Showing posts with label Moraribapu. Show all posts
Showing posts with label Moraribapu. Show all posts

Friday, May 4, 2012

દીકરી દેવો ભવ - મોરારીબાપુ

મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.

દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.

મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’ આવી અનુભૂત વાત ગાઈ છે.

દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….

એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો.

મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે બેટા, હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું; ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટા ભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.

રામચરિત માનસમાં લખ્યું છે – “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ’ યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.

હા, દેશ, કાળ અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે : ‘દીકરી (દુહિતા) દેવો ભવ’.

- તમારી જિત્વા