે હું, પપ્પા અને મમ્મી બહારથી આવ્યા ત્યારે કુતરૂ તેના મોંમા ચકલીનું બચ્ચુ લઇને જતુ હતુ. પપ્પાએ દોડીને કુતરાના મોં માંથી ચકલીના બચ્ચાને છોડાવ્યું.

મારા માટે તો આટલી નજીકથી ચકીબેનને જોવાનો આ પહેલો મોકો હતો. પછી તો બચ્ચાને મારા શુઝના બોક્ષમાં મુકીને તેને ઘરમાં મુકી દીધું.

બીજા દિવસે સવારે આ બચ્ચાની માતાને શોધવાની હતી. આથી પહેલા તો સલામત સ્થળે બોક્ષને ખુલ્લુ મુક્યું જેથી તેની માતાને તે અવાજ કરીને બોલાવી શકે અથવા તેની માતા તેને શોધતી આવે તો તે જોઇ શકે. ગણતરીના સમયમાં ચકીબેનની મમ્મી આવી ગઇ અને પહેલા તો તેણે તેને ચાંચમાં દાણા લઇને ખવડાવ્યા અને બાદમાં તેને ઉડવાની તાલીમ આપી. મા દીકરીનું મીલન થતાં જોઇને મને ખુબ આનંદની લાગણી થઇ.





આ સમગ્ર ઘટનાક્રમ જોવાની મને ખુબ જ મજા આવી. ચકીબેન માટે ગુજરાતીમાં એક સરસ કવિતા પણ છે.
આ કવિતા મારી આજના દિવસની પ્રવૃતિને બરાબર લાગુ પડે છે. વાંચો આ સરસ મજાની કવીતા.

 ચકીબેન ચકીબેન
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ બેસવાને પાટલો સૂવાને ખાટલો ઓઢવાને પીંછા આપીશ તને હું આપીશ તને ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ પહેરવાને સાડી મોરપીંછાવાળી ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને હું આપીશ તને ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ ચક ચક કરજો ચીં ચીં કરજો ખાવાને દાણા આપીશ તને હું આપીશ તને ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ બા નહિ બોલશે બાપુ નહિ વઢશે નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો.
- તમારી જિત્વા

Wednesday, June 25, 2014

ફ્રુટ ડે

આજે મારી સ્કુલમાં ફ્રુટ ડે હતો. મેં મેંગો કે ઓરેન્જ બે માંથી એક બનવાનું નક્કી કર્યું હતું. છેવટે ઓરેન્જ બનવાનું ફાઇનલ થયું.

હવે પ્રશ્ન એ હતો કે ઓરેન્જ બનાવવું કઇ રીતે. ફાઇનલી હું અને પપ્પા એક મોટો ફુગ્ગો લાવ્યા અને તેના પર લોટ, પાણી અને ફેવીકોલ દ્વારા એક લેયર લગાવ્યો તે સુકાઇ ગયો બાદમાં બીજો અને ત્યારબાદ ત્રીજો એમ પાંચથી છ લેયર બનાવ્યા અને ઉપર ઓરેન્જ પેપર લગાવ્યો.

ફુગ્ગા પર લગાવેલી આ સામગ્રી સંપુર્ણપણે સુકાઇ ગઇ બાદમાં ફુગ્ગાને ફોડી નાખ્યો આથી ગોળ ગોળો તૈયાર થઇ ગયો. જેને ઉપર અને નીચેથી રાઉન્ડ શેપમાં કટ કર્યો અને તેમાંથી બનાવી નાંખી ટોપી અને બંને બાજુથી હાથની જગ્યા બનાવી. લો હવે ઓરેન્જ થઇ ગયો તૈયાર.

અફસોસ કે ઓરેન્જનો હું આ એક જ ફોટો પાડી શકી. પરંતુ હા મારા આ ઓરેન્જને બધાએ ખુબ વખાણ્યુ અને મને પ્રાઇઝ પણ મળ્યું. તમારે પણ આવું ઓરેન્જ બનાવવું હોય તો જુઓ આ વિડીયો.

કેવો લાગ્યો આ પ્રયોગ ...??? તમારો અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં...

- તમારી જિત્વા