Tuesday, October 5, 2010

જેનિલ, ગિટાર અને ગિફ્ટ







આજે અમારા વિસ્તારમાં સવારના આઠથી પાંચ વાગ્યા સુધી લાઇટ નહોંતી કારણ કે ઇલેક્ટ્રીક લાઇનને અન્ડરગ્રાઉન્ડ કરવાનું કામ ચાલી રહ્યું છે. આથી પપ્પા ઓફીસ જતા સમયે મને અને મમ્મીને કૈલાસમામાના ઘરે મુકતા ગયા હતા આમ પણ છેલ્લા ઘણા દિવસથી ત્યાં આંટો મારવા જવાનું હતું.

અહીં આ પહેલા પણ આવી ચૂકી છું છતાં મને નવું નવું લાગતું હતું. પરંતુ બાદમાં અહીં જેનિલભાઇના નવા નવા રમકડાંથી રમવાની મને બહુ મજા પડી. સાંજે ઘરે આવતા સમયે જેનિલભાઇએ મને તેના રમકડા ગિફ્ટ પણ આપ્યા જેમાં ઇલકટ્રીક ગિટાર અને હિંચકાનો સમાવેશ થાય છે.

મને હજુ ગિટાર વગાડતા આવડતું નથી પરંતુ તેમાંથી આવતા અવાજ અને તેની લાઇટ મને ખાસ આકર્ષિત કરે છે. જ્યારે હિંચકામાં પણ મને પહેલા એક-બે દિવસ ખુબ મજા આવી પરંતુ હવે મને તેમાં બેસવું બહુ ગમતું નથી. પરંતુ જેનિલભાઇની ગિફ્ટના કારણે વારંવાર હું તેમને યાદ કરતી રહું છું.

- તમારી જિત્વા

Sunday, October 3, 2010

બા મારી બા




તમને ખબર છે થોડા દિવસો પહેલા શારદા બા આંટો દેવા આવ્યા હતા. તેઓ જ્યારે મને હિંચકામાં બેસાડીને હિંચકો નાખતા હતા ત્યારે મને ખુબ મજા આવતી હતી. મને હિંચકાવતી વખતે બા નવા નવા હાલરડા ગાતા હતા જે સાંભળતા સાંભળતા હું ઉંઘી જતી હતી. એટલું જ નહીં તેઓ મને સાંજે ફરવા પણ લઇ જતા હતા.


- તમારી જિત્વા

Saturday, October 2, 2010

મારી દૂધની બોટલ





હવે હું મોટી થઇ ગઇ છું આથી હવે મધર્સ મિલ્ક સિવાય બહારના દૂધ પણ લેવું જોઇએ ને ? આથી જૂઓ પપ્પા મારા માટે આ મિલ્ક બોટલ લાવ્યા છે. આ બોટલમાં સીપર પણ છે અને નીપલ પણ.

મમ્મી મને બોટલમાં પાણી ભરીને મને બોટલથી પરિચીત કરાવે છે અને એક બે વખત તેણે તેમાં દૂધ ભરીને પાવાની પણ ટ્રાય કરી હતી પરંતુ મને આ બોટલમાં બહુ મજા આવતી નથી. હું જેમ જેમ મોટી થતી જાઉં છું તેમ ખાવા પીવાને લઇને મારા નખરાં વધી રહ્યા છે તેવું પપ્પાનું નિરિક્ષણ છે. તમે આ પોસ્ટ વાંચો હું ચાલી મારી વ્હાલી ખીચડી ખાવા.

- તમારી જિત્વા

Friday, October 1, 2010

વિશેષ બેઠક વ્યવસ્થા






હવે મને બેસતા આવડી ગયું છે અને બે દાંત પણ આવી ગયા છે તે તો તમને ખબર હશે પરંતુ આજે મમ્મીએ મારા માટે બનાવેલી ખાસ બેઠક વ્યવસ્થા વીશે વાત કરવાની છું.

હવે મને એકલું રહેવું ગમતું નથી અને થોડી વાર પણ મમ્મી જોવા ન મળે તો હું રળવાનું શરૂ કરી દઉં. આ સંજોગોમાં રસોઇ કેમ બનાવવી તે મમ્મી માટે સમસ્યા હતી આથી તેણે પ્લોટફોર્મ પાસે જ વાસણની ખાટલીમાં મારા માટે ખાસ બેઠક વ્યવસ્થા બનાવી કાઢી.

ફોટામાં તમે મારી ખાસ વ્યવસ્થા જોઇ શકો છો. આ વ્યવસ્થાથી હું પણ ખુશ અને મમ્મી પણ ખુશ ટુંકમાં વીન વીન સીચ્યુએશન બરાબરને.

- તમારી જિત્વા

Saturday, September 18, 2010

આનંદો...આનંદો....બે દાંત આવી ગયા


આનંદો...આનંદો...મારા નીચલા પેઢામાં વચ્ચેના બે દાંત આવી ગયા છે. અત્યારે અન્ય બાળકોની જેમ મને શરદી કે ઝાડા થયા નથી કે અન્ય કોઇ તકલીફ પણ વર્તાય રહી નથી. પરંતુ આજકાલ પેઢામાં આવતી મીઠી ખંજવાળના કારણે હું દરેક વસ્તુ મોં માં નાખવાનો પ્રયાસ કરૂ છું અને તેમાં પણ જો કોઇની આંગળી આવી ગઇ તો કચકચાવીને દબાવવાનો પ્રયાસ કરૂ છું.

હું આશા રાખું છું કે અન્ય દાંત પણ વહેલાસર અને કષ્ટ વગર આવી જશે જેથી હું જલ્દી જલ્દી દરેક વસ્તુ ખાઇ શકું.

- તમારી જિત્વા

નીશુભાઇ સાથે ઢીસુમ ઢીસુમ...






તમને ખબર છે દરરોજ મને નીશુભાઇ રમાડવા આવે છે. અને હું પણ ક્યારેક નિશુભાઇના ઘરે રમવા જાવ છું. આમતો હું મમ્મી અને પપ્પા સીવાય કોઇની પાસે જતી નથી પરંતુ નીશુભાઇ અને તેના મમ્મી તેમાં અપવાદ છે.

આ ફોટાઓ નિશુભાઇના ઘરે હું રમવા ગઇ હતી ત્યારના છે. જુઓ અહીં મેં સિંહ જેવો અવાજ કરીને નીશુભાઇને કેવા ડરાવી દીધા હતા. અહીં હું નીશુભાઇના રમકડાઓથી રમવા સીવાય ઘોડાની સવારીનો પણ આનંદ માણું છું.

- તમારી જિત્વા

વ્હાલી જિત્વાને...










પપ્પા નેટ પર સર્ફીંગ કરતા હતા ત્યારે ટહુકો ડોટ કોમ પરથી યોસેફ મેકવાનની આ સરસ મજાની કવિતા વાંચવા મળી. તમને ખબર છે હું તમારી સાથે દરેક વાત શેર કરૂ છું તો પછી આ કવિતા કેમ નહીં. તો વાંચો આ સરસ મજાની કવિતા.

દીકરીને...

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;

ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક
ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

કેમ કવિતા વાંચવાની મજા આવી ને ? પિતા અને પુત્રી વચ્ચેના સબંધને વાચા આપતી આ સુંદર કવિતા પણ તમને જરૂર ગમશે.

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …