Showing posts with label Baa. Show all posts
Showing posts with label Baa. Show all posts

Monday, November 24, 2014

હું તમને નહીં જવા દઉં



અત્યાર સુધી મને કોઇ ઘરમાંથી બહાર જાય ત્યારે બહુ લાગી આવતું નહીં પરંતુ હવે મને આ બધી ખબર પડે છે.  અને હવે કદાચ મને માનવીય સબંધોનું મુલ્ય સમજાય રહ્યું છે.


હાલ છેલ્લા ઘણા દિવસોથી બા અને દાદા અહીં આવ્યા હતા. મને તેમની સાથે રમવાની બહુ મજા આવતી હતી. સવારે પપ્પા સ્કુલે મુકી જાય અને દાદા સ્કુલેથી લેવા આવતા હતા. દિવસો જાણે આનંદથી પસાર થતા હતા તેવામાં બા એ કહ્યું કે મારે જૂનાગઢ જવાનું છે . મેં તેમને કહ્યું કે ના તમારે નથી જવાનું દાદાને જવું હોય તો ભલે જાય તમારે રોકાવાનું છે.

બા એ મને સમજાવી કે મારે થોડું કામ છે તે પતાવી ને હું ફરી આવી જઇશ અને આ જો હું મારી સાડીઓ પણ અહીં મુકીને જાઉં છું.  છતાં સોમવારે સાંજે તેમને જતા રોકવા મેં બહુ કોશીશ કરી અને તેમની બેગ અને ચંપલને છુપાવા લાગી.

હવે ઘીમે ઘીમે બા અને દાદાને જવાનો સમય નજીક આવી રહ્યો હતો આથી મેં તો પોક મુકીને રડવાનું ચાલુ કર્યું મને બહુ સમજાવામાં આવી અને અંતે રડતી આંખે હું બા અને દાદાને મુકવા પણ ગઇ. બા અને દાદાને મુકીને હું ઘરે આવી ત્યારે ઘર એકદમ સુમસામ લાગ્યું અને ફરી હું બેડ પર બેસી ગઇ અને જેવી પપ્પાએ મને બોલાવી કે ફરી મને રડવું આવી ગયું. ફરી મને મનાવવામાં  પપ્પા - મમ્મીને બહુ વાર લાગી.  હવે હું રાહ જોઇ રહી છું કે બા અને દાદા ફરી ક્યારે આવે.

- તમારી જિત્વા

Friday, November 21, 2014

લાવો બા વાસણ કરાવું



હાલ દિવાળી કરવા માટે હું વતનમાં આવી છું. અહીં મને પુષ્ટિ દીદી અને નેત્રા દીદીની ખોટ તો સાલે છે પરંતુ બા ની સાથે હું રમ્યા કરૂ છું. આખો દીવસ હું બાની પાછળ અને પાછળ આંટા માર્યા કરૂ અને તે જે કરે તે હું પણ કરૂ.

જમ્યા બાદ બા વાસણ કરવા બેઠા તો હું પણ પાટલો લઇને બાજુમાં બેસી ગઇ કે લાવો બા તમને વાસણ કરાવું. મારી આ બાળ સહજ ચેષ્ટાથી બા પણ હસવા માંડ્યા.

- તમારી જિત્વા

Thursday, December 23, 2010

પ્રયાસ પગ પર ઉભા રહેવાનો



હું બેસતા તો શીખી ગઇ છું અને હવે હું ઉભા રહેવાનું શીખી રહી છું અને મારા આ પ્રયાસમાં બા મારા માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે.

દિવાલ વગેરેના ટેકાથી હવે થોડું ઉભા તો રહેવાય છે પરંતુ હજુ સંતુલન જળવાતું નથી. અને જ્યારે પણ સંતુલન જાળવવાના પ્રયાસમાં જ્યારે મને થોડી પણ સફળતા મળે છે ત્યારે મારા ચહેરા પર આનંદ પથરાય જાય છે. ચાલો તમે હવે આગળની પોસ્ટ વાંચો હું થોડો ઉભા રહેવાનો પ્રયાસ કરી લઉં.

- તમારી જિત્વા

Sunday, October 31, 2010

બા, અદા અને દાદા


ભાષા શિખવાના ચાર તબક્કા છે પહેલો સાંભળવું બીજો બોલવું ત્રીજો વાંચવું અને ચોથો લખવું. મેં પણ અત્યાર સુધી ઘણું સાંભળ્યું હવે હું બોલવાનો પ્રયાસ કરી રહી છું.

અત્યારે મને બા, અદા અને દાદા બોલતા આવડી ગયું છું. અને હું મારી મરજી પ્રમાણે બોલતી હોઉં છું. ખાસ કરીને બપોર અને સાંજના સમયે.

તો વળી, મમ્મી મને બપોરે ઘોડીયામાં સુવડાવે ત્યારે ક્યારેક હું મારી સાંકેતીક ભાષામાં હાલરડા પણ ગાઉં છું. અને ક્યારેક આનંદમાં હોઉં ત્યારે ચીસો પણ પાડું છું આ પણ એક પ્રકારનું પ્રત્યાયન જ છે ને ?


- તમારી જિત્વા

Sunday, October 3, 2010

બા મારી બા




તમને ખબર છે થોડા દિવસો પહેલા શારદા બા આંટો દેવા આવ્યા હતા. તેઓ જ્યારે મને હિંચકામાં બેસાડીને હિંચકો નાખતા હતા ત્યારે મને ખુબ મજા આવતી હતી. મને હિંચકાવતી વખતે બા નવા નવા હાલરડા ગાતા હતા જે સાંભળતા સાંભળતા હું ઉંઘી જતી હતી. એટલું જ નહીં તેઓ મને સાંજે ફરવા પણ લઇ જતા હતા.


- તમારી જિત્વા